www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ઉનાળામાં ઠંડા.. ઠંડા.. કુલ.. કુલ ભારે ફૂલ.. ફૂલ..

રાજકોટ STની એ.સી. વોલ્વો બસોમાં પંદર દિવસમાં જ 62 હજાર મુસાફરોએ મુસાફરી કરી


પંદર દિવસમાં જ રૂા.1.40 કરોડથી વધુની એસ.ટી.ને આવક: ઓનલાઈન બુકિંગ પણ ચિકકાર

સાંજ સમાચાર

રાજકોટ,તા.15
હાલમાં રાજકોટ સહિત રાજયભરમાં માવઠાની આગામી વચ્ચે પણ કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીથી બચવા લોકો સતત એસી તથા પંખા સહિતના ઉપકરણોનો સહારો લઈ રહ્યા છે.

જોકે અત્યારે લગ્ન ગાળો અને વેકેશનની પણ સિઝન ચાલી રહી છે આથી મોટી સંખ્યામાં લોકો મુસાફરી પણ કરી રહ્યા છે. એસ.ટી. તંત્રની જ વાત કરીએ તો વેકેશન અને લગ્નગાળાને પગલે એસ.ટી.ની ઓર્ડીનરી ઉપરાંત પ્રિમિયમ સેવાની બસો પણ પણ ચિકકાર દોડી રહી છે.

ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી પડતી ભારે ગરમીનાં પગલે એસ.ટી.ની એ.સી. અને વોલ્વો બસો પણ ભારે લીડ સાથે દોડી રહી છે. સખ્ત ગરમીનાં પગલે રાજકોટ એસટી વિભાગની તમામ 43 એસી અને વોલ્વો બસો દૈનિક ફૂલે.. ફૂલ દોડી રહી છે અને રાજકોટથી એસી અને વોલ્વો બસોમાં એડવાન્સ બુકિંગમાં પણ ભારે ધસારો થઈ રહ્યો છે.

રાજકોય એસટી વિભાગના સૂત્રો જણાવે છે કે છેલ્લા પંદર દિવસ દરમ્યાન એટલે કે તા.1/5થી 15/5 સુધીમાં રાજકોટની એસટી અને વોલ્વો બસોમાં 62 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને છેલ્લા પંદર દિવસમાં જ એસી અને વોલ્વો બસોમાં 36 હજારથી વધુ ટીકીટો ઓનલાઈન બુક થઈ છે.

ઉપરાંત એસી અને વોલ્વો બસોમાં ભારે ભીડના પગલે રાજકોટ એસટી વિભાગને પંદર દિવસમાં જ રૂા.1.40 કરોડથી વધુની આવક પણ થઈ જવા પામી છે.  રાજકોટ એસટી વિભાગનાં સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વોલ્વો બસોમાં કી.મી. દીઠ રૂા.60 અને ઈલેકટ્રીક એસી બસોમાં રૂા.48ની આવક થઈ રહી છે.

Print