કોણ બાંધશે આ લક્ષ્મણરેખા?


વેકસીન મુદ્દે લીક થયેલા સરકારના સોગંદનામા પરથી ખ્યાલ આવે છે કે કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે કેટલો તનાવ છે

દેશમાં કોરોના કાળ એ રાષ્ટ્રીય આપદા બની રહેવો જોઇએ અને સૌને સાથે રહીને તેનો મુકાબલો કરવાનો રહેશે પરંતુ આપણા દેશમાં સરકાર એક તરફ છે, અદાલતો બીજી તરફ છે, કેન્દ્ર પોતાની નીતિને સાચી ઠેરવવા પ્રયત્ન કરે છે, રાજય પોતાની આવશ્યકતા માટે આજીજી કરે છે અને અંતે લોકો રીબાઈ રીબાઈને હોસ્પિટલ બેડથી લઇ ઓકસીજન અને હવે વેકસીનેશન માટે લાઇન લગાવે છે ત્યારે દેશના બંધારણની પીલર જેવી સંસ્થાઓ એ તો સાથે બેસવું જરૂરી છે

વેકસીનેશન મુદ્દે સરકારનું સોગંદનામુ આકરૂ છે અને સુપ્રિમ તેના પર કેવો પ્રતિભાવ આપશે તે પણ રાહ છે એ વાસ્તવિકતા છે કોઇપણ સરકાર સતત અદાલતોની લટકતી તલવાર વચ્ચે કામ કરી શકે નહીં લોકોએ સરકારને કામ કરવા માટે ચૂંટી છે અને તેને તે કરવા દેવું જોઇએ જો કયાંય બંધારણીય કે વ્યાપાક જાહેર હિતનો લોપ થતો હોય તો ચોકકસપણે અદાલતો તેમાં દરમ્યાનગીરી કરી શકે છે પરંતુ જો એકઝીયુકટીવ (સરકાર) અને જયુડીશ્યરી (ન્યાયતંત્ર) આ રીતે ટકકરમાં જશે તો દેશની ચિંતા કોણ કરશે ?

વેકસીનેશન મુદ્દે સરકાર કહે છે કે અમારી કામગીરીમાં ભરોસો રાખો પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકાર પારદર્શક નથી 50 ટકા વેકસીનનો જથ્થો કેન્દ્રના હસ્તક છે, કયાં રાજયને કેટલા ડોઝ ફાળવવાના છે તે શા માટે જાહેર થતું નથી ? માની લઇએ કેન્દ્રનો મફત વેકસીનેશન પ્રોગ્રામનો આ ડોઝ છે તો તેમાં છુપાવવાનું શું છે, રાજય પણ વેકસીન ફ્રી આપે છે તો કેન્દ્રને રાજયના ભાવમાં ફર્ક શું કામ ? શા માટે કેન્દ્ર વેકસીન આયાત કરીને રાજયને આપતી નથી અને કોરોના લડવામાં વ્યસ્ત રાજયો પર વધારાની જવાબદારી લાદે છે, કેન્દ્રએ અદાલતને ફરીયાદ કરતા પહેલા પોતાની નીતિ અને નિયતિ સુધારવાની  જરૂર છે 

સરકાર સંસદને જવાબદાર છે પણ ત્યાં તમામ નિર્ણયો બહુમતીના ધોરણે જ થાય છે અને સંસદમાં પણ સરકાર જવાબ આપશે કે કેમ તે પ્રશ્ન છે, અદાલતોએ પણ જાહેરહિતની અરજીમાં હવે મેરીટને સૌથી વધુ પ્રાધાન્ય આપવું પડશે એ નથી થતુ તેવી સરકારની ફરીયાદ છે અને દરેક સમયે સોલીસીટર જનરલ સુપ્રિમ કે હાઇકોર્ટના ચકકર કાપતા રહે છે, વાસ્તવમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ પણ અદાલતની એરણે છે પણ જો તેમાં વિલંબ થશે તો બજેટ વધશે જે અંતે જનતાને જ ભોગવવું પડશે તમે કેટલી આધુનિકતા અપનાવવો છો તેમાં નૈતિકતાને પણ સાથે જોડવાની જરૂર છે જે હવે ઘટતી જાય છે

દેશમાં કોરોનાનો કપરો કાળ રાષ્ટ્રીય કટોકટી અથવા તો રાષ્ટ્રીય આપદા બની જવી જોઇએ તેના બદલે એક તરફ કેન્દ્ર અને રાજય વચ્ચે ટકકર છે અને બીજી તરફ કેન્દ્ર સરકાર તથા રાજયો સરકારો તથા અદાલતો વચ્ચે પણ સતત તનાવ નજરે ચડે છે અને તે વચ્ચે ગઇકાલે વેકસીન પોલીસી મુદે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટ દ્વારા સોગંદનામુ દાખલ કરાયું તે ‘લીક’ થઇ જતા કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે કેટલો તનાવ છે તે બહાર આવી ગયું છે. હજુ થોડા દિવસ પહેલા સર્વોચ્ચ અદાલતે ઓકસીજન મુદે એક સમાંતર નિષ્ણાંત કમીટી રચીને તેને દેશમાં ઓકસીજન સપ્લાય અંગેની કામગીરી સુપ્રત કરી દીધી હતી અને હવે વેકસીનેશનમાં પણ સુપ્રિમ કોર્ટ કોઇ આકરો નિર્ણય આપે તે પૂર્વે જ સરકારે ‘રૂક જાઓ’નો સંદેશ આપતા તેના સોગંદનામામાં ગર્ભિત રીતે પરંતુ સ્પષ્ટ સંકેત આપ્યો છે

કે અદાલતો વધુ પડતો ઉત્સાહ દેખાડે છે અને તે વહીવટી તંત્રની કામગીરીમાં વિધ્ન બને છે. કેન્દ્રનું આ સોગંદનામુ અત્યંત આકરી ભાષામાં લખાયેલું છે અને તેના પર હવે આગામી દિવસોમાં સુપ્રિમ કોર્ટ પોતાનો પ્રતિભાવ આપશે પરંતુ દેશ જયારે તેના આઝાદી બાદના સૌથી મોટો અસ્તિત્વનો જંગ ખેલી રહ્યું છે અને કોરોના જેવા છુપા દુશ્મન સામે સામાન્ય લોકો ઝઝુમી રહ્યા છે ત્યારે દેશના બંધારણના બે પીલર જેવી સંસ્થાઓ વચ્ચેની આ ટકકર દેશને શોભા દેતી નથી તે નિશ્ચિત છે હજુ હમણા જ વધુ એક વૈધાનીક સંસ્થા ચૂંટણી પંચને પણ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ તરફથી ખરી ખોટી સાંભળવી પડી હતી અને તે મુદે પણ વિવાદ સર્જાયો અને ખુદ ચૂંટણી પંચમાં પણ આંતરિક વિવાદ બહાર આવી ગયો છે આમ બંધારણના સ્તંભ જેવા સંસ્થાઓ વચ્ચેનો તનાવ એ અંતે દેશને જ માટે નુકસાનકારક છે તે સમજવાનો સમય તમામે આવી ગયો છે.


એ વાસ્તવિકતા છે કે કોઇપણ સરકાર સતત રીતે અદાલતની લટકતી તલવાર હેઠળ કામ કરી શકે નહી, દેશના લોકોએ સરકારને ચૂંટી છે અને શાસક કરવાની કામગીરી સોંપી છે તો તેને કરવા દેવું જોઇએ તે બહુ સ્પષ્ટ છે, જો સરકાર કયાં અત્યંત ખોટુ કરતી હોય કે બંધારણીય મર્યાદાની બહાર જતી હોય અથવા તો વ્યાપક જાહેર હિત કે નૈતિકતાના માપદંડને છોડતી હોય તો ચોકકસપણે આપણી સર્વોચ્ચ અદાલતે સરકારને રોકવી જોઇએ સમગ્ર બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા છે. સરકાર બંધારણને જવાબદાર છે અને સુપ્રિમ કોર્ટની કામગીરી બંધારણના રખવાળા તરીકેની છે.

સરકાર સંસદને જવાબદાર છે પણ ત્યાં આપણે જોઇએ છે કે સંસદમાં હવે ફકત બહુમતીના ધોરણે નિર્ણય લેવાય છે. રાષ્ટ્રહિતના ધોરણો કરતા પક્ષે હિત અને વ્યકિતગત છબીના હિતોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ સર્વોચ્ચ અદાલતએ જાહેર હિતની અરજી કે તેવા કોઇપણ પ્રકારના ઈન્સ્ટ્રુમેન્ટના આધારે કોઇપણ મુદાને સ્વીકારી લે અને સરકારને ઉભા પગે રાખે તે પણ સ્વીકાર્ય નથી સર્વોચ્ચ અદાલત અને હાઇકોર્ટ પાસે કમ સે કમ એટલી અપેક્ષા રાખી શકાય કે તેની પાસે આવતી જાહેર હિતની કે કોઇપણ પ્રકારની અરજીમાં તેમની મેરીટ તપાસે અહીં કહેવાનો અર્થ નથી કે મેરીટ વગરની અરજી દાખલ થઇ જાય છે પરંતુ તેના આધારે બીનજરૂરી વિવાદ થાય છે સરકાર તથા સુપ્રિમ કે હાઇકોર્ટ વચ્ચે તનાવ સર્જાય છે.


જયાં સુધી કેન્દ્રના વેકસીન પ્રશ્નનો મુદો છે તો ‘ડે-વન’થી કેન્દ્ર સરકાર પહેલા વેકસીન કંપનીઓ અને બાદમાં રાજયો અને છેલ્લે જનતા સાથે સંતાકુકડીની રમત રમી રહી હોય તેવી સ્થિતિ બની રહી છે, દેશની સૌથી મોટી વેકસીન નિર્માતા કંપની સીરમના વડા છેક લંડન જઇને પોતાનું નિવેદન આપવું પડયુ તે સૌથી મોટી કમનસીબી છે પણ હાલ તેમાં ન જઇએ તો વેકસીનેશન મુદે કેન્દ્ર સરકાર જરા પણ પારદર્શક નથી તે બહુ સ્પષ્ટ થઇ ગયું છે. એક દેશમાં વેકસીનના ત્રણ કે ચાર જાતના ભાવ હોય તે પણ આશ્ર્ચર્ય છે કેન્દ્ર સરકાર પોતે 50 ટકા જથ્થો અનામત કરી લે અને બાકીના 50 ટકા આખા દેશના તમામ રાજયો વચ્ચે ફાળવે અને તેમાં પણ ખાનગી ક્ષેત્ર માટે અલગ ભાવ આ તમામ મુદ્દાઓમાં કેન્દ્ર ગળે ઉતરે તેવી દલીલો કરી શકતું નથી. કેન્દ્ર વેકસીનેશનમાં પોતાના 50 ટકા જથ્થો કઇ રીતે ફાળવે છે, કયા રાજયને ફાળવે છે

તે પારદર્શક હોવું જોઇએ તે વાસ્તવિકતા છે કે 45 વર્ષ કે તેથી વધુ ઉમરના લોકો જે ફ્રી વેકસીન સરકારી ધોરણે અપાય છે તે કેન્દ્ર ફાળવે છે પરંતુ કેન્દ્રએ 100 ટકા વેકસીનના જથ્થા પર પોતાનો અધિકાર રાખીને ખુદે નકકી કરેલા પોઝીટીવ કેસ રાજયની વસ્તી વગેરેને ધ્યાનમાં રાખીને વેકસીન ફાળવવી જોઇતી હતી તેના બદલે રાજયોને પોતાની રીતે વેકસીન ખરીદવા કહી દીધુ એટલું જ નહીં વેકસીન આયાતની જાહેરાત કરી પણ તે કેન્દ્રીય ધોરણે થવું જોઇએ તેના બદલે રાજયોને સોંપી દેવામાં આવી છે. કેન્દ્ર આ તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવી શકે છે તેમ છતાં તે ન બજાવે તો તેને પ્રશ્ન પુછવાનો અધિકાર છે અને તેમાં સરકારે આટલુ બધુ અકળાવવું જોઇએ નહીં તેના બદલે જો તે વાસ્તવિક રીતે સાચી નીતિ હોય તો સુપ્રિમ સમક્ષ જાહેર કરી દેવું જોઇએ. લાંબા લચક સોગંદનામાની જરૂર નથી. ભુતકાળમાં રાફેલ સોદામાં જયારે સુપ્રિમે આ નિષ્ણાંતોનો વિષય છે તેવા નિરીક્ષણ સાથે સરકારને છટકવાની તક આપી દીધી ત્યારે મજા આવી હતી અને હવે જયારે પ્રશ્ન પુછાય છે ત્યારે સરકારને તેના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ ગણાય છે.


સરકારે ભુતકાળમાં દેશની ચિંતા કર્યા વગર વેકસીનની મોટા પાયે નિકાસ કરી તે વ્યકિતગત છબી બનાવવા સિવાય કોઇ બીજો કોઇ હેતુ ન હતો. સરકાર ડગલેને પગલે કોરોનાનું આંકલન કરવા નિષ્ફળ ગઇ છે તે વાસ્તવિક છે. હાલના તકે પણ રાજકારણ એ કોરોના પર હાવી થઇ ગયું છે. દેશને સંક્રમણથી બહાર નીકળવા વેકસીન એક જ વિકલ્પ છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશો રાષ્ટ્રીય વેકસીનેશન પુરૂ કરવાની ડેડલાઇન આપે છે જયારે ભારતમાં વેકસીન લેનારને રોજેરોજ પોતાનું અપડેટ જોવું પડે છે લોકો જીવવા માંગે છે સરકાર તેને રીબાવી રીબાવીને જીવન આપવા માંગે છે પછી તે હોસ્પિટલ બેડ હોય કે ઓકસીજન અને હવે વેકસીન કેન્દ્ર સરકારે રૂા. 30 હજાર કરોડથી વધુની રકમ વેકસીનેશન માટે ફાળવી હતી તેનો હિસાબ જાહેર કરવો જોઇએ. બધુ પીએમ કેર્સ ફંડની જેમ છુપાવીને રાખવાની અદાલતના હથોડા સહન કરવા પડશે.


વિવાદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનો પણ છે પરંતુ તેમાં જો હવે વિલંબ થાય તો બજેટ વધી જશે અને અંતે પ્રજા ઉપર જ બોજો આવશે બાકી આ પ્રોજેકટની યોગ્યતાનો મુદો નૈતિકતા સાથે જોડાયેલો છે અને જો ગાંધી ચિંધ્યા માર્ગે જવાવાળા અને ગાંધી અને આંબેડકરને ટાંકીને સંસદમાં પોતાનો સ્કોર કરવામાં માહિર લોકો ગાંધીજીની સાદગીને અપનાવતા નથી અને વૈભવને આગળ ધપાવે છે તે પણ નિશ્ચિત છે. અમેરિકાનું વ્હાઇટ હાઉસ અને એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કેટલું જુનુ છે તે ચકાસી લેવું જોઇએ.અને છેલ્લે સર્વોચ્ચ અદાલતે પણ પોતાની બાજુ જોવાની જરૂર છે, જો નિવૃતિ બાદ ન્યાયમૂર્તિઓ ભેટમાં મળેલા પદો પર બેસવા માટે લાઇન લગાવી દેતા હોય તો પછી સરકારનું કામ અત્યંત સરળ થઇ જશે અને અદાલતના આ પ્રકારના વિધાનો એ અખબારોની એક દિવસની હેડલાઇન સિવાય કંઇ વધુ નહી રહે બંને પક્ષે લક્ષ્મણ રેખા બાંધવાની જરૂર છે.

Advertisement