www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સમસ્ત જૈન સમાજમાં આક્રોશ : અમદાવાદમાં વિવિધ સમુદાયના જૈનાચાર્યોની બેઠક યોજાઇ : પગલાની માંગ


પાલીતાણામાં તપસ્વી વિરેશ શેઠ પર મના રાઠોડ સહિતના ઇસમોની મારી નાંખવાની ધમકીના મુદ્દે

સાંજ સમાચાર

રાજકોટ, તા. 15
અખાત્રીજના દિવસે વર્ષીતપના તપસ્વી શ્રી વિરેશભાઈ શેઠ ઉપર મનાભાઈ રાઠોડ અને અન્ય ઈસમો દ્વારા મારી નાખવાની ધમકી અને તે માટેનો જે પ્રયત્ન થયો હતો તેના અનુસંધાનમાં રાજનગર અમદાવાદમાં બિરાજમાન વિવિધ સમુદાયના આચાર્ય ભગવંતોની એક અગત્યની બેઠક મળી હતી.

જેમાં શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ.આ.જયસુંદરસૂરિ મ. સા., પૂ.આ.ઉદયવલ્લભસૂરિ મ.સા., પૂ.આ.હૃદયવલ્લભસૂરિ મ.સા., પૂ.આ.પ્રેમસુંદરસૂરિ મ.સા., શ્રી શાસનસમ્રાટ નેમિસૂરિજી સમુદાયના પૂ.આ. જિનેશચંદ્રસૂરિ મ.સા., શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાયના પૂ.આ.પૂર્ણચંદ્રસુરિજી મ.સા., શ્રી બુદ્ધિસાગરસૂરિજી સમુદાયના પૂ.આ.અજયસાગરસૂરિજી મ.સા., શ્રી બાપજી મ.સા.ના સમુદાયના પૂ.આ.નરરત્નસૂરિજી મ.સા., શ્રી શાંતિચંદ્રસૂરિજી સમુદાયના પૂ.આ.યોગતિલકસૂરિજી મ.સા., શ્રી રામચંદ્રસૂરિજી સમુદાયના પૂ.આ.નિર્મલદર્શનસૂરિજી મ.સા. તેમજ અન્ય પદસ્થ અને મુનિ ભગવંતોએ નિશ્રા પ્રદાન કરી હતી. મુંબઈ જૈન સંઘ સંગઠનના આગેવાનો, અમદાવાદ રાજનગર મહાસંઘના આગેવાન તેમજ શ્રી શત્રુંજય મહાતીર્થના કાર્યોમાં પાયામાં કાર્ય કરનાર આગેવાન શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેગભાઈ લાલભાઈ, ટ્રસ્ટી શ્રીપાલભાઈ, ટ્રસ્ટી સુદીપભાઈ ઉપસ્થિત રહ્યા હતા. 

 શ્રી શત્રુંજય મહાતીર્થની સુરક્ષા અને પવિત્રતા જળવાઈ રહે એ મુખ્ય વાતને લક્ષમાં રાખીને અઢીથી ત્રણ કલાકની સંક્ષિપ્તમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પૂજ્ય આચાર્ય ભગવંતો દ્વારા શ્રી શત્રુંજય મહાતીર્થની સુરક્ષા સંદર્ભે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં ન આવે અને તે અંગેના જે પણ કોઈ કાર્ય છે તે અંગે ઝડપથી પગલા લેવામાં આવે તે પ્રકારનું સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શ્રાવકો દ્વારા પણ પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. સમયાંતરે આવા પ્રકારની ગુરુ ભગવંતોની બેઠક મળતી રહેવી જોઈએ અને ચર્ચા વિચારણા થતી રહે તેમ જણાવવામાં આવેલ. સરકાર દ્વારા જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, તેના દ્વારા તાત્કાલિક કાયદેસરના પગલાં ભરવામાં આવે અને જે 19 મુદ્દાઓ રજુ કરવામાં આવેલ છે તેનું ત્વરિત નિરાકરણ કરવામાં આવે તે માટે શેઠ આ.ક. પેઢીને સક્ષમ પ્રયત્નો કરવાનું જણાવવામાં આવેલ.બેઠકનું આયોજન શેઠ આ.ક. પેઢીના અમદાવાદના પ્રાદેશિક પ્રતિનિધિ પ્રણવભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ.

પૂજ્ય આચાર્ય ભગવંતો પોતાના વિહારને રદ કરીને પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેલ. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી વતી પ્રમુખશ્રી સંવેગ લાલભાઈએ રજૂઆત કરેલ. જે અંગે પૂજ્ય આચાર્ય ભગવંતો દ્વારા પોતાનું સ્પષ્ટ મંતવ્ય જણાવવામાં આવ્યું હતું કે શાશ્ર્વતા શ્રી શત્રુંજય મહાતીર્થની સુરક્ષા અને તેને સંલગ્ન જે પણ પ્રશ્નો હોય તેની ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરી ત્વરિત યોગ્ય પગલા ભરવામાં આવે. સમયની મર્યાદાના કારણે પાંચ થી સાત મહત્વના મુદ્દાઓની ટૂંકમા ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. 

આગામી દિવસોમાં આખા દિવસ માટેની ચિંતન બેઠક પૂજ્ય આચાર્ય ભગવંતોની પાવનકારી નિશ્રામાં મળે અને મહત્વના મુદ્દાઓની વિસ્તૃત છણાવટ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે તેમ શેઠ આ..ક. પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ પ્રણવભાઈએ જણાવેલ છે.પાલીતાણાના બાબુના દેરાસરમાં આ ઘટના બની હતી જેના ઉંડા પ્રત્યાઘાત પડયા છે. સમસ્ત જૈન સમાજમાં આક્રોશ છવાયેલો જોવા મળે છે. 

♦શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ સંવેગભાઇ, લાલભાઇ, શ્રીપાલભાઇ, સુદીપભાઇ તથા મુંબઇ જૈન સંઘ સંગઠન,  અમદાવાદ મહાસંઘના આગેવાનોની ઉપસ્થિતિ

♦શત્રુંજય મહાતીર્થની સુરક્ષા અને પવિત્રતા જાળવવા કોઇપણ પ્રકારની બાંધછોડ નહિ : બેઠકનો સુર

Print