(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.19
સમગ્ર વિશ્વનાં મહામાનવ, ગુજરાતનાં પનોતાપુત્ર અને ભારત દેશને હજારો વર્ષ બાદ આઝાદીની ભેટ આપનાર રાષ્ટપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનપર્યત 7 વખત આપણા અમરેલી શહેરની મુલાકાત લીધી હતી.
મહાત્મા ગાંધીએ વિક્રમ સવંત 1981માં કપોળ બોર્ડિંગના મેદાનમાં પુસ્તકાલય અને પ્રાર્થના મંદિરનાં મકાનનું ભૂમિપૂજન કરેલ તે મકાન આજે પણ હાયત છે અને જયાં થોડા વર્ષો પહેલા આવકવેરા કચેરી હતી અને આજે સમગ્ર પટાંગણનું વેચાણ થઈ ચુકયું હોય રાજય અને ભારત સરકારે આજે સમગ્ર કપોળ બોર્ડિંગ કેમ્પસ તેમજ મીર સાહેબની હવેલી જેવા મહાત્મા ગાંધીની યાદગીરી આપે તેવી ઈમારતોને હેરિટેઝમાં સમાવેશ કરવો જોઈએ તેવી માંગ ગાંધી પ્રેમીઓ કરી રહૃાા છે.
મહાત્મા ગાંધી પોતાના જીવનકાળમાં સાત વખત અમરેલી ની મુલાકાતે આવેલાની માહિતી છે.અમરેલીનાપનોતા પુત્ર શ્રી જીવરાજ મહેતા માટે ગાંધીજીને વ્યકિતગત માન હતું.
ગાંધીજીની મુલાકાતો સમયે હરિલાલભાઈ પરીખ, જગજીવનભાઈ મહેતા, વાજસુરભાઈ વાળા, રામજીભાઈ કામાંણી જેવા ગાંધીજીના અનેક સમર્થકો દ્વારા એમનું અદકેરૂં સ્વાગતસન્માન થયેલ હતું. આ મુલાકાતો દરમિયાન ગાંધીજીનો ઉતારો કપોળ બોર્ડિંગ ,મીર સાહેબની હવેલી ખાતે રહેતો હતો.અમરેલીની કપોળ બોર્ડિંગમાં ગાંધીજીએ સ્વહસ્તે જનતા જોગ સંદેશો પણ લખેલો છે.
જૈન મહાજન વાડી , સાથલી નદીનો પટ્ટ અને અમરેલી સુધરાઈ ઓફિસ પાસે એમની જાહેરસભાઓ થયેલી હતી.આ મુલાકાતો દરમિયાન ખાદી પ્રદર્શન , રેટિયાઘરનું ઉદઘાટન, રાષ્ટ્રીય શાળાની મુલાકાતો જેવા કાર્યક્રમોનું આયોજન થતું હતું. લાયબ્રેરી ચોકમાં સ્વદેશી ચિજવસ્તુ જ વાપરવાની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.
આવાલીબાઈ થતા જયાંવતીબાઈ પ્રાર્થના મંદિર , પુસ્તકાલયનું ખાતમુર્હત ગાંધીજીના હસ્તે 1925 માં કરવામાં આવ્યું હતું. જયા આગળ જતાં આવકવેરા ઓફીસ (ગર્લ્સ સ્કૂલ રોડ) બની હતી. અમરેલી અખાડા ટીમના 20થી વધુ લોકો ગાંધીજી સાથે મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા.
સમગ્ર ભારત દેશમાં માત્ર 3 થી 4 જગ્યાએ અતિ અલભ્ય એવા ગાંધીજીના અસ્થિ કળશ રાખવામાં આવ્યા છે એમાંનો એક અસ્થિ કળશ અમરેલી ગિરધારલાલ સંગ્રહાલય(બાલભવન) ખાતે ઉપલબ્ધ છે.અમરેલી શહેરમાં ગાંધી નામ સાથે જોડાયેલ જાહેર સ્મારકોમાં ગાંધીબાગ - ગાંધીજીની 3 પ્રતિમા અને એક મહાત્મા ગાંધી રોડનો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy