ત્રીજો મોરચો... ફૂટી ગયેલી કારતુસ ?!?


* રાષ્ટ્રીય મંચ કે ત્રીજા મોરચાના પ્રયાસમાં નવી ફોર્મ્યુલા નથી, ફક્ત મોદીનો વિરોધ જ એજન્ડા છેે

* ક્રિકેટની ભાષામાં કહીએ તો લાંબો સ્કોર ચેઇઝ કરવાનો હોય તો પહેલા પીચ પર ટકી રહેવાની સલાહ અપાય છે પછી પાર્ટનરશીપ બિલ્ડ કરવા જણાવાય છે અને ત્યારબાદ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી શકાય છે, રાજકારણમાં પણ આ જ લાગુ પડે કે જયારે તમે સૌ ચીકણી પીચ પર હો અને સામે ભાજપ જેવી ટીમ જેની પાસે બોલર અને ફિલ્ડરમાં વૈવિધ્યતા છે તેની સામે સ્કોર કરવાનો હોય... ગઇકાલે દિલ્હીમાં મળેલી ત્રીજા મોરચાની બેઠકમાં એમ કહેવાની પણ હિંમત નથી કે અમે મોદી સામે લડવા આવ્યા છીએ

* પ્રશ્ન એ છે કે તેઓ દેશ સામે કયો ચહેરો રજુ કરશે ? શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી કે નવીન પટનાયક આ તમામ પ્રાદેશિક નેતાઓ તરીકે મજબુત છે પરંતુ રાષ્ટ્રીય સ્તરની વાત આવે તો રાહુલ ગાંધી પણ દેશને સ્વીકાર્ય બને નહીં સૌપ્રથમ તો નરેન્દ્ર મોદી જેવો ચહેરો જોશે અનેે ભાજપ જેવું સંગઠન જોશે, કેડર, ફોલોઅર્સની કતાર જોશે જે મતદારને ખેંચી લાવે આ પ્રકારના ત્રીજા મોરચો દેશના રાજકારણને વધુ હાસ્યાસ્પદ બનાવે તેનાથી કશું વિશેષ નથી

* ભુતકાળમાં ચૌધરી ચરણસિંહથી લઇ ચંદ્રશેખર અને દેવગોડાથી લઇ આઇ.કે.ગુજરાલ જેવા ત્રીજા મોરચાના વડાપ્રધાનો જોયા છે તેમાં કોંગ્રેસ બહારથી લઇને ટેકો આપતી હતી વર્તમાન રાજકારણમાં બહુ ફેર પડયો નથી, કોંગ્રેસની સાથે હવે ભાજપ પણ ઉમેરાયું છે આ બંને પક્ષ વગર તમે કોઇપણ મોરચો ટકાવી શકાય નહી તે નિશ્ચિત છે અને જો બંનેની સુગ હોય તો બહેતર છે આ નેતાઓ પોતાના રાજયો સાચવે... ફકત પ્રશાંત કિશોર અનેક ચૂંટણીમાં સફળ થયા છે તેથી રાષ્ટ્રીય સ્તરે મોદી કે ભાજપ સામે સફળ થશે તે માની લેવું ભુલ ભરેલું છે

જયારે પણ એકથી વધુ રાજકીય પક્ષો ચૂંટણી વ્યુહ રચના નિશ્ચિંત કરવા માટે એકત્ર થાય છે તે સમયે અટકળો માટે અનેક તક હોય છે અને હાલમાં જ પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુમાં ચૂંટણી જીતવાના વ્યુહ સફળતાપૂર્વક અમલમાં મુકનાર પ્રશાંત કિશોર જે રીતે 2024 માટેનો કોઇ ચિત્ર બનાવવા માટે સક્રિય બન્યા છે તો અટકળોનો દૌર વધ્યો છે અને તેમાં એનસીપીના વડા તથા રાષ્ટ્રીય નેતાનું બિરૂદ સાચવવામાં સફળ રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર પણ જોડાયા છે. અને ગઇકાલે જ પવારના નિવાસસ્થાને મળેલી બેઠકમાં જોકે કોઇ એ કહેવાની હિંમત ન કરી કે 2024માં તેઓ ભાજપ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ત્રીજો મોરચો રચવા જઇ રહ્યા છે પરંતુ તેને રાષ્ટ્રીય મંચનું ઉછીનું લીધેલુ નામ આપવામાં આવ્યું અને તેમાં એકત્ર થયેલા લોકો રાષ્ટ્રીય પ્રશ્ન ઉઠાવશે તે નિશ્ચિત થયું ક્રિકેટની સ્ટેટેજીમાં જોઇએ તો જયારે મોટો સ્કોર ચેઇઝ કરવાનો હોય તો પહેલા પાર્ટનરશીપ બીલ્ડ કરવી પડે છે.

પીચ ઉપર ટકી રહેવાનું શીખવું પડે છે અને પછી ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવવાની હોય છે અને તે પણ વિકેટ સાચવીને કદાચ આ ત્રીજા મોરચાના નેતાઓ હાલ આ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું તેઓ પાર્ટનરશીપ બિલ્ડ કરી શકશે. ભુતકાળના અનુભવ જોતા તેમાં કદાચ સંજોગોના કારણે એકત્ર થયા હોય અને થોડો સમય સાથે શાસન ચલાવ્યું હોય તેવા અનેક કિસ્સા છે ચૌધરી ચરણસિંહથી લઇ ચંદ્રશેખર અને દેવેગોડાથી લઇ આઇ.કે.ગુજરાલ આ બધા એવા વડાપ્રધાન હતા કે જેમના પોતાના પક્ષમાં 40થી વધુ બેઠકો ન હતી છતાં તેઓ દેશની વડાપ્રધાનની યાદીમાં સ્થાન પામી ગયા અને કદાચ ત્રીજો મોરચો ફરી એક વખત આવી જ એક યાદી બનાવવા માંગતો હોય તેવું મનાય છે. પરંતુ આ મોરચામાં અલગ વાત એ છે કે પ્રશાંત કિશોર તેના રણનીતિકાર છે. 2014માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી રાષ્ટ્રીય ચૂંટણી પૂર્વે તેમને પ્રશાંત કિશોરને મલ્ટીનેશનલ કંપનીના બોર્ડમાંથી ગોતી લીધા અને આજે તે ઘર ઘરમાં જાણીતું નામ થઇ ગયું છે.

જયારે જયારે મોદીની સફળતાનો ઉલ્લેખ થાય છે તો તેમાં પ્રારંભ તો પ્રશાંત કિશોરથી જ થાય તેવી વાસ્તવિકતા છે અને તેના ખિસ્સામાં અનેક વિજયો પણ છે જેની યાદી કરવા જાય તો લાંબી થાય ફકત ભાજપ જ નહીં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે અને છેલ્લે તૃણમૂલ આ તમામ પક્ષોને વિજય માટે કામ કર્યુ છે તેનો ઇન્કાર થઇ શકે નહીં પરંતુ જયારે જયારે તેમને આ કામગીરી સંભાળી તો તેની પાછળ લોકપ્રિય નેતૃત્વ અને કાર્યકર્તાઓની કેડર અથવા તો અરવિંદ કેજરીવાલ જેવા લોકનેતા હતા. પણ ત્રીજા મોરચામાં જે કંઇ ગઇકાલે એકત્ર થયા તે ભુતકાળમાં ફુટી ગયેલી કારતુસ જેવા છે અને હવે પ્રશાંત કિશોરે નવો દારૂગોળો ભરીને ફાયરીંગને લાયક બનાવવાનું છે.ભાજપ વાયા 2022થી 2024ની ચૂંટણી જીતવા માટે સક્રિય બની ગયું છે. કોંગ્રેસ હજુ 2019માંથી બહાર આવી શકી નથી અને પ્રાદેશિક પક્ષોએ મોદી બ્રાન્ડનો સફળતાપૂર્વક સામનો કર્યો છે તે પણ વાસ્તવિકતા છે.

મહારાષ્ટ્ર જેવા રાજયોમાં શરદ પવારએ શિવસેનાને સાથે લઇને જે રીતે સરકાર બનાવી તે કેટલો સમય ટકી રહેશે તે પ્રશ્ન છે. સામાન્ય રીતે વિરોધાભાસી કરતા પણ જેનો દરેકનો ટાર્ગેટ વડાપ્રધાન પદ હોય તે લાંબો સમય ટકી શકતા નથી. તે ભૂતકાળ ભારતના ત્રીજા મોરચાનો છે અને બીજુ મહત્વનું એ છે કે કોંગ્રેસ અથવા તો ભાજપના ટેકા વગર ત્રીજો મોરચો શકય જ નથી. પછી તે બહારથી ટેકો હોય કે આ પ્રકારના મોરચાના ભાગ હોય પણ આ ત્રીજો મોરચો નોન બીજેપી, નોન કોંગ્રેસ હોવાનો દાવો થાય છે. પણ તેમની પાસે વી.પી.સિંઘ કે અટલ બિહારી બાજપેઇ જેવી નેતા નથી કે બધાને સાથે રાખી શકે. આ સ્થિતિમાં ત્રીજો મોરચો કયાં સુધી આગળ વધશે તે પણ પ્રશ્ન છે. જે કંઇ ત્રીજા મોરચાના પક્ષો છે તેમાં મોટા ભાગના કોંગ્રેસથી અલગ થયેલા નેતાઓ છે. શરદ પવારે સોનીયાના વિદેશી કુળને આગળ ધરીને કોંગ્રેસ છોડી અને હવે તેઓ ઇચ્છે છે કે કોંગ્રેસ તેમને ટેકો આપે.

મમતા બેનર્જીએ પણ કોંગ્રેસને અલવિદા કહી હતી. કેજરીવાલ એવા નેતા છે કે ખુદ કોઇ કુટુંબ કે રાજકીય વારસા વગર જ આગળ આવ્યા છે પણ તેઓએ જયારે એકલા હાથે પંજાબ કે અન્ય રાજયો પર કબ્જો જમાવવાની કોશીશ કરી તો તેઓ નિષ્ફળ રહ્યા છે તે ઇતિહાસ છે અને દિલ્હીની બહાર તેઓએ કદાચ હવે ગુજરાતમાં ગંભીર રીતે આગળ વધી રહ્યા છે તેઓ સંકેત છે. પણ સફળતામાં હજુ ઘણા જોજન દુર છે, પ્રશ્ન એ છે કે આ તમામ વચ્ચે ચહેરો કોણ છે કે જે જનતા સામે જઇ શકે. અને બીજું આશ્ચર્ય એ છે કે આ બેઠકમાં હાજર રહેલા અનેકને ભુતકાળમાં એક યા બીજા પક્ષ સાથે હનીમુન હતું જ અને તેઓ ફરી કોઇ નવી ભૂમિ તલાસી રહ્યા છે. હાલમાં જ ઓડિસાના મુખ્યમંત્રી નવિન પટનાયકે જયારે વેકસીન મુદે તમામ રાજયોને ખાસ કરીને વિપક્ષના શાસનના રાજયોને એક મંચ પર આવવાનું કહ્યું તો તેના પડઘા પડયા હતા તો થોડા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વન નેશન વન વેકસીન પોલીસી જાહેર કરવાની ફરજ પડી,

નવીન પટનાયક એવા ચહેરા છે કે જેને હજુ છંછેડવાનું સાહસ ભાજપે કર્યુ નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં પણ ત્રીજા મોરચાના નેતાઓએ પટનાયકનું નેતૃત્વ સ્વીકાર્ય હોય કે પછી ખુદ પટનાયક અત્યાર સુધી રાષ્ટ્રીય મંચથી દુર રહ્યા છે અને ગમે તે સરકાર તેની સાથે સારા સંબંધો રાખવામાં સફળ રહ્યા છે શું તે પોતાનું રાજય છોડવાનું પસંદ કરશે ? જોકે આ પ્રકારની ત્રીજા ચોથા મોરચાની સરકાર અથવા ગઠબંધન ફકત ભારતમાં જ નથી વિશ્વના અનેક દેશોમાં અનેક વિરોધીઓ ભેગા થાય છે અને સતા માટે તેઓ એકત્ર થતા હોય કે દેશ માટે એકત્ર થતા હોય પણ શાસનમાં આવે છે તેવું હાલમાં જ છેલ્લુ દ્રષ્ટાંત ઇઝરાયલમાં જોયુ જયાં એક મતની બહુમતીથી સરકાર બની શકે છે. ભારતમાં તે એક મતથી તુટી પણ શકે છે. તે આપણે જોયું છે. ત્રીજા મોરચામાં એક જ નવું ફેકટર છે અને તે પ્રશાંત કિશોર શું તેની રાજકીય મહત્વકાંક્ષા વધી છે. સમયે જ જવાબ આપશે.

Advertisement