રણજી ટ્રોફી ઇતિહાસની એક માત્ર ઘટના


ન્નાઇ-તામીલનાડુના ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી વેંકટરામન શિવરામ ક્રિષ્નનના એક પુત્રનું નામ વિદ્યુત શિવરામ ક્રિષ્નન છે. વિદ્યુત પોતે પણ એક રણજી ટ્રોફી ખેલાડી રહી ચુકયા છે અને આઇપીએલની શરૂઆતના ત્રણ વર્ષ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનો હિસ્સો પણ. આઠ-દસ વર્ષ સ્પર્ધાત્મક અને ફર્સ્ટકલાસ ક્રિકેટ રમવું એ કોઇ સામાન્ય વાત નથી. વિદ્યુત શિવરામ ક્રિષ્નન પણ પપ રણજી ટ્રોફી અને 53 લીસ્ટ-એ મેચ રમેલા ખેલાડી છે. એક લેફટઆર્મ સ્પીનર તરીકે કારકીર્દીની શરૂઆત કરનાર વિદ્યુત 2000ના વર્ષમાં યુ-19 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક રહ્યા છે. આમ તો વિદ્યુત શિવરામ ક્રિષ્નન વિષે બહુ લોકો કંઇ ખાસ જાણતા ન હોય પણ તેમના નામે એક એવો કિર્તિમાન છે જે આજે પણ અજેય છે.

1999-2000માં રણજી પ્રવેશ કરનાર વિદ્યુત તામીલનાડુ ટીમના મુખ્ય સ્પીનર હતા. થોડુ ઘણુ બેટીંગ કરી શકતા વિદ્યુત માટે તામીલનાડુની મજબુત બેટીંગ લાઇનઅપમાં ફકત 11માં નંબરે જ બેટીંગમાં જગ્યા હતી. છેલ્લા ક્રમે બેટીંગમાં ઉતરતા વિદ્યુતને જોકે સારૂ બેટીંગ પ્રદર્શન કરવાની ઘણી તાલાવેલી હતી. એક વર્ષ પછી તેમના માટે એક તક ઉભી થઇ જયારે તામીલનાડુની ટીમનો રણજી ટ્રોફીનાં પ્રી-કવાર્ટર ફાઇનલ મેચમાં દિલ્હી સામે મુકાબલો થયો. ચેન્નાઇના આઇઆઇટી- કેમપ્લાસ્ટના મેદાનમાં રમાયેલા મેચમાં તામીલનાડુની પ્રથમ ઇનીંગમાં નવમી વિકેટ પડી અને વિદ્યુત શિવરામ ક્રિષ્નન આખરી બેટસમેન તરીકે મેદાનમાં ઉતર્યા. બેટીંગ માટે સારી પીચ પર યુવાન વિદ્યુતે આક્રમક અને હકારાત્મક ફટકાબાજી કરવાની શરૂઆત કરી.

દિલ્હીના વિરેન્દ્ર સેહવાગની એક જ ઓવરમાં ત્રણ ચોકકા અને એક સીકસર મારીને વિદ્યુતે સ્કોર આગળ વધાર્યે રાખ્યો. દિલ્હીના કેપ્ટન વિજય દહીયાએ પણ સ્પીનર પાસે જ બોલીંગ ચાલુ રાખી. ફકત દોઢ સેશનમાં જ વિદ્યુતે સારી પીચ અને સ્પીનરોની સામાન્ય બોલીંગનો પુરો ફાયદો ઉઠાવતા સેન્ચુરી ફટકારી દીધી. ફકત 122 બોલમાં 115 રનની ઇનીંગ રમીને વિદ્યુતે દિલ્હી જેવી મજબુત ટીમ સામે તામીલનાડુને ડ્રાઇવીંગ સીટ પર મુકી દીધુ. રણજી ટ્રોફીના 87 વર્ષના ઇતિહાસમાં આવુ ફકત એક જ વખત બન્યુ છે. જયારે કોઇ ખેલાડીએ અંતિમ ક્રમે બેટીંગમાં ઉતરીને સેન્ચુરી બનાવી હોય. સમગ્ર ક્રિકેટ વિશ્વની વાત કરીએ તો પણ આવી ઘટના આંગળીના વેઢે ગણી શકાય એટલી વખત જ બની છે.

વિદ્યુત શિવરામ ક્રિષ્નને અગિયારમાં નંબરે બેટીંગમાં ઉતરી, દિલ્હી જેવી ટીમ સામે સદી ફટકારીને રેકોર્ડસ બુક પોતાનું નામ અંકિત તો કરી લીધુ પણ આ આખી વાર્તાનો એક બીજો કલાયમેકસ પણ ભવિષ્યના સમય માટે સંઘરાયેલો પડયો હતો. પોતાના બેટીંગ કૌશલ્યના પરચાને યોગ્ય પ્લેટફોર્મ મળતા વિદ્યુત ધીમે-ધીમે ઉપરના ક્રમે બેટીંગ કરવા લાગ્યા. અને એક એવો સમય આવ્યો જયારે તેઓ ઓપનીંગ બેટીંગ પણ કરવા લાગ્યા અને એવા સમયે રેકોર્ડ બુકનું બીજુ પાન લખાયું જયારે વિદ્યુતે રણજી ટ્રોફીમાં ઓપનીંગમાં ઉતરીને સદી ફટકારી કોઇ એક જ ખેલાડીએ રણજી ટ્રોફીમાં અગિયારમાં નંબરે અને ઓપનીંગમાં ઉતરીને સેન્ચુરી કરી હોય તેવો આ એક જ દાખલો છે.

ફકત રણજી ટ્રોફી જ નહી સમસ્ત વિશ્વ ક્રિકેટમાં કોઇપણ દેશમાં કોઇપણ વ્યકિતએ વિદ્યુત જેવું પરાક્રમ કર્યુ નથી. ડોમેસ્ટીક ક્રિકેટમાં સમયાંતરે વિદ્યુતે ઘણા સારા પ્રદર્શન કર્યા અને આઇપીએલની પ્રથમ બે-ત્રણ સીઝનમાં પણ તેઓએ ઠીકઠાક દેખાવ કર્યો. દુર્ભાગ્યે તેઓ આગળ જતા દેશ માટે રમી ન શકયા કે અન્ય કોઇ પ્રભાવી પરફોર્મન્સ તેમના નામે ન થયા. પરંતુ વિધાતાએ તેમના નામે એક એવો રેકોર્ડ બનાવ્યો જે આજના દિવસ સુધી અનન્ય છે; અવિજીત છે. ક્રિકેટની રમત સાથે જોડાયેલા અવનવા વિક્રમોની યાદીમાં આ રેકોર્ડ ફકત વિદ્યુત માટે જ નહીં બધા જ ભારતીયો માટે પણ ખાસ બની રહ્યો છે અને બનેલો રહેશે.

Advertisement