વડોદરા તા.12
વડોદરાનાં કોયલી ખાતેની ઓઈલની રીફાઈનરીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ લાગેલી વિકરાળ આગ 15 કલાકે કાબુમાં આવી હતી. બપોરે ધડાકા સાથે આગ લાગ્યા બાદ રાત્રે બીજો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કોયલીની ઓઈલ રીફાઈનરીમાં ગઈકાલે બપોરે અંદાજીત 3.30 વાગ્યે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. વડોદરા ઉપરાંત અમદાવાદ, આણંદ, અંકલેશ્ર્વર, હાલોલ જેવા આસપાસનાં શહેરોમાંથી પણ ફાયર ટેન્કરો મંગાવવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરાયુ હતું કે આજે સવારે સાત વાગ્યે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. સતત 15 કલાક સુધી સમગ્ર વિસ્તાર ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સના અવાજોથી ગુંજતો રહ્યો હતો.
રીફાઈનરીમાં વિકરાળ આગને પગલે છ કિલોમીટર સુધી ધુમાડાનાં ગોટેગોટા નજરે પડતા હતા. દુઘર્ટનામાં બે લોકોનાં મોત નીપજયા હતા. આગ બુજાવવાની કામગીરીમાં સામેલ એક ફાયર કર્મચારી સહીત અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા.
ઓઈલ રીફાઈનરીની આગ અત્યંત જવલનશીલ પદાર્થ બેન્ઝીનનાં ટેન્સમાં શરૂ થઈ હતી. પ્રચંડ બ્લાસ્ટ બાદ જોતજોતામાં આગે વિકરાટ સ્વરૂપ પકડી લીધુ હતું. વડોદરાથી ફાયર ટેન્કર દોડાવાયા બાદ રાજયભરનાં ફાયર વિભાગને એલર્ટ કરાયા હતા મેજર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
15 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાતા ફાયરબ્રિગેડ તથા તંત્ર દ્વારા રાહતનો શ્ર્વાસ લેવામાં આવ્યો હતો.આગનુ કારણ તથા નુકશાનીની તપાસ કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy