ખુદાની બંદગીના અવસર પર જુમ્મા મુબારક


 

રોઝા પૂરા થતા ઈદ આવે છે આમ તો મૂળ શબ્દ ઇદ ‘અવદ’ પરથી આવ્યો છે. અવદનો અર્થ કોઈપણ બાબતનું પુનરાવર્તન થવું. દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઇદ. ઇદનું મહત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી. ઇદની ખુશી સાથે એકતા, શાંતિ, સમર્પણ, સમાનતા, ઇબાદત અને ખુદાની મહેરબાનીઓનો શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલી છે

 

ખુદાના બંદાને બૂરાઈથી દૂર રાખીને અલ્લાહની નજીક લઈ જનાર પાક માસ એટલે રમઝાન. આજે રમઝાનનો છેલ્લો જુમ્મા દિવસ છે, ત્યારે વાતાવરણમાં ઘોળાતી અજાન અને એકીસાથે દુવા માટે ઊઠતા લાખો હાથ જાણે ખુદા સાથેની મુહબ્બતનો પૈગામ આપી રહ્યા હોય તેવી પ્રતીતિ થાય છે. રોઝાને અરબીમાં સોમ કહે છે, જેનો મતલબ થાય છે રોકવું, પોતાની જાતને કુકર્મ કરતા રોકવી. રોઝાનો અર્થ થાય છે કે વ્યક્તિએ પોતાની જાતને કામ, ક્રોધ, લોભ, મોહ, દ્વેષ જેવા દુર્ભાવોથી બચાવવી.

આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી સમજાય છે કે ભૂખ શું છે? તેથી ભૂખ્યા લોકો પ્રત્યે હમદર્દી અને દયાના ભાવ જાગે છે અને તે દાન કરવા પ્રેરાય છે. કુરાને શરીફમાં આ માસનું મહત્વ દર્શાવતા કહ્યું છે કે, સામાન્ય દિવસોમાં મનુષ્યનો સમય તેની શારીરિક જરૂરિયાતની પૂર્તિ કરવામાં જ જાય છે ત્યારે રોઝામાં મનુષ્ય પોતાની ઈચ્છાઓ, ભૂખ, તરસ બધું જ અલ્લાહને સમર્પિત કરી દે છે. અને સંપૂર્ણ ભાવ સાથે અલ્લાહને યાદ કરે છે. આ પાક દિવસોમાં શરીરની નહિ પરંતુ રૂહાની જરૂરિયાતની પૂર્તિ માટે ખુદાએ રોઝાની વ્યવસ્થા બનાવી છે. રમજાન માસમાં ત્રીસ દિવસનું મહત્વ સમજાવતા તેને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં પહેલો ખંડ રહેમતનો છે. જેમાં અલ્લાહ તેના બંદાઓ પર રહેમતની દોલત લૂંટાવે છે. બીજો ખંડ બરકતનો છે જેમાં અલ્લાહ બંદાને ભૌતિક સંપદાનું વરદાન આપે છે. ત્રીજો ખંડ માફીનો છે જેમાં અલ્લાહ તેના બંદાઓના ગુના માફ કરે છે અને સાચા દિલથી બંદગી કરનારનાં સમગ્ર પાપોને માફી મળી જાય છે.

ઈદના દિવસે નમાજ પહેલાં જકાત-ફિત્ર એટલે કે દાન આપવામાં આવે છે. રમજાન માસમાં કરેલું પુણ્ય સિતેર ગણું મળે છે. આ દિવસે દાનનો મહિમા વધારે હોય છે. આખા મહિનાના ઉપવાસ પૂર્ણ થતા ઈદના દિવસે વિભિન્ન વ્યંજનોનું ભોજન અને પરંપરાગત પરિધાન સાથે મુસ્લિમ બિરાદરો શ્રદ્ધા અને ઉત્સાહથી ઈદની ઉજવણી કરે છે. રમજાન મહિનો સમગ્ર મુસ્લિમ સંપ્રદાય માટે ખૂબ જ પવિત્ર મહિનો ગણાય છે. આખો મહિનો રોઝા રાખવામાં આવે છે. વહેલી સવારથી શરૂ થતા રોઝા મોડી સાંજે પૂર્ણ થતા હોય છે. જેની સૂર્યોદય પૂર્વે શરૂઆત અને સૂર્યાસ્ત બાદ સમાપ્તિ થતી હોય છે. જેનું મહત્વ એ છે કે રોઝા રાખનાર વ્યક્તિ પર અલ્લાહની તમામ નેઅમતો ઉતરતી હોય છે. આથી સંક્રાંન્તિકાળની ખૂબ અનોખી વાતને આ ક્રિયા સાથે વણી લેવામાં આવી છે.

કુરાને-શરીફમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યની પરહેઝગીરી અને પાક બનવાની મનોકામના પૂર્ણ થાય એ માટે ખુદા તરફથી સતત નેઅમતો મળે છે. દાન એટલે કે ખેરાતનો પણ ખુબ મહિમા છે. જેઓ વંચિત છે કે ઓછા ઉન્નત છે તેઓને ધાન્ય સહિત ઘણી વસ્તુની ખેરાત કરીને સવાબ મેળવવામાં આવે છે. રમજાન મહિનો પવિત્ર છે. અમુક રોઝાનું વિશેષ મહત્વ પણ હોય છે. મહિનાના અંતે રમજાન ઈદ આવે છે. જેની વૈશ્ર્વિક ભાઇચારાની ભાવનાથી બધા ઉજવણી કરે છે.


આ માસને ગુનાઓને બાળવાનો અને ઇબાદત દ્વારા નેકીઓનો ખજાનો લૂંટવાનો માસ કહેવાય છે. રોઝાનો આરંભ ઇસ્લામમાં હિજરતના બીજા વર્ષથી મદીનામાં થયો હતો. આ અંગે કુરાને શરીફમાં ફરમાવાયું છે, ‘ઇમાનવાળાઓ, રોઝા તમારા પર ફર્જ કરવામાં આવ્યા છે. જેમ તમારી અગાઉના લોકો માટે તે ફર્જ કરવામાં આવ્યા હતા. જેથી તમો તકવા ઇખ્તિયાર કરો.’ તો આવો કુરાને શરીફની આયાતમાં સમાવિષ્ટ એવી જ કેટલીક વાતોને જાણીએ.


દરેક મુસ્લિમ માટે રમજાન માસના ત્રીસે ત્રીસ રોઝા ખુદાએ ફરજિયાત કર્યા છે. દરેક બાલીગ અર્થાત પુખ્ત સ્ત્રી પુરુષ માટે રોઝા ફર્ઝ છે. રોઝા માત્ર તમારા માટે જ ફર્જ નથી. તમારા અગાઉની પ્રજા માટે પણ ફર્ઝ હતા અને તમારા પૂર્વજો માટે પણ ફર્ઝ હતા અને તમારી આવનારી પેઢી માટે પણ ફર્ઝ રહેશે.રોઝા એટલે માત્ર ભૂખ્યા, તરસ્યા રહેવું નહિ, પણ મન, વચન અને કર્મથી રોઝા રાખવા. કારણ કે રોઝામાં ‘તકવા’ અત્યંત જરૂરી છે. ‘તકવા’ એટલે પરહેજગારી, સંયમ. રોઝા રાખનાર દરેક મુસ્લિમ માટે ચાર બાબતો પર સંયમ આવશ્યક છે. બૂરા મત કહો, બૂરા મત દેખો, બૂરા મત સુનો અને બૂરા મત સોચો.


આટલો સંયમ રાખ્યા પછી જ રોઝાનો સાચો ઉદ્દેશ આરંભાય છે અને તે છે, ઇબાદત. તકવા સાથેના રોઝા અને ઇબાદત જરૂરી છે. કારણ કે હજરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે. રોઝા (દોજખથી બચવાની) ઢાલ છે. બુખારી શરીફનું આ વિધાન પણ અત્યંત અર્થસભર છે. રોઝા રાખનારા માનવી પવિત્ર, નિર્મળ અને ઇબાદતમાં લીન હોય છે. દુનિયામાં તે જીવે છે, પણ તે મન વચન અને કર્મથી ખુદા સાથે બંધાયેલો રહે છે. વળી, રમજાન માસનું બીજું પણ એક આધ્યાત્મિક મહત્ત્વ છે. કુરાને શરીફનું અવતરણ રમજાન માસમાં જ થયું છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે, એ રમજાનનો મહિનો છે. તેમાં કુરાન ઊતરવાનું શરૂ થયું. જે માર્ગદર્શક છે લોકો માટે. જે હિદાયતની રોશન સચ્ચાઈઓ ધરાવે છે. જે સત્યને અસત્યથી અલગ કરનાર છે.’


કુરાને શરીફની અવતરણ કથામહંમદ સાહેબ હંમેશા રમજાન માસમાં સંસારથી અલગ થઈ ગારેહીરા જેવા એકાંત સ્થાન પર ખુદાની ઇબાદતમાં ગુજારતા હતા. રમજાન માસ પૂર્ણ થતા તેઓ શહેરમાં પાછા ફરતા. સૌથી પહેલા ખાને કાબાહનો સાતવાર તવાફ કરતા. એ પછી આપ ઘેર જતા. રસ્તામાં મળતા ગરીબો કે જરૂરિયાતમંદોને જમાડતા. જેમનો આ નિયમ દર રમજાન માસ માટે ચુસ્ત હતો.


દર વર્ષની જેમ એ રમજાન માસમાં પણ મહંમદ સાહેબ માસના આરંભે જ ગારેહીરા (સ્થળ)માં આવી ચડ્યા હતા અને ખુદાની ઇબાદતમાં લીન હતા. મહંમદ સાહેબ પર વહી ઊતરવાના એક દિવસ પૂર્વે તેમના વહાલસોયા પુત્ર કાસીમનું અવસાન થયું. આમ છતાં પુત્રના અવસાનના વિરહમાં જરા પણ વિચલિત થયા વગર તેઓ ખુદાની ઇબાદતમાં રત રહ્યા અને ત્યારે મહંમદ સાહેબ પર પ્રથમ વહી ઉતારી. ‘વહી’ એટલે છૂપી વાતચીત, ઇશારો, ઇસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ, પૈગામ. એ સમયે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)ની વય 40 વર્ષ, 6 માસ અને 10 દિવસની હતી. રમજાન માસનો ચોવીસમો રોજો હતો. રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં આખી રાત ખુદાની ઇબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા. ચારે તરફ એકાંત અને શાંતિનો પગરવ હતો. પ્રભાતનું ઝાખું અજવાળું ધરતી પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના વાહક એવા જિબ્રાઇલ આવી ચડ્યા. હજરત જિબ્રાઇલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરદાર હતા. કુરાને શરીફમાં તેમને ‘રૂહુલ કુદ્સ’ અને ‘રૂહુલ અમીન’ કહેલ છે. રૂહુલ કુદૂસ અર્થાત પાક રુહ, પવિત્ર આત્મા.


ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા સૌપ્રથમ આયાત મહંમદ સાહેબ (સ.અ.વ.) પર ઊતરી. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું.જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.’ અને આમ રમજાન માસમાં હજરત મહંમદ સાહેબ પર કુરાને શરીફની આયાતો ઉતરવાનો આરંભ થયો.


તો આવો આજના આ પવિત્ર અવસર પર એ દરેક મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદની શુભ કામનાઓ પાઠવીએ અને એમના ધર્મમાંથી ઘણી વાતો જે આપણે સૌએ શીખવા જેવી છે એને શીખવાનો એક પ્રયાસ કરીએ. શું સારું છે શું ખરાબ છે એની વ્યર્થ ચર્ચા કરવાની જગ્યાએ આ ધર્મમાંથી કંઇક સારું શીખીએ અને તેને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો પણ આપણી બંદગી ખુદા પાસે પહોચી જશે.

 

Advertisement