સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા ખાડે

ધજાળાનાં શીરવાણીયામાં સામાન્ય બાબતે ત્રણ રાઉન્ડ ફાયરીંગ

Crime | Surendaranagar | 19 February, 2025 | 11:31 AM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 19
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિમાં વધુ એક હુમલા સાથે ધોળા દિવસે ફાયરિંગની ઘટના ઉજાગર થતા ચકચાર મચી જવા પામી છે.

સતત ચર્ચા અને વિવાદોમાં રહેતા ધજાળા પોલીસ સ્ટેશન હેઠળના શીરવાણીયા ગામે થોડા સમય પહેલા ગ્રામ પંચાયત માં લાઈનમાં ઊભા રહેવા બાબતે થયેલ મનદુ:ખને લઇ સર્જાયેલ માથાકૂટમાં પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવેલા આઠ શખ્સો દ્વારા એક ઘર પર હુમલો કરવા સાથે જીવલેણ પિસ્તોલ, તમંચા જેવા હથિયારો વડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ખોબા જેવડા શીરવાણીયા ગામમાં દેકારો મચી જવા પામ્યો હતો.

 આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી એક ફૂટેલો કારતૂસ કબજે કરીને વધુ ઝીણવટભરી તપાસ આદરી હતી.  સાયલા પંથકના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શીરવાણીયા ગામે ઢળતી બપોરે બનેલા ચકચારી બનાવની મળતી વિગતો અનુસાર દોઢથી બે માસ પહેલા શાંતુભાઈ ખવડને ગ્રામ પંચાયત માં વી.સી.નું કામ કરતા પ્રદીપ ઉર્ફે લાલો ખવડ સાથે લાઇનમાં ઊભા રહેવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી. 

બે દિવસ પહેલા બોટાદ કોર્ટના કામે ગયેલા શાંતુભાઈ સાથે રસ્તામાં ઊભા રાખી આરોપી પ્રદીપ તથા તેના પિતા વલકુ ખવડ દ્વારા માથાકૂટ કરી બેથી ત્રણ ઝાપટો મારવાનો બનાવ પણ બન્યો હતો. બે મહિના પહેલા સર્જાયેલ માથાકૂટ બાદ આ સિલસિલો નહીં રોકાતા સોમવારે સાંજે ત્રણ કારમાં આવેલા આઠ લોકોએ પિસ્તોલ, તમંચા, લાકડી, ધારીયા, તલવારો વડે હુમલો કરવા સમયે શાંતુભાઈ તથા તેમના ભાઈ શિવકુભાઈ બંને પોતાના મકાનના ધાબા પર ચડી ગયા હતા.

આરોપીઓ દ્વારા ઘરના બારણા પર પણ લાકડીઓ ઝીંકી હતી તેમજ પથ્થરમારો કરતા આરોપી પ્રદીપ ખાચર દ્વારા તેની પાસે રહેલ પિસ્તોલ માંથી એક રાઉન્ડ હવામાં તથા આરોપીઓ કુલદીપ તથા અનિલે તેમની પાસે રહેલા તમંચા જેવા હથિયારો માંથી એક એક રાઉન્ડ ફાયરિંગ ધાબા પર રહેલા બંને ભાઈઓ પર કર્યું હતું. પરંતુ તેઓ નીચે નમી જતા આબાદ બચાવ થયો હતો. 

ચકચારી ઘટના બાદ ગામમાં દેકારો મચી જવા પામ્યો હતો તેમજ પોલીસને જાણ થતા લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, ધજાળા, સાયલા પોલીસનો કાફ્લો બનાવ સ્થળે ધસી ગયો હતો. હુમલાની ઘટનાને અંજામ આપી ધમકી આપી આઠે શખ્સો ત્રણ કારમાં નાશી છૂટયા હતા. જેઓને પકડવા પોલીસ દ્વારા તુરંત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં હુમલાની ઘટનામાં સામેલ એવા પ્રદીપ ખાચર નામના એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.બનાવને 24 કલાક જેટલો સમય વીતવા છતાં હજુ શીરવાણીયા ગામમાં ખોફ્ના માહોલ વચ્ચે સોંપો પડી ગયેલો દેખાઈ છે. 

ત્યારે પોલીસે ફરાર સાત આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. શીરવાણીયા ગામે બનેલ હુમલાની ઘટનામાં ભોગ બનનાર અને શાંતુભાઈના ભાઈ હાથીભાઈ ખવડ દ્વારા તે જ ગામના પ્રદીપ ઉર્ફે લાલો તેના પિતા વલકુ દાદભાઇ ખવડ, ધજાળાના અનિલ ભરતભાઈ ખવડ, બોટાદ જિલ્લાના કુંભારા ગામના દડુ આપભાઈ ખાચર, રાણપુર તાલુકાના મોટી વાવડી ગામના કાના મંગળુભાઇ ધાધલ, સુદામડાના પ્રદીપ ખાચર તથા ગોસળના કુલદીપ ખાચર, કનુ આપભાઈ ખાચર વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઇ હતી. 

જૂની વાતનું મનદુ:ખ રાખીને અગલ અગલ ત્રણ શખ્સોએ હવા ફાયરીંગ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મામલાની જાણ થતાં જ લીંબડી ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ હત્યાનો બનાવ બનવા પામ્યો હતો અને તેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યારે ફરી ફાયરીંગનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે ધજાળા પોલીસ મથકે 8 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં હાલ એક આરોપીને ઝડપી પડાયો છે.

સાયલા પંથકમાં છાશવારે ફૂટતી રહેતી ફ્ટાકડીઓથી આમ જનતા ભયભીત 
સાયલા પંથકમાં અવારનવાર બનતી ફાયરિંગની ઘટનાઓનો સિલસિલો યથાવત રહેતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આમ નાગરિકો ભયના માહોલ વચ્ચે ગુનેગારો સામે ખાખીના ખોંખારાની આશા રાખી રહ્યા છે. 

જિલ્લામાં નજવી વાતમાં બનતી ફાયરિંગની ઘટનાઓ ચિંતાનો વિષય 
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં બનતી ફાયરિંગની ઘટનાઓમાં હત્યા, ગંભીર ઇજાઓના બનાવો અગાઉ બન્યા છે અને બનતા રહેવા પામતા પ્રશાસન માટે પણ ગહન ચિંતાનો વિષય બન્યો છે. પાંચ વર્ષ પહેલા શિરવાણીયા ગામે પોલીસ હેડ કોન્સ્ટેબલ પર પણ ફાયરિંગની ઘટના બની હતી.

ત્યારે પાંચ માસ પહેલા જ સુદામડા ગામે ખનીજ માફીયાઓ વચ્ચેની માથાકૂટમાં ધાણીફૂટ ગોળીબારની ઘટના હજુ માનસપટ પર તરવરી રહી છે. ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના બાદ આવા ગુનેગારો, માથાભારે શખ્સો વિરૂધ્ધ પોલીસે આંખ લાલ સાથે કરડી કરવાનો સમય પાકી ગયો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj