ચારિત્ર્યહીનતા સાથે જોડાયેલો બહિષ્કૃત સામાજિક દ્રષ્ટિકોણ!


Advertisement

- ડ્રગ વપરાશકર્તા, સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર્સને લીધે ફેલાતાં એચઆઈવી ચેપની ટકાવારી અનુક્રમે 9.9%, 4.3% અને 7.2% છે.

- હજુ પણ દરરોજ 500 લોકો એચઆઈવીનો ભોગ બની રહ્યા છે.

- એઈડ્સ પીડિત વ્યક્તિની જિંદગી કદાચ આપણા જેટલી લાંબી નથી. નાની અમથી ભૂલ કે બેકાળજીનાં લીધે આવાં મહારોગનો ભોગ બની ગયેલા એ માણસને પણ જીવવાનો પૂરેપૂરો હક છે. તેમનાં બાકીનાં વર્ષો સુખરૂપ પસાર થાય અને દરેક દિવસ આનંદમય બને એ માટે તેમને સાંત્વનાની નહી, મિત્રની જરૂર છે. આર્થિક રીતે કોઈને મદદરૂપ ન થઈ શકીએ તેનો વાંધો નહી, પરંતુ જીવનની કડવી વાસ્તવિકતાનો શિકાર બનેલા આવા અમુક દર્દી માટે પ્રેમનાં બે બોલ પણ કાફી છે!

- પ્રત્યેક રોગ અને તેમના દર્દીઓ પ્રત્યે સમાજ સહાનુભૂતિ દાખવે છે, પરંતુ એઇડ્સના મામલે આ વાત સાવ સાચી નથી. સત્ય તો એ છે કે, આપણો સમાજ (ફક્ત ભારતીય નહીં, વૈશ્ર્વિક સ્તરે પણ) એઇડ્સનો શિકાર બનેલા લોકોને બળાત્કાર કરી ચૂકેલા ગુનેગાર કરતા પણ વધુ બદ્દતર દ્રષ્ટિકોણથી જુએ છે. એઇડ્સને આપણે ચારિત્ર્યહીનતા સાથે વણી નાંખ્યો છે! 

પહેલી ડિસેમ્બરથી શરૂ કરીને છેક નવા વર્ષ સુધી સળંગ એક મહિનો વિશ્ર્વના ઘણાં દેશોમાં એઇડ્સ માટેના સેમિનાર્સ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં તેના પ્રત્યેની જાગૃતિ ફેલાવવા ઉપરાંત સ્વયંસેવકોનો મૂળ મુદ્દો હશે, સમાજના દ્રષ્ટિકોણને બદલવાનો! આજની તારીખે ‘રાજરોગ’નું બિરૂદ, ટીબી કે ક્ષય પાસેથી છીનવાઈને એઈડ્સ પાસે જતું રહ્યું છે. જોકે, દરેક અસાધ્ય રોગોને સાધ્ય બનાવવાનો ઉપચાર વિજ્ઞાન અમુક સમયમાં શોધી જ કાઢે છે. વીસમી સદીમાં એચઆઈવી એઈડ્સ, જેટલો ખતરનાક અને જીવલેણ પુરવાર થતો હતો એટલો આજે નથી. એઈડ્સનાં દર્દી પણ દવાઓનાં સહારે લાંબુ નિરોગી જીવન જીવી રહ્યા છે.
1986ની સાલમાં જ્યારે ભારતે પોતાનો પહેલો એચઆઈવી કેસ જોયો. એ સમયમાં આ રોગ વિશે ડોક્ટર્સ તો ઠીક, સરકાર પણ મૂંઝવણમાં હતી. કૂદકે ને ભૂસકે વધી રહેલી આપણા દેશની વસ્તી સાથે એચઆઈવીએ પણ લોકો પર ભરડો લેવાનું ચાલુ કરી દીધું. વૈજ્ઞાનિકો કોઈ નવી રસી કે પછી કોઈ દવા શોધે તે પહેલા જ આ મહારોગએ દુનિયાનાં કરોડો લોકોનો જીવ લીધો. હજુ પણ પરિસ્થિતિમાં એકદમ સુધાર તો નથી જ આવ્યો. બેશક, મૃત વ્યક્તિની ટકાવારીમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ સરકારી જાહેરાતો મુજબ, ભારતમાંથી એઈડ્સને સંપૂર્ણપણે નાબુદ કરવા માટે 2030 સુધીનો સમય તો જોઈશે જ!
1986થી 2019 સુધીની 33 વર્ષોની લાંબી સફરમાં સરકાર તેમજ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશનનાં ભરપૂર પ્રયાસો થકી આપણો દેશ એઈડ્સની વાસ્તવિકતા પિછાણતો થયો છે. એટલિસ્ટ, ભારતવાસીને હવે એચઆઈવી બાબતે વિસ્તારપૂર્વક સમજાવવું પડે એવી સ્થિતિ તો નથી જ રહી. એઈડ્સનાં દર્દીઓને અપાતી આર્થિક-શારિરીક-ચિકિત્સિક સુવિધાઓને કારણે તેમનાં આયુષ્યમાં તો વધારો જરૂર થયો છે પરંતુ મને-કમને સહન કરવા પડતા અપમાનને લીધે આજે તેમની જિંદગી દોઝખ બની ગઈ છે. એનું કારણ છીએ - આપણે!
એઈડ્સનો દર્દી ભલે દવાને લીધે લાંબુ જીવી શકતો હોય પણ આપણા દ્વારા તેમને જોવા પડતાં અપમાન-નફરત-ધૃણાને લીધે તેઓ દુનિયાને પોતાનું મોં નથી દેખાડી શકતા. સરકારી કચેરીઓ, શાળા, હોસ્પિટલ કે જાહેરસ્થળોએ એચઆઈવીગ્રસ્ત દર્દીનાં પ્રવેશમાત્રથી જ ખળભળાટ મચી જાય છે. નોકરીની છૂટ નહી, ભણતર લેવાની સ્વતંત્રતા નહી, સગા-વ્હાલાને ખબર પડી જતાં આખો પરિવાર એવી દ્રષ્ટિથી જોવા માંડે છે જાણે તેમનાથી કોઈ અતિગંભીર ગુનો થઈ ગયો હોય!

Image result for world aids day 2018 south africa
કાગળિયા પર તેમજ સરકારી આંકડામાં સાબિત થયું છે કે ભારતમાં એઈડ્સનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ આ સ્થિતિ ખરેખર ખૂબ થોડા વિસ્તાર માટે જ લાગુ પડે છે. 2015માં કેન્દ્ર સરકાર દ્વારા એઈડ્સની સારવાર માટે અપાતાં ફંડમાં જંગી ઘટાડો કરાવામાં આવ્યો, પરંતુ થોડા સમયની અંદર જ વાસ્તવિકતાનો ખ્યાલ આવી જતાં ફરી 2000 કરોડ સુધીની સહાય ચાલુ કરી દેવામાં આવી. હકીકતમાં તકલીફ એઈડ્સ બાબતે છે જ નહી! અન્ય દેશોની સરખામણીમાં આપણે ત્યાં એઈડ્સનો રોગ વધુ હોવાનું મુખ્ય કારણ બેકાળજી અને દર્દી પ્રત્યે રખાતો નફરતભાવ છે. એઈડ્સ થયાની જાણ થયા બાદ તુરંત જ જો સારવાર લઈ લેવામાં આવે તો આ રોગ જીવલેણ છે જ નહી. ખાટલે મોટી ખોટ એ છે કે એઈડ્સનાં દર્દી સમાજમાં પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાના ભયને લીધે સારવાર લેવામાં પાછી પાની કરે છે. સરકાર ગમ્મે એટલી જાગૃતતા ફેલાવે પણ જ્યાં સુધી આપણો સમાજ એચઆઈવી પેશન્ટને હમદર્દીથી જોવાનું શરૂ નહી કરે ત્યાં સુધી તેનો જડમૂળથી નાશ શક્ય જ નથી.
આજે એઈડ્સનાં દર્દીઓ સાથે કરવામાં આવતો ભેદભાવયુક્ત વ્યવહાર જ આપણી નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે. વાર્ષિક આંકડાઓ મુજબ, હજુ પણ ભારતમાં એકવીસ લાખ એચઆઈવી પીડિત દર્દીઓ મોજૂદ છે. અન્ય દેશોની સરખામણીએ આ સંખ્યા ઘણી મોટી છે. આખા વિશ્વએ લગભગ એક જ સમયગાળાની અંદર આ મહારોગ સામે બાથ ભીડવાનું શરૂ કર્યુ હતું. ભારતનાં પાછળ રહી જવાનું કારણ ફક્ત વસ્તી વધારો નહી, પરંતુ દર્દી પ્રત્યે રાખવામાં આવતો વ્યવહાર છે! દરેક વ્યક્તિ સમજે છે કે એઈડ્સ ચેપી નથી. ચુંબન કરવાથી કે દર્દીને અડી જવા માત્રથી ફેલાનાર રોગમાં એઈડ્સનો સમાવેશ થતો નથી. છતાં તેમની સાથે કરવામાં આવતો અછુત વ્યવહાર જ સરકારનાં પ્રયાસોની નિષ્ફળતા માટે કારણભૂત છે.
સામાન્ય લોકોની વાત તો જવા જ દો, પોલીસ દ્વારા પણ આવા દર્દીનું જે પ્રકારે હેરેસમેન્ટ થાય છે તે ખરેખર શરમજનક છે. એક કિસ્સો વાંચો : સાવ નાનકડી બાર વર્ષની રાજવી (નામ બદલ્યુ છે) જન્મજાત એઈડ્સની દર્દી હતી. પિતાની ભૂલને કારણે એચઆઈવી પીડિત માતા ગર્ભવતી બની જતાં રાજવીએ પણ આ ભયંકર રોગથી પીડાવું પડ્યુ. સ્કૂલમાં પોતાની એક ફ્રેન્ડ સાથે આ વાત શેર કરતા ધીરે-ધીરે પ્રોફેસર સહિત તમામ લોકોનું વર્તન તેના પ્રત્યે બદલી ગયુ. પોતાની સાથે થતી છેડખાનીથી કંટાળીને તેણે સ્કૂલનાં કાઉન્સલરને આ વિશે જાણ કરી. કાઉન્સ્લરે શું જવાબ આપ્યો ખબર છે? તું તારા મિત્રોને કહી દે કે આ એક મજાક હતી! હું (રાજવી) પણ તમારા બધાની માફક સામાન્ય છું અને મને કોઈ જીવલેણ બિમારી નથી. આ જવાબ સાંભળીને રાજવી વધુ મૂંઝાઈ ગઈ. માતાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન જઈ મદદ માંગી. પોલીસે તો ઉલ્ટું રાજવીની માતાને ખરૂ-ખોટું સંભળાવ્યુ, ન કહેવાના વચન કહ્યા અને પોલીસ-સ્ટેશનમાંથી કાઢી મૂક્યા. આજે સ્થિતિ એવી છે કે રાજવીએ સ્કૂલમાંથી ડ્રોપ લઈ ઘેર જાતે જ ભણવાનું નક્કી કર્યુ છે. (આ આખી ઘટના 2011માં આંધ્રપ્રદેશમાં બની હતી)
તો આ છે માત્ર એક કિસ્સો! આવા તો કંઈ-કેટલાય બનાવો દરરોજ આપણા દેશમાં બને છે. વિદેશમાં પણ એઈડ્સનાં દર્દી પ્રત્યે ડિસ્ક્રીમિનેશન અને સ્ટીગ્મા છે જ, પરંતુ આટલી હદ્દે તો નહી! બહારનાં દેશોમાં આવા લોકોને રહેવા માટે ઘર નથી મળતું. મકાનમાલિકો તેમને અન્યોની સરખામણીમાં વધુ ઘર-ભાડુ આપવા મજબૂર કરે છે. એમાંય ખાસ કરીને કોઈ પુરુષને એચઆઈવી હોવાનું માલૂમ પડે તો તેને સીધો સમલૈંગિક ધારી લેવામાં આવે છે. હોસ્પિટલનાં ઈન્જેક્શન દ્વારા કે કોઈનું ચેપી લોહી ચઢાવી દેવાના કારણે પણ રોગ લાગુ પડ્યો હોઈ શકે તેવી શક્યતાને વિચારવાનું જ બંધ કરી દેવાયુ છે.
ભારતમાં હાલ ઉત્તરપ્રદેશ, આસામ, છતીસગઢ, મધ્યપ્રદેશ અને ઝારખંડ એઈડ્સનાં મહત્તમ દર્દીઓ ધરાવે છે. સ્ત્રી પીડિતાનું પ્રમાણ પણ ખાસ્સુ વધ્યુ છે. દર વર્ષે મોટી સંખ્યામાં સેક્સ વર્કર કરૂણ મોત પામે છે. તેમની સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે જોવા માટે કોઈ વ્યક્તિ ત્યાં હાજર નથી હોતું. રોગની પીડા ઉપરાંત લોકો દ્વારા અપાતી માનસિક પીડાને લીધે તેમનું મોત વહેલુ આવી જાય છે. હજુ પણ આપણે એવા વિશ્ર્વમાં રહીએ છીએ જ્યાં એઈડ્સ માટેની ગેરસમજણને પ્રતાપે લાખ્ખો દર્દી સાથે ભેદભાવ કરવામાં આવે છે, તેમને એવું મહેસુસ કરાવવામાં આવે છે કે હવે તેમની જિંદગીનો કોઈ અર્થ નથી, મૃત્યુને આધિન થઈ જવું એ જ તેમની નિયતિ છે! રોગને લીધે તો નહી, પણ આ વિચારબીજનું રોપણ એચઆઈવી પીડિતોને મૃત્યુ તરફ ધકેલે છે. એક નરી વાસ્તવિકતા.
[email protected]

Advertisement
Advertisement
Advertisement