ચાર દાયકા જુના આવાસો ખખડતા વર્ષોથી ચાલતી નોટીસની પ્રક્રિયા : રી-ડેવલપમેન્ટ માટે કોઇ પાર્ટી આગળ આવતી નથી..

હાઉસીંગ બોર્ડના કવાર્ટર ખાલી કરવા કાલે છેલ્લો દિવસ : મનપા ડિમોલીશન નહીં કરે પણ સીલ મારી દેશે

Saurashtra | Rajkot | 10 June, 2024 | 05:41 PM
696 આવાસ રહેવા લાયક નહીં હોવાની કોર્પો., હા.બોર્ડ, પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે ચર્ચા : ચોમાસા પૂર્વે જગ્યા ખાલી કરાવવાના આદેશ : દૂધની ડેરી પાસેના પરિવારોની દોડાદોડી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 10
શહેરના વોર્ડ નં. 6માં દૂધસાગર રોડ પર હાઉસીંગ બોર્ડે 40 વર્ષ પહેલા બનાવેલા અને ડેરીલેન્ડ કોલોની આકાશદીપ સોસાયટી તરીકે ઓળખાતા કવાર્ટર વર્ષોથી જર્જરીત હાલતમાં હોવા છતાં આજ સુધી હા.બોર્ડ કચેરી રીનોવેશન કરાવી શકી નથી.

રી-ટેન્ડર છતાં કોઇ એજન્સી કામ માટે તૈયાર ન હોય, આ વર્ષે આ જગ્યા ખાલી કરાવવા મહાપાલિકાએ જોખમી કવાર્ટર સીલ કરવા કાર્યવાહી શરૂ કરી છે. ગત સપ્તાહે આવા 696 નબળા બાંધકામવાળા કવાર્ટરના નળ જોડાણ અને વીજ કનેકશન કાપવામાં આવ્યા છે. હાઉસીંગ બોર્ડે આપેલા રીપોર્ટના પગલે આ તમામ કવાર્ટર ખાલી કરવા હવે કાલે મંગળવાર સુધીની મુદ્દત આપવામાં આવી હોય, બેઘર થવાના ભયથી લોકો દોડાદોડી કરવા લાગ્યા છે.  

ગત સપ્તાહે હાઉસીંગ બોર્ડ, પીજીવીસીએલ અને મનપા તંત્ર વચ્ચે બેઠક થઇ હતી જેમાં રી-ડેવલપમેન્ટનું આયોજન કયાં પહોંચ્યુ તેની વિગત મનપાએ બોર્ડના કાર્યપાલક ઇજનેરને પત્ર લખ્યો છે. બીજી તરફ મહાપાલિકાના ઇજનેરોએ  કોર્પોરેશન હાઉસીંગ બોર્ડના પત્ર પરથી જોખમી આવાસો ખાલી કરાવી માત્ર સીલ મારવાનું છે, ડિમોલીશન કરવાનું નથી કારણ કે આ કામ હા.બોર્ડનું છે તેમ કહ્યું છે.

ગઇકાલે જામનગરમાં પણ જર્જરીત આવાસ તોડવાનું ડિમોલીશન  હાઉસીંગ બોર્ડના અધિકારીઓની ટીમે કર્યુ હતું. આમ છતાં આવતીકાલ મંગળવાર જોખમી આવાસો ખાલી કરાવીને સીલ મારવામાં આવશે તેવું તો કોર્પોરેશને જાહેર કર્યુ છે. 

વોર્ડ નં.6માં દૂધસાગર રોડ પર ચાર દાયકા પહેલા હાઉસીંગ બોર્ડે બનાવેલા આવાસ જર્જરીત થઇ ગયા હોય, ગત સપ્તાહે વીજ અને નળ જોડાણ કાપવા કાર્યવાહી કરાતા પરિવારો હેરાન થઇ ગયા છે. મનપાએ હાઉસીંગ બોર્ડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ જગ્યાએ રહેલા ત્રણ માળીયા કવાર્ટર જર્જરીત અને ભયગ્રસ્ત હાલતમાં છે.

ભૂકંપ, વરસાદ કે વાવાઝોડા વખતે આવાસો પડી જાય તેવી હાલતમાં જાનમાલને નુકસાન થવાનો ભય રહે છે. આથી કોર્પો. દ્વારા જીપીએમસીની કલમ 264 હેઠળ બિલ્ડીંગના ભયગ્રસ્ત ભાગ રીપેર કરવા અથવા દુર કરવા તથા કલમ 268 હેઠળ  મકાન ખાલી કરવા નોટીસ આપવામાં આવી રહી છે.

