બોથમ, રીચાર્ડસ અને ગાર્નર એક ટીમમાં ?

27 January, 2024 11:06 AM
રંકથી રાજાની સફર !

1973માં ઇંગ્લીશ કાઉન્ટી કલબ સમરસેટ કાઉન્ટી ક્રિકેટના વાઇસ ચેરમેન લેન ક્રીક એક ક્રિકેટ ટીમ સાથે કેરેબીયન ટાપુઓ પર ક્રિકેટ ટુર માટે ગયા હતા. તેઓ જયારે એન્ટીગુઆ પહોંચ્યા ત્યારે તેમના મનમાં વિચાર હતો એક યુવા ફીયરલેસ બેટસમેનને મળવાનો ભુતપૂર્વ ઇંગ્લેન્ડ કેપ્ટન કોલીન કાઉડ્રીએ આ ક્રિકેટરના ખુબ જ વખાણ કર્યા હતા. આ પ્રતિભાવંત સ્ફોટક બેટસમેન એટલે વીવીયન રીચાર્ડસ. વાઇસ ચેરમેન લેન ક્રીક તેમને મળ્યા અને ઇંગ્લેન્ડના સમર ક્રિકેટ સીઝન માટે રમવા રિચાર્ડસને મનાવી લીધા

આ સમયે હજુ વીવ રીચાર્ડસ તેમના દેશની ટીમ વેસ્ટ ઇન્ડીઝે માટે પણ રમ્યા નહોતા. સમરસેટ ઇંગ્લેન્ડ કાઉન્ટીમાં રમવા માટે રીચાર્ડસને લોકલ ક્રિકેટ રમી તેમની યોગ્યતા સિધ્ધ કરવી પડે તેવો કાઉન્ટીનો નિયમ હતો. આ રીતે એક માઇનર કલબમા, લેન્ડસડાઉન માટે રમવા સૌપ્રથમ વખત રીચાર્ડસ 1973માં ઉતર્યા. આ સિઝનમાં વીવ રીચાર્ડસ ‘લેન્ડસડાઉન ક્રિકેટ કલબ’માં આસીસ્ટન્ટ ગ્રાઉન્ડસમેનની નોકરી પણ કરતા હતા અને એમનો પગાર હતો રોજનો એક પાઉન્ડ, માન્યામાં આવે છે ?

જોકે એક જ વર્ષમાં વીવ રીચાર્ડસ પોતાના દેશ માટે પણ રમ્યા અને સમરસેટ કાઉન્ટી માટે પણ દુનિયાભરના બોલર્સને જેની ખરેખર બીક લાગતી તેવા ધુરંધર બેટસમેન વીવરીચાર્ડસની કીંગ રીચાર્ડસ બનવા તરફનું પ્રમાણ બહુ  જલ્દી શરૂ થઇ ગયું હતું. 1974થી છેક 1986 સુધી વીવરીચાર્ડસ સમરસેટ કાઉન્ટી માટે રમતા રહ્યા. આ 13 વર્ષ દરમ્યાન રીચાર્ડસે પ8 સેન્ચુરી સાથે લગભગ સાડા ચૌદ હજાર ફર્સ્ટ કલાસ રન અને સાડા સાત હજાર વન ડે રન્સ સમરસેટ માટે બનાવ્યા. કેટલીય વન ડે અને કાઉન્ટી ચેમ્પીયનશીપ જીતવામાં આ ટીમ માટે તેમણે સિંહ ફાળો આપેલો છે. 

વળી આ જ ટીમમાં ઈંગ્લેન્ડના સફળ ઓલરાઉન્ડર ઇયાન બોથમ અને ખુંખાર વેસ્ટ ઇન્ડીયન ફાસ્ટ બોલર જોએલ ગાર્નર પણ રમતા. વિચાર કરો જે કાઉન્ટી ટીમમાં આવા ત્રણ ખેલાડી રમતા હોય એ ટીમ સામે રમતા કઇ ટીમને ડર ન લાગે ? ઇયાન બોથમ તો વીવ રીચાર્ડસના ખાસ મિત્ર પણ હતા. મેદાન બહાર આ બંને ખેલાડીઓ સાથે જ જોવા મળે. પણ દરેક સારી વસ્તુનો કયારેક તો અંત આવે જ છે. 1986માં કાઉન્ટી ચેમ્પિયનશીપમાં સમરસેટનું પ્રદર્શન ખુબ જ નિરાશાજનક રહ્યું. રીચાર્ડસ પણ અને ગાર્નર પણ પોતાના દમથી ટીમને મેચ જીતાડી શકતા ન હતા. બોથમ પ્રતિબંધિત પદાર્થના સેવન માટે બે મહિનાનું સસ્પેન્શન ભોગવી રહ્યા હતા.

આવી બધી બાબતોથી સમરસેટ કાઉન્ટીના પદાધિકારીઓ મુંઝાઇ ગયા અને નિરાશ થઇ ગયા. તાત્કાલીક બોલાવામાં આવેલી એકઝીયુકટીવ કમીટીએ નિર્ણય લીધો કે રીચાર્ડસ અને ગાર્નરને પડતા મુકવામાં આવે. જે બે પ્રોફેશનલ ખેલાડીઓ કલબના હિરો હતા તેમને પાછલે બારણેથી ચાલુ સીઝને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણયથી નાખુશ અને ગુસ્સે થયેલા ઇયાન બોથમે પણ સમરસેટ કાઉન્ટી સાથે છેડો ફાડી નાખ્યો.

અને હવે આવે છે આ લેખનો સૌથી મોટો નાટકીય વળાંક તાજેતરમાં જ ઓસ્ટ્રેલીયન ખેલાડી ડેવીડ વોર્નર એક બીગબેશની મેચ રમવા હેલીકોપ્ટરથી મેદાન પર ઉતર્યા હતા. જેણે ઘણુ આકર્ષણ જમાવેલું. 1986માં સમરસેટ કાઉન્ટીમાંથી પડતા મુકાયેલા કિંગ વીવ રીચાર્ડસે લેંકેશાયર લીગની એક સાવ નાના ગામની ટીમ ‘રીરટન ક્રિકેટ કલબ’ માટે રમવાનું નકકી કર્યુ. ફકત 7000 લોકોની વસતિ ધરાવતા આ ગામની સાવ નાની કલબ માટે કિંગ રમવા આવે એ બહુ મોટી વાત હતી. ઇંગ્લીશ મીડીયાએ પણ સમરસેટના રીચાર્ડસને ઘરભેગા કરવાના નિર્ણયને ખુબ ચગાવ્યો હતો. 1986-87ના વર્ષનો ક્રિકેટ જગતનો એ સૌથી મોટો વિવાદ બની ગયો હતો. આવા બધા હાઇપ વચ્ચે જાયન્ટ મીડીયા હાઉસ ‘સન ન્યુઝપેપર’ આમાં કુદી પડયું.

અને બધાના આશ્ર્ચર્ય વચ્ચે રીરટન કલબ માટે વીવરીચાર્ડસ હેલીકોપ્ટર મારફત રમવા પહોંચ્યા જે સન ન્યુઝપેપરે આયોજીત કરેલુું મેચ શરૂ થવાના ફકત અડધો કલાક પહેલા નાનકડા ગામમાં જયારે એક ચોપર ઉડતુ ઉડતુ આવીને મેદાન ઉપર પીચની બાજુમાં ઉતર્યુ ત્યારે લોકો જોતા જ રહી ગયા. એ હેલીકોપ્ટરમાંથી વીવ રીચાર્ડસ ઉતર્યા અને પુરેપુરા પ્રેક્ષકોથી ભરેલા મેદાનમાં આવ્યા તો જાણે કોઇ ફિલ્મી દ્રશ્ય જેવું વાતવરણ સર્જાઇ ગયું. રીચાર્ડસે પણ એ મેચમાં ફટકાબાજી કરી લોકલ દર્શકોને ખુશ કરી દીધા. મેચ પણ જીતી ગયા.
આજથી 3પ-40 વર્ષ પહેલા કોઇ ખેલાડી હેલીકોપ્ટર દ્વારા મેદાન પર ઉતરે એ કલ્પના કરવી પણ મુશ્કેલ લાગે પણ કીંગ રીચાર્ડસે આ કરેલું છે. જેટલો નાટયાત્મક અને આશ્ર્ચર્યચકિત કરે તેવો તેમનો સમરસેટ માટેનો ક્રિકેટ પ્રવેશ હતો એનાથી પણ વધુ ગ્રાન્ડ અને વૈભવી એમની વિદાય હતી જે એક હેલીકોપ્ટર રાઇડ દ્વારા પ્રદર્શિત થઇ હતી.

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj