મુંબઈમાં ગુજરાતી યુવતી કિર્તી વ્યાસની હત્યાનાં ગુનામાં બે આરોપીઓ દોષિત ઠર્યા

India, Gujarat | 28 May, 2024 | 05:07 PM
કિર્તી સાથે કામ કરતી મહિલા અને તેનાં પ્રેમીએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દીધી હતી
સાંજ સમાચાર

અમદાવાદ,તા.28
આજથી છ વર્ષ પહેલા મુંબઈમાં રહેતી 28 વર્ષની ગુજરાતી યુવતી કિર્તી વ્યાસ ઓફિસે જવા નીકળી ત્યારે ભેદી સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી, શરૂઆતમાં તેની મિસિંગ કમ્પ્લેઈન નોંધી પોલીસે કિર્તીને શોધવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તેની કોઈ ભાળ નહોતી મળી શકી.

જોકે, તપાસ દરમિયાન પોલીસને અમુક એવી કડીઓ મળી હતી કે જેનાથી રહસ્યમયી સંજોગોમાં ગુમ થયેલી કિર્તીનું ખરેખર તો મર્ડર થયું હોવાનું પ્રસ્થાપિત થતું હતું. કિર્તીના ગુમ થયાના છ વર્ષ બાદ મુંબઈની સેશન્સ કોર્ટે તેની સાથે કામ કરતા સિદ્ધેશ તમ્હાન્કર અને કવિતા સિંધવાણીને તેની હત્યાના કેસમાં ગુનેગાર ઠેરવ્યા છે.

મર્ડર કેસમાં મૃતકની બોડી ના મળે તો તેની હત્યાનો કેસ કોર્ટમાં સાબિત કરવાનું કામ પોલીસ માટે જરાય આસાન નથી હોતું. જોકે, આ કેસમાં કિર્તીના ગુમ થયાના છ વર્ષમાં તેના બે સહકર્મીને મર્ડરના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સેશન્સ જજ એમ.જી. દેશપાંડેએ સોમવારે પોતાનો ફેસલો સંભળાવતા બંને આરોપીઓ સામે લાગેલા આરોપ સાબિત થયા છે તેમ જણાવ્યું હતું અને આ કેસમાં બંને ગુનેગારોને હવે સજા પણ સંભળાવાશે.

તેમની સામે લાગેલા આરોપમાં મહત્તમ ફાંસીની જ્યારે ઓછામાં ઓછી આજીવન કેદની સજાની જોગવાઈ છે. આ કેસની ઈન-કેમેરા ટ્રાયલ થઈ હતી પરંતુ કોર્ટે મહિલા આરોપીની અસલી ઓળખ જાહેર ના થાય તેની તકેદારી રાખવા માટે સૂચના આપી હોવાથી તેનું અસલી નામ જાહેર કરવામાં નથી આવ્યું.

પોલીસે આરોપી બનાવેલી કવિતાએ 2021માં છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈને આ કેસમાં જામીન મેળવ્યા હતા, પરંતુ 27 મે 2024ના રોજ તેને દોષિત ઠેરવવામાં આવી ત્યારે તે કોર્ટમાં જ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી હતી અને પોલીસે તેને ત્યાંથી જ કસ્ટડીમાં લઈ લીધી હતી.

તો બીજી તરફ સિદ્ધેશ 2018થી જ જેલમાં હતો, અને તેણે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આ કેસમાં પોલીસે જુલાઈ 2018માં એક હજાર પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી હતી, જેમાં સીસીટીવી ફુટેજ ઉપરાંત ડીએનએ પ્રોફાઈલિંગ જેવા સાયન્ટિફિક પુરાવાને પણ સામેલ કરાયા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj