www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સુરત રેલવે સ્ટેશનમાં વંદે ભારત ટ્રેનમાં દરવાજાની ઓટોમેટીક ડોર સીસ્ટમ બ્લોક; દરવાજા ખુલ્યા નહીં


મેન્યુઅલી દરવાજા ખોલીને પ્રવાસીઓને ઉતારવામાં આવ્યા: 50 મીનીટ સુધી ટ્રેન થંભી જતા મુસાફરો પરેશાન

સાંજ સમાચાર

સુરત તા.30
ગઈકાલે અમદાવાદથી મુંબઈ તરફ જતી વંદેભારત ટ્રેન સુરત સ્ટેશન પર નિર્ધારિત સમયે પહોંચી હતી પરંતુ ટ્રેનના ઓટોમેટીક દરવાજા નહી ખુલતા પ્રવાસીઓ અટવાયા હતા. આખરે 40 મીનીટ બાદ ટ્રેનના દરવાજા મેન્યુઅલી ખોલી પ્રવાસીઓને ઉતારવામાં અને ચઢાવવામાં આવ્યા હતા પરિણામે ટ્રેન 50 મીનીટ સુધી થંભી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદથી મુંબઈ જતી 22962 વંદેભારત એકસપ્રેસમાં સવારે 8.20 કલાકે ટ્રેન સુરત પહોંચી ત્યારે મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરવા દરવાજા પાસે ઉભા હતા પરંતુ તેમાં લગાવેલ ઓટોમેટીક દરવાજા ખુલી શકયા ન હતા. જેના કારણે આ વંદે ભારત ટ્રેન 50 મીનીટ સુધી સુરત સ્ટેશન પર રોકાઈ હતી. આ સમસ્યાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો.

લગભગ 10 મીનિટ સુધી ગેટ આપોઆપ ખોલવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રયાસ સફળ થયો ન હતો. જેના કારણે આખરે નિર્ણય લેવામાં આવ્યો કે ગેટ જાતે જ ખોલવામાં આવશે. ટ્રેનની અંદર 700 થી વધુ મુસાફરો હતા. જેમાંથી 120 જેટલા મુસાફરો સુરત સ્ટેશન પર ઉતરવાના હતા.

જયારે સુરત સ્ટેશનેથી આટલી જ સંખ્યામાં મુસાફરો આ ટ્રેનમાં ચઢવાના હતા, પરંતુ દરવાજા ન ખુલવાને કારણે ટ્રેનના કોચ નંબર સી-14નો ગેટ મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો જયાંથી એક પછી એક મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા. આ પછી, એક પછી એક બધા કોચના દરવાજા જાતે ખોલવામાં આવ્યા. ટ્રેન સવારે 9.28 કલાકે રવાના થઈ શકી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, ટ્રેનની ઓટોમેટિક ડોર સીસ્ટમમાં સેન્સર બ્લોકને લગતી સમસ્યા હતી જેના કારણે કલોઝ ડોર સીસ્ટમ બ્લોક થઈ ગઈ હતી. જો કે, રેલવે અધિકારીઓએ ટેકનીકલ કારણની બાબત ગણાવી હતી.

 

 

Print