વોશિંગ્ટન(અમેરિકા) તા.24
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ શરૂ કરેલો સ્ટારગેટ પ્રોજેક્ટ તેની જાહેરાતના બીજા જ દિવસથી વિવાદમાં મૂકાયો છે. ટ્રમ્પે જાહેર કરેલા સ્ટારગેટ પ્રોજેક્ટની તેના જ સાથીદાર મસ્કે ટીકા કરતા જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટમાં સામેલ કંપનીઓ પાસે તેટલા રુપિયા તો છે જ નહીં તો પછી આ પ્રોજેક્ટ ક્યાંથી આગળ વધશે. ટ્રમ્પના પ્રોજેક્ટની મસ્કે કરેલી ટીકાથી અમેરિકામાં પણ આશ્ચર્ય છવાયું છે.
બધાને આશ્ચર્ય એ વાતનું પણ થયું છે કે, આ પ્રોજેક્ટમાં ટ્રમ્પે મસ્કને નહીં પણ સેમ ઓલ્ટમેનની ઓપનએઆઇને હિસ્સેદાર બનાવી છે, જેને માઇક્રોસોફ્ટનું પૂરેપૂરુ સમર્થન છે.
બીજા શબ્દોમાં કહીએ તો ટ્રમ્પ સોફ્ટવેર જાયન્ટ માઇક્રોસોફ્ટની સાથે ઓપનએઆઈ બેને આ પ્રોજેક્ટ સાથે જોડવા માંગે છે. જ્યારે એક સમયે ઓપનએઆઈના જ સહસ્થાપક મસ્કને આ પ્રોજેક્ટમાંથી બહાર રાખ્યો તે બાબત પણ ચર્ચાનો વિષય બન્યો છે.
ટ્રમ્પની જાહેરાત મુજબ ઓરેકલ, સોફ્ટબેન્ક અને ઓપનએઆઈની ભાગીદારીમાં આ પ્રોજેક્ટ શરુ થવાનો છે. આ અંગે સેમ ઓલ્ટમેનનો દાવો છે કે, તેનાથી અમેરિકામાં એઆઇની સંભાવનાઓને વેગ મળશે અને એક લાખ નવી નોકરીઓનું સર્જન થવા સાથે રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત થશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં પ્રારંભિક રોકાણ 100 અબજ ડોલરનું હશે. તેના પછી તેને વધારીને પાંચ ગણુ એટલે કે 500 અબજ ડોલર (43 લાખકરોડ) લઈ જવાશે. મસ્કે જણાવ્યું હતું કે, સોફ્ટબેન્કના દસ અબજ ડોલરને બાદ કરતાં બીજી કંપનીઓ પાસે રોકાણ માટે ભંડોળ જ નથી.
ઓલ્ટમેને મસ્કને વળતો જવાબ આપતા જણાવ્યુ હતું કે, ક્યારેક તારી કંપનીઓથી આગળ વિચારતા શીખ. તું ખોટો છે. જો તારે આ વાતનો પુરાવો જોઈતો હોય તો ટેક્સાસમાં બની રહેલી સાઇટ્સનું બાંધકામ જોવા માટે આવી જા. હું જાણું છું કે બધું જ જે દેશ માટે શ્રેષ્ઠ હોય તે કંઈ હંમેશા તારી કંપનીઓ માટે શ્રેષ્ઠ ન હોય.
સ્ટારગેટ પ્રોજેક્ટની આઇટી સેક્ટરની અત્યાર સુધીની સૌથી મોટી યોજના માનવામાં આવે છે. આ પ્રોજેક્ટમાં ડેટા સેન્ટર સ્થાપવા, ઇલેક્ટ્રિસિટી પ્રોડકશન યુનિટ બનાવવાનું સામેલ છે, જે ઝડપથી વિકસતા એઆઈ પરિદ્રશ્યને માળખાકીય સગવડ પૂરી પાડશે.
એઆઈ ટેકનોલોજી માટે મોટાપાયા પર વીજળીની જરુર પડે છે. બંને કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ આના માટે રીન્યુએબલ ઊર્જા એટલે કે સોલર ફાર્મનો આશરો લેવાના છે.
મસ્કની ટિપ્પણી અંગે માઇક્રોસોફ્ટના સત્ય નડેલાએ જણાવ્યું હતું કે, માઇક્રોસોફ્ટ 80 અબજ ડોલરના ખર્ચે ગ્લોબલ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવી રહી છે અને તેમાથી એકલા અમેરિકામાં જ 50 અબજ ડોલર ખર્ચવાની છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy