બ્લેડ્સ ઓફ ગ્લોરી: ક્રિકેટના ચાહકો માટેનું યાત્રાધામ!


* એમેઝોન પ્રાઇમ પર થોડા સમયમાં જેની ત્રીજી સિઝન રીલિઝ થવા જઈ રહી છે, એવી વેબસીરિઝ ‘ઇનસાઇડ એજ’નો એક સંવાદ છે: ભારતમાં રાજકારણીઓ ભૂલ કરે તો લોકો બધું ભૂલીને થોડા સમયમાં એમને માફ કરી દે છે, પરંતુ ક્રિકેટર્સના કિસ્સામાં આમ નથી થતું કારણકે ભારતમાં ક્રિકેટરનો દરજ્જો ભગવાનનો છે!

* મહારાષ્ટ્રના સ્વરાગેટથી પદ્માવતી સતારા રોડ પર આગળ વધતા દસેક મિનિટના રસ્તે શંકરનગર નજીક અનેરા ઝગમગાટ અને નાનકડા કાચના દરવાજે ખૂલે છે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ મ્યુઝિયમ: બ્લેડ્સ ઓફ ગ્લોરી! પ્રવેશદ્વાર જેટલો નાનો છે, તેટલી જ ભવ્યતાના દર્શન મ્યુઝિયમની અંદર પ્રવેશતાં જ થઇ આવે છે. આખુંય મ્યુઝિયમ ક્રિકેટના ઈતિહાસને સમર્પિત છે.

સાંજ પડતા જ શહેરના રસ્તાઓ સુમસાન બનવા લાગે, સવારની ચાની ચૂસકી હોય કે યુનિવર્સીટી કેમ્પસની ગપસપથી માંડીને અખબારની સુર્ખીઓમાં હેલ્મેટ પહેરીને સ્ટ્રોક લગાવતા ગેલ, કોહલી ને માહીની તસ્વીરો છપાવા માંડે એટલે પાક્કો અંદાજ બેસે કે ઈંઙક અથવા વન-ડે શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે. કરોડો લોકોની ચાહના બની ચૂકેલ એક એવી ટુર્નામેન્ટ જેનો વિશ્વભરના રમતવીરોથી લઇ તેના રસિકો જેને સમગ્ર વર્ષ દરમિયાન આ લીગનો ઇંતેજાર રહે છે. ઈંઙકને લીધે ભારતીય ક્રિકેટને પણ એક નવી ઊંચાઈ મળી. જેની બદોલત કેટલાય નવા ચહેરા અને નવી પ્રતિભા લોકો સમક્ષ આવી. આજે નાના બાળકોથી લઇ વયોવૃદ્ધ સુધી સૌ કોઈ ક્રિકેટના રસિયા બન્યા છે. આજે વિશ્વભરના અનેક દેશોના પ્રવાસ ખેડી ભારતીય વીરો પોતાની અનન્ય ઓળખ છતી કરી રહ્યા છે. અને તેથી જ ભારત અને તેનો ક્રિકેટ સાથેનો નાતો તેના સર્જનકાળથી રહ્યો છે તેમ કહીએ તો પણ ખોટું નથી. કેટકેટલા વિક્રમોથી લઇ બે વખત વિશ્વ વિજેતાના ખિતાબ પણ ભારતે પોતાને નામ કર્યા છે.

આ તમામ વિક્રમો અને તેની પાછળ એક સુંદર મજાની ગાથા અને તેના અજબ અવશેષો રહેલા છે. એ પછી માસ્ટર બ્લાસ્ટર સચિનના સન્યાસનો પત્ર હોય કે વિશ્વ વિજેતા બનનાર કપિલ દેવનું બેટ કે પછી ગેલની 333 વાળી ટી-શર્ટ આજેય તેની યાદ ચાહકોને ભીંજવી દે છે. અને તેવી જ કેટલીક અભૂતપૂર્વ યાદો અને તેને જાળવતા ભારત સરકારે એક એવા અનન્ય સ્થાનકનું સર્જન કર્યું જે કદાચ ક્રિકેટના અંત સુધી કાયમ રહેશે. મહારાષ્ટ્રના પુનામાં આવેલ એક એવું સ્થાનક જે ક્રિકેટના ચાહકો માટે વૈષ્ણોદેવી જેવું પવિત્રધામ સરીખું સાબિત થયું છે. બ્લેડ્સ ઓફ ગ્લોરી મ્યુઝિયમ. સ્વરાગેટથી પદ્માવતી સતારા રોડ પર આગળ વધતા દસેક મિનીટના રસ્તે શંકરનગર નજીક અનેરા જગમગાટ અને નાનકડા કાંચના દરવાજે ખુલે છે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મ્યુઝિયમ તરફ. પ્રવેશદ્વાર જેટલો નાનો છે તેટલી જ ભવ્યતાના દર્શન મ્યુઝિયમની અંદર પ્રવેશતા જ થઇ આવે છે. આખુય મ્યુઝિયમ ક્રિકેટના ઈતિહાસને સમર્પિત છે.

મ્યુઝિયમમાં દાખલ થતા જ ભીંત પર રચિત એક કબાટમાં સુવ્યવસ્થિત ગોઠવાયેલ ક્રિકેટ બેટને પ્રથમ નજરે જોતા કોઈ ફેરિયાવાળાએ ખોલેલ બેટના ઢગલા સમાન પ્રતિત થાય છે. પરંતુ બીજી જ ક્ષણે બારીકાઇથી જોતા કાળક્રમે બેટમાં થયેલા સુધારા અને તેની સંપૂર્ણ માહિતીનું વિશ્લેષણ મ્યુઝિયમની જાહોજલાલીની એક આછેરી ઝલક પાથરે છે. બીજા વિભાગમાં પ્રવેશ કરતા જ એક ખૂણામાંથી રેલાતા આચ્છાદિત સ્વર કાને પડે છે. જેની દિશામાં જતા કેટલાંય સુંવાળા સ્પંદનો તાજા થઇ જાય છે. નજીક જતા જ અવાજોની સાથે ચલચિત્રો પણ સ્વાગતમાં ઉભા રહે છે. ક્રિકેટ લિજેન્ડોના અવાજ અને તેના મજાના અનુભવો એક અનેરી સ્મૃતિમાંથી પસાર કરાવી જાણે છે. જે બાદ ક્રિકેટની એવી કેટલીય ઐતિહાસિક બાબતો જીણા અને નાના ચોસલાઓમાં કોતરાયેલી ઉપસી આવે છે. ઓપચારિકતા અને નજીવી બાબતોને સહેજ પડતી મૂકી બીજા વોર્ડમાં પ્રવેશતા જ આંખો સમી એક સજીવ સૃષ્ટિ ખડી હોય તેવો અહેસાસ થઇ આવે છે.

એ 83ના વર્લ્ડકપના કપિલદેવનો શોટ હોય કે માસ્ટર બ્લાસ્ટરે 50મી ટેસ્ટ સેન્ચ્યુરી વખતે પહેરેલ ટ્રાઉઝર, વિશ્વના એક માત્ર 800 વિકેટ લેનાર મુરલીધરનની ઝર્સી થી લઇ વીરેન્દ્ર સહેવાગની બેવડી સદી વખતનું ટી-શર્ટ અને જેમની વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાં ગણના કરી શકાય તેવા વિખ્યાત બ્રેટલીના શુઝને જોતા જ મંત્રમુગ્ધ બની જવાય તેમ છે. આ ઉપરાંત આખાયે સંગ્રહાલયમાં સુંદર મજાના ચિત્રો અને તેને વાચા આપતી કહાની તો ખરી જ જેની સાથે મ્યુઝિયમના એક ખૂણે વિશ્વ વિજેતા બનેલ કપિલ સેનાની ઠીક બાજુમાં ચિતરાયેલ મહેન્દ્ર સિંહ ધોનીની સેનાને નિહાળતા જ છાતી ગર્વથી ફૂલી ઉઠે છે. આ સાથે રિકી પોન્ટિંગથી લઇ બ્રેઈન લારા, જેવા લીજેંડ ક્રિકેટરોના ફોટોગ્રાફ્સ તેમના ગ્લવ્સ અને એવી કેટલીય ચીજો આ મ્યુઝિયમમાં સાચવીને સંગ્રહાયેલ છે. જેના ત્રીજા અને આખરી વોર્ડમાં પ્રવેશતા જ વિશ્વના મહાન ખેલાડીઓના હસ્તાક્ષર કરેલ બેટથી માંડી માથાની કેપ અને બોલને જોતા જ અભીભૂત બની જવાય છે.

જેની સાથે જેના વિક્રમો કદાચ ઇતિહાસના અનંતકાળ સુધી અકબંધ રહશે તેવા બ્રેઈન લારા, બ્રેડમેન જેવા મહાન ક્રિકેટરોએ ચાર ચાર સદી ફટકારેલ બેટ તથા જેનું નામ સંભાળતા આજેય તેની વિશાળ વ્યક્તિત્વના દર્શન થઇ આવે તેવા યુવરાજ સિંહે છ બોલમાં ફટકારેલ છ સિક્સરની યાદ તથા ભારતીય ખેલાડીના તપોબળને આજીવન કેદ કરવાના હેતુસર યુવીના તે બેટને મ્યુઝિયમમાં સ્થાન અપાયું છે. જે સાથે ક્રીસ ગેલ, વિરાટ કોહલી સેક્શન અને તેના મૂર્તિમંત સ્વરૂપોને જોવાની પણ મજા પડે તેમ છે. ક્રિકેટને સમર્પિત મહારાષ્ટ્રનું આ સંગ્રહાલય સાચે જ અદભૂત અને અનન્ય છે. જે તેની અનન્યતા અને બારીકતાને કારણે જ ગીનીસબૂક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પામ્યું છે. જે ક્રિકેટ રસિકો માટે તો ચારધામની યાત્રા જેવું પવિત્ર સ્થળ કહી શકાય તેમ છે. ક્રિકેટના દરેક ચાહકના મનના એકાદ ખૂણે લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં બેસીને મેચ માણવાની ઈચ્છા જરૂર પ્રવર્તતી હોય છે, પરંતુ તેથીય વધુ લોર્ડ્સને અડીને આવેલ એમસીસી મ્યુઝિયમની સુંદરતા ચાહકનું મન જીતી લે તેમ છે. આ સાથે ક્રિકેટની અડધી સદીના મહાનાયક એવા ડોન બ્રેડમેનના જીવનને સમર્પિત ઓસ્ટ્રેલીયાનું બ્રેડમેન મ્યુઝિયમ એન્ડ ક્રિકેટ હોલ જોનારને મંત્રમુગ્ધ બનાવી દે તેમ છે. આ સાથે ભારતનું બ્લેડ્સ ઓફ ગ્લોરી અને ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે આવેલ ક્રિકેટ બોલ મેન્યુફેક્ચરિંગ યુનિટ ક્રિકેટ લવર્સ માટે યાદગીરી બની રહે તેમ છે.

Advertisement