ટી20 વર્લ્ડ કપ પૂર્વે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફોર્મમાં: સતત ત્રીજો મેચ જીતી દ.આફ્રિકાનો વ્હાઈટવોશ કર્યો

India, World, Sports | 28 May, 2024 | 12:34 PM
ચાર્લ્સની આક્રમક બેટીંગ: માત્ર 26 દડામાં 69 રન ઝુડયા
સાંજ સમાચાર

કિંગ્સ્ટન,તા.28
જહોન્સન ચાર્લ્સે માત્ર 26 બોલમાં 69 રન ફટકારતા વેસ્ટ ઈન્ડિઝે રવિવારે અહીં રમાયેલી ત્રીજી ટી20 ક્રિકેટ મેચમાં પ્રવાસી સાઉધ આફ્રિકાને આઠ વિકેટે હરાવીને વ્હાઈટવોશ કર્યો હતો. આ સાથે કેરેબિયન ટીમે ત્રણ મેચની સિરીઝમાં 3-0થી વિજય હાંસલ કરી લીધો હતો. થોડા જ દિવસમાં પોતાના ઘરઆંગણે (અને અમેરિકામાં) યોજાનારા ટી20 વર્લ્ડ કપ અગાઉ આ સફળતાથી વેસ્ટ ઈન્ડિઝની ટીમનો આત્મવિશ્ર્વાસ બુલંદી પર પહોંચી ગયો હશે.

રવિવારે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટે 163 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ સ્કોર વેસ્ટ ઈન્ડિઝ માટે સાવ આસાન પુરવાર થયો હતો કેમ કે તેમણે 14મી ઓવર સુધીમાં માત્ર બે વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.

164 રનના ટારગેટ સામે રમતા વેસ્ટ ઈન્ડિઝ માટે બ્રેન્ડન કિંગ અને જહોન્સન ચાર્લ્સે પહેલી વિકેટ માટે માત્ર 6.4 ઓવરમાં જ 92 રન ફટકારી દીધા હતા. આ તબકકે જ ટીમનો વિજય નિશ્ર્ચિત થઈ ગયો હતો. બ્રેન્ડન કિંગે 28 બોલમાં ચાર સિકસર સાથે 44 રન ફટકાર્યા હતા. તો ચોર્લ્સે માત્ર 26 બોલ રમીને પાંચ સિકસર અને નવ ચોગ્ગા સાથે ઝંઝાવાતી 69 રન ફટકારી દીધા હતા. કાયલ માયર્સે 23 બોલમાં ચાર સિકસર સાથે અણનમ 36 રન ફટકાર્યા હતા. કેરેબિયન ઝંઝાવાતને રોકવા માટે સાઉથ આફ્રિકાએ સાત બોલર અજમાવ્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.

અગાઉ સાઉથ આફ્રિકાની બેટીંગમાં એક માત્ર કેપ્ટન વાન ડર ડુસેન જ કેરેબિયન આક્રમણનો સામનો કરી શકયો હતો. તેણે અડધી સદી નોંધાવતા 31 બોલમાં 51 રન ફટકર્યા હતા. જેમાં પાંચ સિકસરનો સમાવેશ થતો હતો. વિયાન મુલ્ડેરે 28 બોલમાં 36 રનનું યોગદાન આપ્યું હતું.

વેસ્ટ ઈન્ડિઝ માટે ઓબેદ મેકોયે ત્રણ વિકેટ ઝડપી હતી તો શામર જોસેફ અને મોતીએ બે બે વિકેટ લીધી હતી. વર્તમાન સિરીઝમાં ત્રણેય મેચ કિંગ્સ્ટન, જમૈકા ખાતે રમાઈ હતી જેમાં પ્રથમ બે મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો 26 અને 16 રનથી વિજય થયો હતો.

ત્રીજી મેચમાં જહોન્સન ચાર્લ્સને મેન ઓફ ધ મેચ અને ગુડાકેશ મોતીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. આ સિરીઝ બાદ બંને ટીમ હવે ટી20 વર્લ્ડ કપમાં રમશે. અમેરિકા સાથે સહયજમાન વેસ્ટ ઈન્ડિઝ તેની પ્રથમ મેચ પપુઆ ન્યુ ગિની સામે ગુયાનામાં રમશે જયારે સાઉથ આફ્રિકા તેની પ્રથમ મેચમાં ત્રીજી જૂને ન્યુયોર્ક ખાતે શ્રીલંકા સામે ટકરાશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj