પરમ સુખદાતા-સદાશિવ આપને વંદન


Advertisement

હે પરમેશ્ર્વર આપ પંચમહાભૂતોમાં વ્યાપ્ત છો. એવું એક પણ તત્વ નથી જેમાં આપ વ્યાપ્ત નથી. એવા હે સર્વવ્યાપી સર્વેશ્ર્વર આપને વંદન વારંવાર.
હે પિનાક ધનુષ્યને ધારણ કરનારા પિનાકપાણી, તત્ક્ષણ તણખલાની જેમ કામદેવને બાળીને ભસ્મ કરનાર તરણેશ્ર્વર, ભીમાશંકર ભોળે બાબા નમસ્કાર.
હે ગિરજાપતિ, ગૌરીશંકર, ગીરિશ માતા પાર્વતીને અડધા શરીરમાં ધારણ કરનાર, ધરણીધર અર્ધનારેશ્ર્વર આપને નમસ્કાર-નમસ્કાર.
ભવ, રૂદ્ર, શવ, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ અને ઇશાન એવા અનહદ આનંદને અર્પનારા, આપના આઠ અજોઠ નામ છે. એ નામના સ્મરણ માત્રથી સર્વ સંકટો સમી જાય છે. એવા હે સંકટમોચન, સિધ્ધેશ્ર્વર આપને નમસ્કાર.
હે કપાલી રોહીણીરૂપે રહેલી પોતાની પુત્રી સાથે રમણ કરવાની કામના કરનાર બ્રહ્માજીનું મસ્તક કાપી, કરમા ધારણ કરનાર, કાળના કાળ મહાકાલ આપને નમસ્કાર.
પાપીઓને રડાવનાર દિન-દુ:ખી માટે રડનાર હે રૂદ્ર આપને વંદન વારંવાર.
સર્વ પદાર્થ અને સત્વગુણ જેમાંથી ઉત્પન્ન થઇ, પ્રકાશિત થાય છે તથા અંતમાં એમાં જ ભળે છે એવા કર્પુરગોર આપને વંદન.
પ્રલય પછી આપનાથી અતિરિકત કોઇ રહેતું નથી, સમસ્ત બ્રહ્માંડ સ્મશાનવત થઇ જાય છે, એ સ્મશાનની ભસ્મનું લેપન કરનાર, ભસ્મધારી ભોળાનાથને નમસ્કાર.
ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર ત્રિકાળેશ્ર્વર આપને વંદન વારંવાર. પશુઓને પણ પોતાના ગણી જ્ઞાન અર્પનાર પશુપતિનાથને નમસ્કાર, મૃત્યુથી પર એવા મૃત્યુંજય આપને વંદન મહિષાસુરના પુત્ર ગજાસુરની પ્રાર્થના સાંભળી તેના શરીરનું ચામડુ ધારણ કરનાર કૃતિવાસા આપને નમસ્કાર.
હે મહિમાના મધુવનથી સદા મહેકતા મહેશ્ર્વર શ્રાવણ મહિનામાં આપના સાંનિધ્યમાં રહેનારને અજબ સુખ, શાતા, અર્પતા, એમના અનેક મનોરથો પૂર્ણ કરતા પરમ સુખદાતા સદાશિવ આપના ચરણમાં શરણ લઇ વારંવાર વંદન કરૂં છું.
- ઘનશ્યામભાઇ ઠકકર (ગાયત્રી ઉપાસક) રાજકોટ

Advertisement
Advertisement