તા.24-5ના રોજ કમિશ્નર, હા.બોર્ડ, પીજીવીસીએલના અધિકારીઓની હાજરીમાં કનેકશન કાપવા નિર્ણય લેવાયો હતો. અહીં હા.બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ત્રણ માળીયા કવાર્ટરના 6ર પૈકી પ8 બ્લોકમાં હાલત ખખડી ગઇ છે. પ્રતિ બ્લોક 1ર મળી કુલ 696 કવાર્ટર જોખમી હાલતમાં હોવાથી જાનમાલને નુકસાન થવાનો ભય છે.

આથી આ કોલોનીના રી-ડેવલપમેન્ટ માટે કોઇ આયોજન કરાયું છે કે નહીં  તેનો જવાબ કોર્પો.એ પૂછયો છે. મનપા સ્થળાંતર માટે મદદ કરશે તેમ જણાવ્યું છે. 
કોર્પોરેશને છેલ્લે આપેલી નોટીસની મુદ્દત કાલે મંગળવારે પૂરી થઇ રહી છે.

આથી પોલીસ બંદોબસ્ત સાથે બાકીના કવાર્ટર ખાલી કરાવી જોખમી મિલ્કત સીલ કરવાની કાર્યવાહી થશે. બીજી તરફ હાઉસીંગ બોર્ડના ત્રણ પ્રયત્ન છતાં  રી-ડેવલપમેન્ટ માટે કોઇ એજન્સી તૈયાર થતી ન હોય, આ કામગીરી પણ અટકી ગઇ છે. 

હા.બોર્ડની નોટીસ ગત મહિને હાઉસીંગ બોર્ડે આસામીઓને પાઠવેલી નોટીસમાં જણાવ્યું હતું કે ચોમાસુ ધ્યાને લેતા આ આવાસનો વપરાશ બંધ કરવાની જરૂર છે. કોઇ દુર્ઘટના બને તો હાઉસીંગ બોર્ડ કે સરકારની જવાબદારી રહેશે નહીં. 75 ટકા લોકો સંમત હોય તો રી-ડેવલપમેન્ટ થઇ શકે છે. આથી આ જગ્યામાં વસવાટ બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી. 

► 150 ફુટ રોડ પર મનપાએ બનાવેલા ધરમનગરના કવાર્ટરની પણ અવદશા.
    વર્ષોથી ટપકતું પાણી : કામની તપાસ કરી રીપેરીંગ કરાવવા કમિશ્નરને પત્ર

શહેરના 150 ફુટ રીંગ રોડ પર રાજ બેંક પાછળ આવેલા ધરમનગર આવાસ યોજનાના મનપાએ બનાવેલા 960 જેટલા કવાર્ટર લોટ, પાણી અને લાકડા જેવા કામના કારણે ખખડી ગયા હોય, આ કામની તપાસ કરવા અને ગાબડા  રીપેર કરવા ફરી લોકોએ રજુઆત કરી છે. 

આવાસ યોજના વતી બી.એલ.સોલંકી સહિતના કવાર્ટર ધારકોએ જણાવ્યું છે કે આ બાંધકામમાં હલ્કી કક્ષાના બે સળીયા વચ્ચેનું માપ નિયમ કરતા વધારે રાખવામાં આવ્યું છે. બારીઓ વેસ્ટ લાકડામાંથી બનાવવામાં આવી છે.

પાણીની લાઇનનો ઉપયોગ નથી અને 23 વર્ષથી જેમની તેમ છે. ડ્રેનેજ સિસ્ટમમાં રોજ સમસ્યા પેદા થાય છે. છતમાં પ્લાસ્ટર ન હોવાથી સીધો ઘરમાં વરસાદ આવે છે. નબળા કામના કારણે લોકો પર જોખમ વધી રહ્યું છે જે અંગે વર્ષોથી મુખ્યમંત્રી, લોકપાલ, કમિશ્નરને સતત રજુઆતો છતાં કોઇ જવાબ આપવામાં આવતો નથી. 

આ અંગે સ્થળ પર રોજકામ કરાવવા કમિશ્નર પાસે માંગણી કરવામાં આવી છે. અહીં ફલોરીંગ અને પ્લાસ્ટરમાંથી નમુના લઇ લેબોરેટરી તપાસ કરવાની જરૂરીયાત છે. કવાર્ટરના દરવાજાને પણ કલર કરવામાં આવ્યો નથી. આ કવાર્ટર રીપેર કરવા આસામીઓએ માંગણી કરી છે. 

► દૂધસાગર રોડ પરના હાઉસીંગ બોર્ડ કવાર્ટરની હાલત ખખડી જતા સરકારી વિભાગ આ જગ્યા ખાલી થાય તેવું ઇચ્છે છે. જેથી મનપા અને વીજ કંપની મારફત નળ તથા લાઇટ જોડાણ કાપવાની કામગીરી કરાવતા અને સીલીંગ ઝુંબેશ કરતા આસામીઓમાં રોષ ફેલાયો છે. 
 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj