www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ડીગ્રી ઈજનેરી પ્રવેશ માટે નવો કાર્યક્રમ જાહેર: હવે વિદ્યાર્થીઓ તા.28 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે


નવી કોલેજોની મંજુરી, બેઠક વધારા સહિતની પ્રક્રિયા બાકી હોય કાર્યક્રમમાં ફેરફાર

સાંજ સમાચાર

અમદાવાદ તા.15
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ અને સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધો.12નું પરિણામ પણ જાહેર કરાયા બાદ હવે ડીગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેના કાર્યક્રમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

નવા કાર્યક્રમ પ્રમાણે વિદ્યાર્થી આગામી 28મી મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. અગાઉ જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ હવે કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

ધો.12 સાયન્સ પછી ડીગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની ગત તા.1લી એપ્રિલથી શરૂ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં 37510 વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે જે પૈકી 26657 વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન પછીની તમામ ઔપચારીકતા પુરી કરી દીધી છે.

ઓલ ઈન્ડીયા કાઉન્સીલ ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા હજુ સુધી નવી કોલેજોને મંજુરી આપવા ઉપરાંત જુની કોલેજોને રિન્યુઅલ મંજુરીની પ્રક્રિયા પણ બાકી છે. આ સ્થિતિમાં હાલમાં સીટ મેટ્રીકસ જાહેર થઈ શકે તેમ નથી.

આ ઉપરાંત તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડનું પરિણામ જાહેર થયું હોવાથી આ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન માટે સમય મળી રહે તે હેતુથી પ્રવેશનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રવેશના કુલ ત્રણ રાઉન્ડ કરવામાં આવશે. આ ત્રણ રાઉન્ડ પૈકી છેલ્લા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોની વિગતો 3જી ઓગષ્ટે જાહેર કરાશે.

 

Print