ટ્રમ્પને કતાર તરફથી મળેલ બિગ ગિફટ વિમાનની શું છે વિશેષતા

World | 15 May, 2025 | 04:56 PM
લકઝરી બોઈંગ 747-8 જમ્બો જેટની કિંમત છે 3400 કરોડ રૂપિયા : આ વૈભવી વિમાનમાં બુકશેલ્ફ, સોફા, વિશાળ ફલેટ-સ્ક્રીન ટીવી સાથેનો લિવિંગ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરીયા, ક્રુ કવાર્ટર્સ, કોન્ફરન્સ હોલ સહિતની અનેક સુવિધા : ટ્રમ્પને આ મોંઘીદાટ ગિફટ મળે તે પહેલા અમેરિકામાં વિવાદો શરૂ : વિરોધીએ ‘ભેટ’ને ‘લાંચ’ ગણાવી
સાંજ સમાચાર

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 14 મેના રોજ કતારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કતાર સરકાર તેને લક્ઝરી બોઇંગ 747-8 જમ્બો જેટ ગિફ્ટ આપી હતી. આ હવા મહેલની કિંમત 40 કરોડ ડોલર (લગભગ 3400 કરોડ રૂપિયા) છે. ટ્રમ્પની કતાર મુલાકાત પર તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

કહેવામાં આવે છે કે, આ અમેરિકી રાષ્ટ્રપતિને મળેલી અત્યાર સુધીની સૌથી મોંઘી વિદેશી ભેટ છે. જો કે આ જાહેરાત બાદ પણ ટ્રમ્પને હજુ સુધી આ ગિફ્ટ મળી નથી. વ્હાઈટ હાઉસના એક અધિકારીના જણાવ્યાં પ્રમાણે સિક્યોરિટી ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી સમય અલાગી શકે છે.

ટ્રમ્પ 2029માં રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ પૂરો થવાનાં થોડા સમય પહેલાં જ આ વિમાનનો ઉપયોગ કરી શકશે. આ રિપોર્ટ દ્વારા જાણો આ વૈભવી વિમાનની ખાસિયતો શું છે.... 

◙ બોઇંગ 747-8 પ્રાઇવેટ જેટનું  નિર્માણ ચાર વર્ષમાં થયું
747 નું ઈન્ટીરીયર મૂળરૂપે હાઉસ કેબિનેટ ડિઝાઇનર આલ્બર્ટો પિન્ટો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. કંપનીએ ભૂતકાળમાં અનેક કસ્ટમ વીઆઇપી જેટ ઇન્ટિરિયર પૂર્ણ કર્યા છે, પરંતુ 747-8 અત્યાર સુધીનું સૌથી મોટું અને મહત્વાકાંક્ષી પ્રાઇવેટ જેટ પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે. તેને પૂર્ણ થવા માટે ચાર વર્ષ લાગ્યાં અને કેટલીક વાર કેટલાક કારણોસર તેને ’ઉડતી પરી’ અથવા ‘ઉડતી હવેલી’ તરીકે ગૌરવ આપવામાં આવે છે.

સુપરઆક્ટ્સ અને લક્ઝરી એપાર્ટમેન્ટ્સની કેબિનથી પ્રેરિત, તેનાં ઈન્ટીરીયરમાં ટેક્સચર અને મટિરિયલ્સના મિશ્રણનું પ્રભુત્વ છે, જેમાં ફીચર્સને હાઇલાઇટ કરવા અથવા ફર્નિચરને તરતું દેખાડવા માટે બુદ્ધિશાળી બેકલાઇટિંગ આપવામાં આવી છે આગળ અને પાછળ પ્રાઈવેટ ઓફિસની જગ્યાઓ છે.

જેમાં બુકશેલ્ફ અને ચાર લોકો માટે એક ટેબલ છે. જોકે તેને ઓફિસ તરીકે સજાવવામાં આવે છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે ડિનર માટે પણ તે ખૂબ જ યોગ્ય જગ્યા છે. સમગ્ર જેટમાં બેઠક ઉચ્ચ-વર્ગની છે, જેમાં લેટેસ્ટ લેધર અને ઇલેક્ટ્રોનિક રીતે નિયંત્રિત રીકલાઇનર ખુરશીઓ છે. 

◙ કેબિન 418 ચોરસ મીટરની છે
આ પ્લેનની કેબિન 4,500 સ્ક્વેર ફૂટ (418 સ્ક્વેર મીટર) છે, અને સામાન્ય રીતે આ સાઇઝનું એરક્રાફ્ટ 450 પેસેન્જર્સને લઇ જઇ શકે છે. આ જેટમાં ઘણાં ઓછા લોકો રહે છે, જોકે તે પોતાની શાહી શૈલીથી બધાને મંત્રમુગ્ધ કરે છે. જેટના પ્રવેશદ્વાર પર વળાંકવાળી દિવાલો અને પ્રકાશિત સીડીઓ છે જે ઉપર તરફ દોરી જાય છે.

સીડીની ઉપર, 747 વિમાનની આઇકોનિક ’હમ્પ’ માં બુકશેલ્ફ, એક ખૂણાનો સોફા અને એક વિશાળ ફ્લેટ-સ્ક્રીન ટીવી સાથેનો લિવિંગ રૂમ છે. લિવિંગ એરિયાની પાછળ ચિલ્ડ્રન પ્લે એરિયા અને ક્રૂ ક્વાર્ટર્સ આવેલાં છે. તે બોઇંગ 747 શ્રેણીનું નવીનતમ અને સૌથી મોટું સંસ્કરણ છે. આ વિમાનમાં કોઈપણ 747 વિમાનની સૌથી મોટો ઉપરનો ડેક છે, તેથી તેમાં ક્રૂ અને અન્ય રૂમનો આરામથી સમાવેશ થાય છે.

નીચલા ડેક પરનું વિમાન ખાસ કરીને ઘર જેવું લાગે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્રાઈવેટ ઓફિસની જગ્યાને આરામદાયક લેધરની ખુરશીઓ અને મનોરંજનની વસ્તુઓથી આ ડેકને શણગારવામાં આવ્યો છે. ડેકની આસપાસ ઘણી નાની મીટિંગ સ્પેસ મૂકવામાં આવી છે. આ વિમાનમાં અનેક રૂમ છે.

◙ મુખ્ય રહેવાની જગ્યા સૌથી વિશેષ છે
જેટનું મુખ્ય આકર્ષણ તેની મુખ્ય લીવીંગ સ્પેશ છે, જેમાં ત્રણ પૂર્ણ કદના સોફા અને વોલ્ટેડ છત છે. રાચરચીલું ડિઝાઇનર અને કસ્ટમ છે, જેમાં બકરીની ચામડીથી બનેલા લાકડાના ટેબલનો પણ સમાવેશ થાય છે. બેસવાના એરિયાની સામે એક ગોળ ટેબલ છે, જે ખાવા કે પત્તા રમવા માટે એકદમ યોગ્ય છે. મુખ્ય લાઉન્જમાં ઘણી વધુ બેઠકોનો વિકલ્પ છે.

જેમાં વચ્ચે ટેબલ સાથે રેકલાઇનર સોફાની જોડીનો સમાવેશ થાય છે, જે ખાનગી વાતચીત અને ડ્રીંક લેવા માટેનું યોગ્ય સ્થળ છે. મહેમાનોના શયનખંડો પણ આ જ રીતે ભવ્ય છે અને બધામાં એટેચ ફેસેલિટી છે. વિમાનની પાછળ જ એક બિઝનેસ ક્લાસ સીટિંગ કેબિન છે, જે સાથી અથવા અન્ય સ્ટાફને હોસ્ટ કરવા માટે અનુકૂળ છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે, તે પ્રેસ બેઠકની જેમ સારી રીતે કામ કરી શકે છે. લાઉન્જ અને ડાઇનિંગ એરિયામાં મોટા ડાઇનિંગ ટેબલ, હાઇટેક સ્ક્રીન, વીડિયો કોન્ફરન્સિંગ, બ્લુ-રે પ્લેયર અને ઉચ્ચ ગુણવત્તાની ઓડિયો સિસ્ટમ છે. 

◙ સૌથી મોંઘી ભેટ વિશે વિવાદો પણ શરૂ
ટ્રમ્પને મળેલી આ લક્ઝરી ગિફ્ટને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. અમેરિકી બંધારણની કલમ મુજબ, જાહેર પદ પર બેઠેલી કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસ (સંસદ)ની સંમતિ વિના કોઈ પણ રાજા કે વિદેશી રાજ્ય તરફથી કોઈ ભેટ કે ઉપાધી મેળવી શકશે નહીં. અમેરિકી ડેમોક્રેટિક સાંસદોએ આ ભેટ સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

તેઓ કહે છે કે આ ભેટ ટ્રમ્પના વ્યવસાયિક હિતો અને તેમની રાષ્ટ્રપતિની જવાબદારીઓ વચ્ચેનાં અંતરને દર્શાવે છે. સેન્ટ લૂઇસમાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોના નિષ્ણાત કેથલીન ક્લાર્કે જણાવ્યું હતું કે ટ્રમ્પનું માનવું છે કે તેઓ તપાસથી બચી શકે છે. ટ્રમ્પની નીતિઓ વ્યક્તિગત સંપત્તિ એકઠી કરવાની છે. સેનેટના લઘુમતી નેતા ચક શૂમરે ટ્રમ્પના ‘અમેરિકા ફર્સ્ટ’ નારાની પણ મજાક ઉડાવી હતી. 

◙ વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ પ્લેન
આ પ્લેન 0.92 મેક (લગભગ 1,100 કિમી/કલાક)ની ટોપ સ્પીડ સુધી પહોંચી શકે છે. તે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. આ સાથે તે 51 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડાન ભરવામાં સક્ષમ છે. તે વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ પ્લેન છે. 

◙ જરૂર પડ્યે એરક્રાફ્ટને લક્ઝરી સ્યુટમાં રૂપાંતરિત કરી શકાય છે
વીઆઈપી કોન્ફિગરેશન દરમિયાન બોઇંગ 747-8ને 40-100 મુસાફરો માટે લક્ઝરી સ્યુટમાં રૂપાંતરિત કરી શકાય છે. તેમાં માસ્ટર બેડરૂમ, કોન્ફરન્સ રૂમ, ડાઇનિંગ એરિયા, લાઉન્જ અને બાથરૂમ જેવી સુવિધાઓ છે. આ પ્લેન ચાર જીઇએનએક્સ-2બી ટર્બોફેન એન્જિનથી સંચાલિત છે. આ સાથે જ આધુનિક ગ્લાસ કોકપિટ અને નેવિગેશન સિસ્ટમ પણ છે. મિસાઇલ સંરક્ષણ માટે કાઉન્ટરમેઝર તરીકે ઇન્ફ્રારેડ જામર જેવી સુવિધાઓ પણ છે. 

◙ વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન આવ્યું 
વિદેશ સરકાર તરફથી આવી કિંમતી ભેટ સ્વીકારતાં રાષ્ટ્રપતિ પર પૂછવામાં આવેલાં સવાલોનાં જવાબમાં ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓએ કહ્યું કે એક વિશ્લેષણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં દલીલ કરવામાં આવી છે કે આવું કરવું કાયદેસર હશે.

કતાર વિશ્વનાં સૌથી ધનિક દેશોમાંનો એક છે, પરંતુ તે આતંકીઓને સાથ આપે છે તેથી તેવા દેશ પાસેથી આવી મોંધી ગીફ્ટ લેવા બદલ અમેરિકન સરકારનાં વિરોધીઓએ આ નિર્ણયને ટ્રમ્પને આપવામાં આવતી લાંચ તરીકે ટીકા કરી છે. 

◙ દુનિયાને નવાઈ લાગી
જે દેશમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ મળી રહી છે તે દેશનાં દુનિયાભરનાં આતંકવાદી સંગઠનો સાથે સંબંધ છે. કતારની રાજધાની દોહામાં તાલિબાનની રાજકીય ઓફિસ છે. આ ઓફિસ દ્વારા તાલિબાને અમેરિકા સાથે સોદો કર્યો હતો. કતારના હમાસ સાથે પણ મજબૂત સંબંધો છે. કતાર ગાઝાના આ આતંકવાદી સંગઠનને મોટા પ્રમાણમાં નાણાં પૂરા પાડે છે. 

◙ ટ્રમ્પ હાલમાં આ વિમાનમાં ઉડાન ભરે છે
ટ્રમ્પ હાલમાં બોઇંગ 747-200બીનો ઉપયોગ એરફોર્સ વન તરીકે કરે છે. બોઇંગ 747-200બી તેની સુરક્ષા, સંદેશાવ્યવહાર અને કમાન્ડ ક્ષમતાઓને કારણે વિશ્વનું સૌથી સુરક્ષિત વિમાન માનવામાં આવે છે.

તે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે ચાલતી ઓફિસ જેવું છે. જો કે બે બોઈંગ 747-200બી વિમાન છે, જેને એક સાથે તૈયાર રાખવામાં આવે છે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિને લઈ જનારા વિમાનને એરફોર્સ વન કહેવામાં આવે છે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj