ચૂંટણી પછી પણ લોકતંત્રએ અગ્નિપરીક્ષા આપવાની ?!?

21 February, 2024 10:48 AM
◙ જો લોકતંત્રની પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવે તો સમગ્ર લોકતંત્ર જોખમમાં મુકાઇ જાય આ કોઇ વિપક્ષોની બુમરાણની વાત નથી. ભુતકાળમાં તેઓએ પણ આ જ પ્રમાણે કે અલગ રીતે છેડછાડ કરી હતી અને તક મળે તો કરશે, પણ સાચી ચિંતા દેશના નાગરિકોની છે જે પોતે મત આપે છે તે ખરેખર છેલ્લે કયાં જશે તે સસ્પેન્સ રહે છે

◙ દેશની એક મહાનગરપાલિકાના મેયરની ચૂંટણી માટે સુપ્રિમ કોર્ટમાં મત ગણતરી કરવી પડે તે દર્શાવે છે કે આપણી લોકતંત્ર પ્રત્યેની આસ્થા અને નૈતિકતા કેટલી નીચે ચાલી ગઇ છે હજુ હમણા જ ચૂંટણી બોન્ડ મુદ્દે પણ સુપ્રિમ કોર્ટે જે ટીપ્પણી અને મંતવ્યો વ્યકત કર્યા તે ચૂંટણીના રાજકારણ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે ચિંતા કરનારા હતા હવે ચૂંટણી પછી પણ લોકતંત્ર સાથે કેવી છેડછાડ થઇ શકે છે તે ચંદીગઢે પુરવાર કર્યુ છે 

 

◙ ગઇકાલે સુપ્રિમ કોર્ટમાં જે કંઇ બન્યુ તેમાં સૌથી મહત્વનું એ છે કે આ ચુકાદા પછી પણ પરિસ્થિતિમાં કોઇ સુધારો થશે કે ફરી આજથી સતાના ખેલ શરૂ થઇ જશે તે પ્રશ્ર્ન છે.  લોકશાહીઢબે ચૂંટાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઇ સરકારો એ લોકતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી જ આપણે જયારે આઝાદી અમૃતકાળને આગળ વધારી રહ્યા છે ત્યારે લોકતંત્રએ આપણા સેન્ટર સ્ટેજમાં હોવું જોઇએ આપણે કંઇ પાકિસ્તાન જેવા કે કોઇ આફ્રિકન દેશ જેવા બનાના રીપબ્લીક નથી કે જયાં જેની લાઠી તેની ભેંસ તેવા વ્યવહારો થતા હોય આથી ગઇકાલના ચુકાદાને ફકત ચંદીગઢ જ નહીં સમગ્ર દેશ માટે એક અરીસો બની રહેવો જોઇએ 

 

◙ હજુ થોડા દિવસ પહેલા ચૂંટણી બોન્ડ મુદ્દે સુપ્રિમ કોર્ટે આપેલો ચુકાદો તમામ રાજકીય પક્ષો માટે પણ એક સંદેશ બની રહેવો જોઇએ. ફકત શાસક પક્ષ જ નહીં વિપક્ષો પણ ચૂંટણી બોન્ડના લાભાર્થી બન્યા છે. ભલે પછી તેનો વિરોધ કરતા રહ્યા હોય જયારે હવે સુપ્રિમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય ગણાવ્યા તો સૌ વિપક્ષો સરકાર પર તુટી પડયા અને અમે તો કહેતા હતા તેવું જણાવીને નિવેદનો કર્યા હજુ સાચી પરિસ્થિતિ ત્યારે બહાર આવશે કે જયારે સુપ્રિમ કોર્ટના ચુકાદાના પગલે અત્યાર સુધીમાં કયાં કોર્પોરેટ ગૃહ કે વ્યકિત અથવા સંસ્થા તરફથી ચૂંટણી બોન્ડના મારફત કયા પક્ષને કેટલી રકમનું ભંડોળ આવ્યું છે તે ખુલ્લુ થશે. ચૂંટણી પંચે તો તે જાહેર કરવાની તૈયાર બતાવી છે પણ શર્ત એ છે કે શું તેને આ માહિતી મળશે! 

 

◙ સૌથી મોટું ધ્યાન ખેંચનારૂ એ રહ્યું કે મેયરની પ્રથમ ચૂંટણી બાદ અભિનંદન આપવામાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખથી લઇ  પક્ષના નેતાઓએ ટવીટની હારમાળા સર્જી હતી. જયારે બીજી તરફ ગઇકાલે સુપ્રિમ કોર્ટમાં ખુદ દેશના એટર્ની જનરલ  મૌજુદ હતા. આમ સમગ્ર પ્રકરણ એક પૂર્વ નિશ્ર્ચિત યોજના હતું તે દર્શાવી જાય છે.

એક સપ્તાહમાં બે ચુકાદા અને બંને લગભગ લોકતંત્ર માટે ચિંતા કરનારા ગઇકાલે સર્વોચ્ચ અદાલતે ચંદીગઢના મેયરની ચૂંટણીમાં જે રીતે મતોની હેરાફેરી કરવાનો પ્રયત્ન થયો તેના કરતા પણ એમ લખી શકાય કે હેરાફેરી થઇ તેને નાકામિયાબ કરીને લોકશાહી માર્ગે જે રીતે નવા પદાધિકારીની ચૂંટણી થવી જોઇતી હતી તેને શકય તો બનાવ્યું પણ શું  ચંદીગઢની મેયરની ચૂંટણીમાં જે કંઇ બન્યું તે ભવિષ્યનું ટ્રેલર છે કે આપણા માટે બોધપાઠ તે નકકી કરવાનો સમય આવી ગયો છે. દેશના એક મેટ્રો સીટીના મેયરની ચૂંટણીમાં પણ છેક સુપ્રિમ કોર્ટમાં મત ગણતરી કરવી પડે તે કદાચ  સૌથી મોટી ચિંતા કરનારી બાબત છે પરંતુ આપણે તેનાથી વધુ વરવા દ્રશ્યો જોઇ ચુકયા છીએ જયારે વિધાનસભાના  ફલોર પર બહુમતીના બદલે રાજભવન કે રીસોર્ટ સુધી માથા ગણતરી થતી હોય તેના આધારે સતાના સમીકરણો સર્જાતા હોય આ દ્રશ્યો આપણા માટે નવા રહ્યા નથી પરંતુ ગઇકાલે સુપ્રિમ કોર્ટમાં જે કંઇ બન્યુ તેમાં સૌથી મહત્વનું એ છે કે આ ચુકાદા પછી પણ પરિસ્થિતિમાં કોઇ સુધારો થશે કે ફરી આજથી સતાના ખેલ શરૂ થઇ જશે તે પ્રશ્ન છે. 

લોકશાહીઢબે ચૂંટાયેલી સ્થાનિક સ્વરાજથી લઇ સરકારો એ લોકતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી જ આપણે જયારે આઝાદી અમૃતકાળને આગળ વધારી રહ્યા છે ત્યારે લોકતંત્રએ આપણા સેન્ટર સ્ટેજમાં હોવું જોઇએ આપણે કંઇ પાકિસ્તાન જેવા કે કોઇ આફ્રિકન દેશ જેવા બનાના રીપબ્લીક નથી કે જયાં જેની લાઠી તેની ભેંસ તેવા વ્યવહારો થતા હોય આથી ગઇકાલના ચુકાદાને ફકત ચંદીગઢ જ નહીં સમગ્ર દેશ માટે એક અરીસો બની રહેવો જોઇએ જેથી આપણે  હવે થોડા દિવસોમાં લોકશાહીના સૌથી મોટા પર્વ તરીકે ઓળખાતી સંસદીય ચૂંટણીમાં મતદાન માટે જઇ રહ્યા છીએ ત્યારે આશા રાખીએ છીએ કે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે નહીં 2047માં ભારત એક વિકસીત જ નહીં પરંતુ લોકશાહી રીતે પણ વિશ્વના સૌથી મજબુત રાષ્ટ્ર તરીકે સ્થાન મેળવે તો તે સ્થાન અસ્થાને નથી આઝાદી બાદ લોકશાહીનું જે રીતે જતન કર્યુ છે તે વિશ્વમાં એક દ્રષ્ટાંતરૂપ છે અને આ દ્રષ્ટાંત કાયમી રહેવું જોઇએ.

હજુ થોડા દિવસ પહેલા ચૂંટણી બોન્ડ મુદ્દે સુપ્રિમ કોર્ટે આપેલો ચુકાદો તમામ રાજકીય પક્ષો માટે પણ એક સંદેશ બની રહેવો જોઇએ. ફકત શાસક પક્ષ જ નહીં વિપક્ષો પણ ચૂંટણી બોન્ડના લાભાર્થી બન્યા છે. ભલે પછી તેનો વિરોધ કરતા રહ્યા હોય જયારે હવે સુપ્રિમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય ગણાવ્યા તો સૌ વિપક્ષો સરકાર પર તુટી પડયા અને અમે તો કહેતા હતા તેવું જણાવીને નિવેદનો કર્યા હજુ સાચી પરિસ્થિતિ ત્યારે બહાર આવશે કે જયારે સુપ્રિમ કોર્ટના ચુકાદાના પગલે અત્યાર સુધીમાં કયાં કોર્પોરેટ ગૃહ કે વ્યકિત અથવા સંસ્થા તરફથી ચૂંટણી બોન્ડના મારફત કયા પક્ષને કેટલી રકમનું ભંડોળ આવ્યું છે તે ખુલ્લુ થશે.

ચૂંટણી પંચે તો તે જાહેર કરવાની તૈયાર બતાવી છે પણ શર્ત એ છે કે શું તેને આ માહિતી મળશે! સૌની નજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા તરફ છે આ બોન્ડની સોલ સેલર બેન્ક છે સરકારે હજુ મૌન ધારણ કર્યુ છે. પરંતુ સ્ટેટ બેંક કદાચ બેન્કીંગ રેગ્યુલેશન એકટનો સહારો લઇને આ માહિતી જાહેર કરી ન શકાય તેવું જણાવીને કમ સે કમ ચૂંટણી સુધી આ મુદો પાછો ઠેલે ત્યારબાદ તો ભાગ્યે જ તેમાં કોઇને રસ રહ્યો હશે પરંતુ મહત્વનું પ્રશ્ન એ છે કે ચૂંટણીમાં જે કાળા નાણા છે અને તેના સર્જન માટે ભ્રષ્ટાચાર થાય છે તે મુળ મુદો છે. ચૂંટણી બોન્ડ આજે હતા અને કાલે નહીં હોય તેનાથી રાજકીય ભંડોળમાં કે ચૂંટણીમાં કાળા નાણાના વર્ચસ્વમાં ભાગ્યે જ કોઇ ફેર પડવાનો છે અને તેથી રીઝર્વ બેંકે ફકત એક ઇન્સ્ટ્રુમેન્ટને રદ કર્યુ છે. મુળ સમસ્યા ચૂંટણી લડવા માટે થતા ભ્રષ્ટાચાર અને તે માટે સર્જાતા કાળા નાણા આ તમામ બાબતોના પ્રશ્નોનો જવાબ મેળવવા દસકાઓથી કવાયત ચાલે છે પરંતુ ભાગ્યે જ તેમાં કોઇને ઉકેલ મળ્યો છે રાજકીય પક્ષો અને નેતાઓ પાસેથી અપેક્ષા રાખી શકાય નહીં કારણ કે આ ભ્રષ્ટાચાર અને કાળા નાણાના સૌથી મોટા લાભાર્થી તે જ છે આ લાભ મેળવીને પછી તેઓ સતાનો લાભ મેળવે છે. 

તેઓ પોતે ભ્રષ્ટાચાર કરીને ફરી કાળા નાણાનું સર્જન કરે છે આમ ચૂંટણી એ કાળા નાણાના સર્જન અને ભ્રષ્ટાચારનું એક વિષચક્ર બની ગયું છે અને તે તોડવાના બહાને જે ચૂંટણી બોન્ડ લેવાયા તે પણ તેનું જ એક કાનુની સ્વરૂપ હતું ચૂંટણી બોન્ડની વિદાય પર રોવાનો કોઇ સવાલ નથી. સાચા આંસુ લોકતંત્ર માટે પડવા જોઇએ. 

ફરી ચંદીગઢના મુદા પર આવીએ તો દિલ્હીની માફક આ મહાનગરમાં પણ મેયરની ચૂંટણીમાં વિપક્ષોએ બહુમતી  મેળવી પછી આ દ્રશ્યો સર્જાશે તેવી અપેક્ષા હતી. ભુતકાળમાં દિલ્હીમાં થઇ ચુકયું છે અને દેશના પાટનગર જ એક મોડલ પુરૂ પાડયું તે ચંદીગઢમાં આગળ વધારાયું સૌથી મહત્વની બાબત એ છે કે જયારે ચૂંટણી અધિકારી ખુદ પક્ષીય લેબલ ધરાવતા હોય અને હવે જયારે વફાદારી એક માત્ર માપદંડ ગણાતી હોય તો નૈતિકતાને કોઇ સ્થાન રહેતું જ નથી અને ચંદીગઢમાં તે જ થયું. સૌથી મોટી બાબત એ હતી કે મેયરની ચૂંટણીમાં મતોની ઘાલમેલ બાદ જે રીતે રીતે ભાજના મેયર ચૂંટાણા તેને અભિનંદન આપવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાથી લઇ પક્ષના દરેક નેતાએ  ટવીટ કર્યા.

સૌ જાણતા હતા કે ધાંધલીથી મેયર ચૂંટાણા છે મતો રદ કરવામાં ચૂંટણી અધિકારી કે જે ભાજપના સભ્ય હતા તેને ‘આદેશ મુજબ’ કામ કર્યુ અને લોકતંત્રની હાંસી ઉડાવાઇ છે તે પણ જાણતા હતા છતાં પણ કોઇને તેની ચિંતા ન હતી સતા મળી તેનો આનંદ હતો આમ હવે સતા માટે કોઇ પણ સાધન અસ્પૃશ્ય નથી તે સાબિત થઇ ગયું છે. ગઇકાલના ચુકાદા પછી એક પણ ટવીટ થયા નથી કે કોઇએ પણ દિલગીરી વ્યકત કરી નથી જે દર્શાવે છે કે ભવિષ્યમાં આવું નહીં થાય તેની કોઇ ગેરેંટી નથી.

જો લોકતંત્રની પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવે તો સમગ્ર લોકતંત્ર જોખમમાં  મુકાઇ જાય આ કોઇ વિપક્ષોની બુમરાણની વાત નથી. ભુતકાળમાં તેઓએ પણ આ જ પ્રમાણે કે અલગ રીતે છેડછાડ કરી હતી અને તક મળે તો કરશે, પણ સાચી ચિંતા દેશના નાગરિકોની છે જે પોતે મત આપે છે તે ખરેખર છેલ્લે કયાં જશે તે સસ્પેન્સ રહે છે. 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj