વઢવાણ,તા.24
મૂળી શકિતપરા વિસ્તારમાં વર્ષો જૂનુ અતિથિગૃહ આવેલ છે જ્યાં હાલ વર્ષોથી કોઇ જ ઉપયોગ ન હોવાથી ખંડેર હાલતમાં બની ગયું છે. જેથી સરકારી જમીન કોઇ પચાવી પાડે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરાય તેવી સ્થાનિક અગ્રણીઓ માગ કરી રહ્યા છે. મૂળી તાલુકામાં અનેક સરકારી મકાનો ખંડેર હાલતમાં જોવા મળે છે અને સુવિધાઓ વધવાનાં બદલે જાણે ઘટી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મૂળી શક્તિપરા વિસ્તારમાં વર્ષો પહેલા અતિથિ ગૃહ હતું જે છેલ્લા ઘણા વર્ષોથી બિનઉપયોગી અને હાલ ખંડેર હાલતમાં બાવળોનાં સામ્રાજ્ય વચ્ચે હોવાથી સરકારી મિલકતનો ઉપયોગ નથી થઇ રહ્યો.
બીજી તરફ મૂળીમાં અતિથિ ગૃહ ન હોવાથી મૂળીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર, માંડવરાયજી મંદિર, સરા મેલડીમાં મંદિર તેમજ દુધઇ વડવાળા મંદિર સહિત ધાર્મિક સ્થાનોમાં બહારથી આવતા, સરકારી કર્મચારીઓ અને પદાધિકારીઓને નછૂટકે સુરેન્દ્રનગર સુધી લાંબુ થવું પડે છે. તેમજ મૂળીને પણ અતિથિ ગૃહનો લાભ નથી મળી શક્તો. ત્યારે તાજેતરમાં સીએમ દ્વારા સરકારી પડતર મિલક્તોને સારા કામમાં ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.
ત્યારે જવાબદાર તંત્ર દ્રારા મૂળીમાં આવેલ અતિથિ ગૃહ, સબૂરી ડેમનાં ક્વાટર સહિતની સરકારી જગ્યા કોઇ કબજો જમાવી લે તે પહેલા ઉપયોગી બને તે માટે નવું અતિથિ ગૃહ બને તે માટે પ્રયત્નો કરાય તેવી સ્થાનિકોની માગ છે. સ્થાનિક અગ્રણી હરદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે મૂળીમાં વર્ષોથી અતિથિ ગૃહ બંધ હાલતમાં છે. ત્યારે હાઇવે પર ક્વાટરની જગ્યામાં અતિથિ ગૃહ બને તો ઉપયોગી થઇ શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy