‘મંથન’ને રિસ્ટોરેશન કરાયા બાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રિમિયરમાં મળ્યું સ્ટેન્ડીંગ ઓવેશન

પાંચ લાખ પશુપાલકોના રૂા.2ના યોગદાનથી 48 વર્ષ પહેલા બનેલી ફિલ્મ ‘મંથન’ 1 જૂને ફરી રિલીઝ થશે

India, Entertainment | 30 May, 2024 | 09:41 AM
1976માં રિલીઝ થયેલી શ્યામ બેનેગલ નિર્દેશિત ફિલ્મ ‘મંથન’ ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મ: સહકારી પ્રવૃતિથી ચાલતા ડેરી ઉદ્યોગના વિષયની આ ફિલ્મમાં સ્મિતા પાટીલ, નસીરુદીન શાહ, ગિરિશ કર્નાર્ડ જેવા દિગ્ગજોની ભૂમિકા: 1976માં ખેડુતો બળદગાડામાં બેસી આ ફિલ્મ જોવા આવતા
સાંજ સમાચાર

મુંબઈ: શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ને પુન:સ્થાપિત કર્યા બાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ના વર્લ્ડ પ્રીમીયરમાં જબરદસ્ત સફળતા મળી છે ત્યારે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (અમુલ) અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા પીવીઆર-આઈએનઓએકસ લિમિટેડ અને સિનેપોલિસ ઈન્ડિયામાં ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે.

ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, સુરત, રાજકોટ, મુંબઈ, પુણે, નાગપુર, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકતા સહિત ભારતમાં 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં 1 અને 2 જૂન 2024ના રોજ ફિલ્મ રિલીઝ કરાશે.

‘મંથન’ અસાધારણ ડેરી સહકારી ચળવળની શરૂઆતનું કાલ્પનિક સંસ્કરણ છે. શ્વેત ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનની પ્રેરણાથી ભારત દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે પરિવર્તિત થયું છે.

‘મંથન’ ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મ છે. જે પાંચ લાખ ડેરી ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે. જેના માટે દરેક ડેરી ખેડૂતોએ 2 રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ ફિલ્મમાં ગિરીશ કર્નાર્ડ, નસીરુદીન શાહ, સ્મિતા પાટીલ, ડો. મોહન અગાશે, કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને આભા પુલિયા સહિતના કલાકારો હતા.

મંથનનું શુટિંગ જાણીતા સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું હતું અને સંગીત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાએ આપ્યું હતું.

જીસીએમએમએફ (અમૂલ)ના એમડી ડો. જયેન મહેતાએ જણાવ્યું હતું કે, ‘ભારતને વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક બનાવવામાં ‘મંથન’ ફિલ્મનો ઘણો ફાળો છે. અમુલ મોડલ પ્રમાણે અન્ય સહકારી ડેરીઓ બનાવવા માટે આ ફિલ્મ દ્વારા ફેલાવવામાં આવેલી જાગૃતિથી સમગ્ર દેશમાં સહકારી ડેરી ચળવળને વેગ આપી સંગઠીત કરવામાં મહત્વની ભૂમિકા રહી છે.’

મંથન ફિલ્મના નિર્દેશમ શ્યામ બેનેગલે જણાવ્યું હતું કે, ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમીયરમાં પુન:સ્થાપિત ‘મંથન’ ફિલ્મને મળેલા અદભૂત પ્રતિસાદ વિશે સાંભળીને મને ખૂબ આનંદ થયો. પરંતુ મને એ વાતનો વધુ આનંદ છે કે ફિલ્મ ફરી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. મારી ફિલ્મોમાં ‘મંથન’ પ્રથમ રિસ્ટોરેશન હશે જે થિયેટરમાં રિલીઝ થશે.

1976માં જયારે ‘મંથન’ રિલીઝ થઈ, ત્યારે મોટી સફળતા હતી. નાના શહેરો અને ગામડાઓમાંથી ખેડુતો બળદગાડામાં મુસાફરી કરીને આ ફિલ્મ જોવા આવતા હતા. 48 વર્ષ પછી આ જૂનમાં રિસ્ટોર કરેલી ફિલ્મ મોટા પડદા પર આવી રહી છે, ત્યારે હું આશા રાખું છું કે ભારતભરમાં લોકો ફિલ્મ જોવા સિનેમાઘરોમાં આવશે.’

ફિલ્મના કલાકાર નસીરુદીન શાહએ જણાવ્યું હતું કે, ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંથનનું પ્રીમિયર જોવું મારા માટે ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. હું લગભગ 50 વર્ષ પહેલાની યાદોથી અભિભૂત થઈ ગયો, જયારે સિનેમા પરિવર્તનનું માધ્યમ હતું, અંતે સ્ટેન્ડિંગ ઓવેશનથી આંખોમાં આંસુ વહી ગયા હતા.’

ફિલ્મના દિગ્દર્શક ગોવિંદ નિહલાનીએ જણાવ્યું હતું કે, ‘મંથન ફિલ્મની પુન: સ્થાપના સાથે સંકળાયેલ હોવાને કારણે અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન પુન:સ્થાપનામાં મૂળ કામને જાળવવાની ખાતરી સાથે ઘણા મહિનાઓથી ઉદ્યમી પ્રયાસ કર્યા છે, તે જોયા પછી હું ફિલ્મને ફરીથી મોટા પડદા પર જોવા માટે રાહ જોઈ શકતો નથી. શ્યામ અને મે 50 વર્ષ પહેલા જે કામની કલ્પના કરી હતી તે ફરીથી જીવંત થઈ છે.’

‘મંથન’ ફિલ્મનું રાજકોટ પાસેના સાંગણવા ગામે શૂટિંગ થયેલું
કલાકારો-કસબીઓના રાજકોટમાં ઉતારા હતા

અમુલના સહકારી પ્રવૃતિથી ચાલતા ડેરી ઉદ્યોગ પરથી બનેલી ફિલ્મ ‘મથન’ની ખાસ બાબત એ છે કે આ ફિલ્મનું શુટીંગ દિવસો સુધી રાજકોટ પાસેના સાંગણવા ગામે થયું હતું. ફિલ્મના કલાકારો-કસબીઓના ત્યારે રાજકોટમાં ઉતારા હતા. નિર્દેશક શ્યામ બેનેગલ, સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાની, એકટ્રેસ સ્મિતા પાટીલ, નસીરુદીન શાહ સહિતના કલાકારો ફિલ્મના શુટીંગ માટે રાજકોટ આવ્યા હતા. ફિલ્મનો માહોલ સૌરાષ્ટ્રનો છે. રાજકોટ પાસેના ફિલ્મના શુટીંગ દરમિયાન ફિલ્મના કલાકારો-કસબીઓના અખબારોમાં ઈન્ટરવ્યુ પણ ત્યારે છપાતા હતા.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj