સુરત તા 12
પતંગોના પર્વ એવા ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં માતા-પિતાને ચેતવા જેવો એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. વરિયાવના કંટારા ગામમાં પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાય છે.
માતા-પિતાની ગેરહાજરીમાં બનાવ બન્યો મળતી માહિતી પ્રમાણે, સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને ત્રણ દીકરા અને એક દીકરી છે. ભલાભાઈ અને તેની પત્ની ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા-પિતા ખેતર પર ખેતમજૂરીએ જતા ત્યારે બાળકો ઘરે એકલાં રહેતાં હતાં.
આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર આવે છે, એના પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ રમતાં હતાં. ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઇ પત્ની સાથે ખેતર પર મજૂરીકામ અર્થે જતા રહ્યા હતા. દરમિયાન બાળકો ઘરે એકલાં હતાં અને પતંગ ઉડાવી રહ્યાં હતાં. જોકે 10 વર્ષીય કેતને નાનાભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માગી હતી.
જોકે નાના ભાઈએ દોરી આપવાની ના કહેતાં કેતનને માઠું લાગી આવ્યું હતું. ત્યાર બાદ તે ઘરમાં જતો રહ્યો હતો. ત્યાર બાદ ઘરમાં છતની એન્ગલ સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘણીવાર થઈ જવા છતાં તે બહાર આવ્યો નહોતો.
ભાઈનો લટકતો જોઈ બહેને બૂમાબૂમ કરી મૂકી નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતાં ભાઈ લટકી રહ્યો હોવાની જાણ થઈ હતી, જેથી તેણે બૂમાબૂમ કરી હતી કે ભાઈ લટકી ગયો, લટકી ગયો, જેથી બાજુમાં રહેતી મહિલા દોડી આવી હતી અને ત્યાર બાદ માતા-પિતાને કોલ કરીને જાણ કરી હતી.
ત્યાર બાદ માતા-પિતા ખેતરેથી દોડી આવ્યાં હતાં. પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
દસ વર્ષના દીકરાએ સામાન્ય બાબતમાં આપઘાત કરી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય બાબતોમાં યુવાનો આપઘાત કરી લેતા હોય છે. જોકે હવે બાળકો પણ સામાન્ય બાબતમાં માઠું લાગી આવ્યા બાદ અંતિમ પગલું ભરી લેતાં પણ અચકાતા નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy