મહાપાલિકા, પોલીસ, કલેકટર તંત્રમાં સન્નાટો : ‘હવે કોનો વારો’? એક મુદ્દાની જ ચર્ચા

Saurashtra | Rajkot | 30 May, 2024 | 05:43 PM
ટીપીઓ અને ડે.ફાયર ઓફિસરની પુછપરછ વચ્ચે બંને વિભાગોમાં મોઢા એટલી વાતો
સાંજ સમાચાર

► બિલ્ડર, આર્કિટેકટ, જુદા જુદા ધંધાર્થી સહિતના લોકોની અવરજવર પણ બંધ

► પોલીસ અને મનપામાં ‘અંગત સંબંધ’ ધરાવનારાના પેટમાં પણ ફાળ પડી ગઇ

► ક્રાઇમ બ્રાંચમાં નો-એન્ટ્રી : કલેકટર કચેરી પણ અગ્નિકાંડની તપાસમાં ઉંધા માથે થઇ 

રાજકોટ, તા. 30
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે લાગેલી ભીષણ આગ સાથે સર્જાયેલી  સૌથી કરૂણ ઘટનાના પડઘા રાજકોટથી માંડી ગાંધીનગર સુધી પડયા છે. મહાપાલિકા, પોલીસ, માર્ગ અને મકાન, પીજીવીસીએલ વિભાગમાં સસ્પેન્શન અને ધરપકડના ઘટનાક્રમ વચ્ચે આજે તપાસનીસ એજન્સી સીટ દ્વારા બદલી કરાયેલા મ્યુનિ. કમિશ્નર, પોલીસ કમિશ્નર સહિતના આઇપીએસ અધિકારીઓની પુછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તેના પગલે રાજકોટ કોર્પોરેશન, સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હાલ સોંપો પડી ગયો હોય તેવું વાતાવરણ છે.  તો વીજ કંપનીના ઇજનેરી વર્ગમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. યાંત્રીક સાધનોની મુખ્ય ટેકનીકલ જવાબદારી જેની હોય છે તે માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં પણ સન્નાટો છવાઇ ગયો છે. 

રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની બદલી કરવા સાથે સરકારે બે સીનીયર પોલીસ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દીધા છે. મનપાની ટીપી શાખાના બે અધિકારી, વીજ અને માર્ગ-મકાનના મળી કુલ 7 અધિકારીને સસ્પેન્ડ કરી  તપાસ શરૂ કરાઇ છે. આ સાથે મનપા કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે.

અન્ય બે આઇપીએસ અધિકારીઓની પણ રવાનગી થઇ છે. સસ્પેન્ડ અધિકારીઓની પુછપરછ વચ્ચે ગઇકાલે મનપાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાને ચાલુ મીટીંગમાંથી પોલીસ નિવેદન લેવા માટે લઇ ગઇ હતી.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાને પણ પોલીસે પુછપરછમાં રાખ્યા છે. આ દરમ્યાન લાગતી વળગતી તમામ કચેરીઓમાં ફફડાટ સાથે સોંપો પડયો છે. મનપા અને પોલીસમાં આવતા અરજદારો, બિલ્ડર, આર્કિટેકટ, જુદી જુદી મંજુરી માટે આવતા ધંધાર્થીઓ બહુ દેખાતા નથી. એકંદરે આ ડિપાર્ટમેન્ટ કે અધિકારીઓ સાથે સંંબંધ ધરાવતા સરકારી અને બિન સરકારી વર્ગમાં પણ  આ ઘટના અને તપાસ સિવાય કોઇ ચર્ચા થતી નથી. 

પૂરી તપાસ અને કાર્યવાહી માટેનું સંકલન જિલ્લા કલેકટર પ્રભવ જોશી કરી રહ્યા છે. મંત્રીઓથી માંડી ઉચ્ચ અધિકારીઓની અવરજવર અને મીટીંગ બધુ કલેકટર કચેરીમાં થઇ રહ્યું છે. મામલતદારોની ટીમ પણ જોખમી સ્થળોની તપાસમાં નીકળ્યું છે. પુરવઠા તંત્ર પેટ્રોલ-ડિઝલના જથ્થા અંગે તપાસ કરે છે. આ રીતે જિલ્લા વહીવટી તંત્ર પણ હાલ આ તપાસના કેન્દ્રમાં આવી ગયું છે. 

પોલીસની ક્રાઇમ બ્રાંચમાં બેરીકેટ મુકીને રાબેતા મુજબની અવરજવર પર રોક મુકી દેવામાં આવી છે. ખરાઇ કર્યા બાદ જ કોઇ નાગરિકને અંદર જવા દેવામાં આવે છે. પોલીસના જ બે અધિકારીઓ સસ્પેન્ડ થવા અને કમિશ્નરની બદલી થવાના પડઘા પૂરા રાજકોટના પોલીસ તંત્રમાં સંભળાઇ રહ્યા છે.

મહાપાલિકાની લગભગ દરેક શાખામાં આ ઘટનાની જ ચર્ચા છે. તો ટાઉન પ્લાનીંગ, ફાયર, વોર્ડ ઓફિસો, ઝોન ઓફિસોમાં હવે તપાસમાં કોનું શું થશે તેની ચર્ચા ચાલી રહી છે. ભારે ગરમી વચ્ચે પોલીસ અને મનપા કચેરીમાં જાણે ટેમ્પરેચર વધી ગયું હોય તેમ આકરા હિટવેવનો અનુભવ લાગતા વળગતા લોકો કરી રહ્યા છે.

મહાપાલિકામાં પ્લાન પાસ, તેના ફોલોઅપ, ફી ભરવા, બિલ્ડીંગ યુઝ પરમીશન (બીયુ) લેવા સહિતની કામગીરી  માટે રોજ આર્કિટેકટથી માંડી બિલ્ડરની અવરજવર હોય છે. પરંતુ ત્રણ દિવસથી આ લોબી બહુ દેખાતી નથી. ટીપી શાખામાં પણ અવરજવર ઓછી થઇ ગઇ છે. ફાયર એનઓસી સિવાય કોમર્શિયલ જગ્યાએ કોઇ નવી મંજૂરીઓ મળતી નથી.

આમ છતાં હાલ ફાયર બ્રિગેડ શાખામાં આગ લાગ્યા જેવું વાતાવરણ છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર જવાબ આપવા ગાંધીનગર ગયા છે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાની રાજકોટમાં પોલીસ પુછપરછ કરી રહી છે. ટીપીઓ એમ.ડી.સાગઠીયાની પણ પુછપરછ ચાલુ હોય, ટીપી વિભાગના કલાર્કથી માંડી એટીપી અને એન્જી. સુધીના કર્મચારીઓ ફફડી ગયા છે. 

હાલ રાજકોટમાં આ એક જ હોટ ઇસ્યુ છે તે નકકી છે. પોલીસ અને મહાપાલિકા કચેરીમાં આ પડઘા હજુ લાંબો સમય સુધી સંભળાતા રહેશે તે નકકી છે. પોલીસ મથકોમાં પણ રોજિંદા કામ સિવાય નાગરિકોને બોલાવવાનું કે બેસાડવાનું પોલીસ ટાળી રહી છે.

હજુ તપાસમાં કોનુ શું થશે તે કોઇ કહી શકતું નથી. આ જ રીતે મહાપાલિકાની ત્રણે ઝોન કચેરી, વોર્ડ ઓફિસ, કમિશ્નર બ્રાન્ચ, ટીપી ફાયર જેવી મુખ્ય શાખાઓમાં મોઢા એટલી વાતો થઇ રહી છે. હજુ  આગામી દિવસોમાં કોના પર કેવા પગલા લેવાશે અને કોની ઉપર ગાજ વરસશે તે ચર્ચાઓ આગની જેમ ફેલાઇ ગઇ છે.


 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj