હોંગકોંગના સ્ટાર્ટઅપની અનોખી બોટ કરી રહી છે ભારતીય નદીઓની સફાઇ!

23 February, 2024 12:18 PM
♦ જળ પ્રદૂષણ સામે લડવા માટે ક્લિયરબોટ નામના હોંગકોંગ સ્થિત મરીન ટેક્નોલોજી સ્ટાર્ટઅપે સૌર ઊર્જાથી સંચાલિત એક ઓટોમેટિક બોટ બનાવી છે કે જે એક વખતમાં પાણીની સપાટી પરથી 500 કિલો પ્લાસ્ટિક અને અન્ય ભંગાર એકત્ર કરી શકે છે અને નદીઓ અને સમુદ્રને સ્વચ્છ બનાવવાનું કામ કરી શકે છે.

♦ ક્લિયરબોટની ઓટોમેટિક ઇલેક્ટ્રિક બોટ પાણીમાં જાતે જ નેવિગેટ કરીને ફરતી રહે છે. આ બોટ કચરો શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટર વિઝનનો ઉપયોગ કરે છે. આ માટે ઓટોમેટિક બોટમાં સેન્સર, કેમેરા, GPS  અને રોબોટિક આર્મ લગાવવામાં આવ્યા છે કે જે કચરો ઉપાડી શકે છે અને તેને મોટા ડબ્બામાં ભેગો કરી શકે છે. આ બોટ સૌર પેનલ દ્વારા સંચાલિત છે કે જે તેને ઊર્જા-કાર્યક્ષમ અને કાર્બન-ન્યૂટ્રલ બનાવે છે.

 

♦ આ ઓટોમેટીક બોટ એકબીજા સાથે કોમ્યુનિકેટ પણ કરી શકે છે. એટલે કે જો નદી કે સમુદ્રના કોઈ એક ભાગમાં કચરો અત્યંત વધારે હોય અને તે સ્થળે ફકત એક જ ક્લિયરબોટ હાજર હોય તો આ બોટ તેની આસપાસના વિસ્તારોમાં રહેલી બોટને પોતાની પાસે આવીને તેને મદદ કરવાનો સંદેશો પણ મોકલી શકે છે અને ત્યાર બાદ તેઓ ટીમ બનાવી કચરાને ભેગો કરે છે.

પ્રદૂષણના પ્રકારોમાં જળ પ્રદૂષણ મુખ્ય છે. પ્લાસ્ટિકની શોધ બાદ જળ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્ર્વના મોટા ભાગના દેશો જળ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. મહાસાગરોમાં પ્લાસ્ટિકના કચરો ફેલાવનાર દેશોમાં આપણો ભારત દેશ પણ મોખરે છે. ગ્લોબલ ઓશન પોલ્યુશનમાં ભારત લગભગ 13% જેટલો હિસ્સો ધરાવે છે. જેનાથી દરિયાઈ જીવન અને ઇકોસિસ્ટમને તો નુકસાન થાય જ છે પરંતુ સાથે સાથે લાખો લોકો માટે ગંભીર આરોગ્ય અને આર્થિક જોખમો પણ સર્જાય છે કે જેઓ તેમની આજીવિકા માટે નદીઓ અને સમુદ્ર પર નિર્ભર છે. આ અઘરી સમસ્યાનો સામનો કરવા માટે, ક્લિયરબોટ નામના હોંગકોંગ સ્થિત મરીન ટેક્નોલોજી સ્ટાર્ટઅપે સૌર ઊર્જાથી સંચાલિત ઓટોમેટિક બોટ બનાવી છે કે જે એક વખતમાં પાણીની સપાટી પરથી 500 કિલો પ્લાસ્ટિક અને અન્ય ભંગાર એકત્ર કરી શકે છે. અને નદીઓ અને સમુદ્રને સ્વચ્છ બનાવે છે. 

Clearbot ની સ્થાપના વર્ષ 2019માં હોંગકોંગ યુનિવર્સિટીના સ્નાતકો દ્વારા કરવામાં આવી હતી કે જેઓ શરૂઆતમાં ઇન્ડોનેશિયન સર્ફર્સને તેમના પ્રદૂષિત જળમાર્ગોને સાફ કરવામાં મદદ કરવા માંગતા હતા. પરંતુ તેઓને ટૂંક સમયમાં સમજાયું કે દરિયાઈ પ્રદૂષણ એ વૈશ્ર્વિક મુદ્દો છે અને તેને ઉકેલવા માટે કોઈ કારગત ઉપાય નથી. આથી તેમણે પાફરંપરગત રીતે સમુદ્ર કે નદીઓને સાફ કરવા માટે વપરાતી મેન્યુઅલ ડીઝલ બોટને બદલે રિન્યુએબલ એનર્જીથી ચાલતી ઓટોમેટિક માનવ રહિત બોટ બનાવવાનું નક્કી કર્યું. 

ક્લિયરબોટની ઓટોમેટિક ઇલેક્ટ્રિક બોટ પાણીમાં જાતે જ નેવિગેટ કરીને ફરતી રહે છે. આ બોટ કચરો શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટર વિઝનનો ઉપયોગ કરે છે. આ માટે ઓટોમેટિક બોટમાં સેન્સર, કેમેરા, GPS  અને રોબોટિક આર્મ લગાવવામાં આવ્યા છે કે જે કચરો ઉપાડી શકે છે અને તેને મોટા ડબ્બામાં ભેગો કરી શકે છે. આ બોટ સૌર પેનલ દ્વારા સંચાલિત છે કે જે તેને ઊર્જા-કાર્યક્ષમ અને કાર્બન-ન્યૂટ્રલ બનાવે છે.

નવાઈની વાત તો એ છે કે આ ઓટોમેટીક બોટ એકબીજા સાથે કોમ્યુનિકેટ પણ કરી શકે છે અને મોટા વિસ્તારોને આવરી લેવા અને વધુ કચરો એકત્રિત કરવા માટે એક ટીમ પણ બનાવી શકે છે. એટલે કે જો નદી કે સમુદ્રના કોઈ એક ભાગમાં કચરો અત્યંત વધારે હોય અને તે સ્થળે ફકત એક જ ક્લિયરબોટ હાજર હોય તો આ બોટ તેની આસપાસના વિસ્તારોમાં રહેલી બોટને પોતાની પાસે આવીને તેને મદદ કરવાનો સંદેશો પણ મોકલી શકે છે. જે બાદ એકત્ર કરાયેલ કચરાને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવે છે.

હાલમાં ક્લિયરબોટ કંપનીએ પોતાની આવી 13 બોટને હોંગકોંગ અને ભારતમાં વિવિધ જળાશયોમાં તૈનાત કરી છે. આ પ્રોજેકટસમાં દરરોજ 250 કિલો જેટલો કચરો એકત્રિત કરી શકે છે. ભારતમાં આ સ્ટાર્ટઅપે શિલોંગ અને બેંગલુરુ જેવા શહેરોમાં તળાવો અને નદીઓને સાફ કરવા માટે સ્થાનિક સરકારો અને NGO સાથે ભાગીદારી કરી છે. સપ્ટેમ્બર 2020માં, ક્લિયરબોટે શિલોંગમાં એક પાઇલોટ પ્રોજેકટ કર્યો હતો કે જ્યાં તેણે ત્રણ દિવસમાં એક તળાવમાંથી 600થી 700 કિલો કચરો એકત્રિત કર્યો હતો. આ સ્ટાર્ટઅપ આગામી સમયમાં મોટી બોટની નવી જનરેશન પણ તૈયાર કરવાની યોજના ધરાવે છે કે જે એકવખતમાં નદી કે સમુદ્રમાંથી 500 કિલો કચરો એકત્રિત કરી શકે છે.

ક્લિયરબોટની હાઈલી એડવાંન્સ ટેકનોલોજીમાં સમુદ્રના પ્રદૂષણ સામેની લડાઈમાં નોંધપાત્ર અસર કરવાની ક્ષમતા છે. સૌર ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને આ સ્ટાર્ટઅપ માત્ર દરિયાઈ પ્રદૂષણને જ ઘટાડી રહ્યું નથી, પરંતુ સાથે સાથે કચરાના રિસાયકલિંગને પણ પ્રોત્સાહન આપે છે. ક્લિયરબોટ પોતાની કામગીરીને અન્ય દેશો અને પ્રદેશોમાં વિસ્તરણ કરવાની અને મત્સ્યઉદ્યોગ, પ્રવાસન અને બંદરો જેવા વિવિધ ક્ષેત્રોમાં તેની સેવાઓ પ્રદાન કરવાની યોજના પણ ધરાવે છે. ક્લિયરબોટના સહ-સ્થાપક અને ચીફ ટેકનિકલ ઓફિસ ઉત્કર્ષ ગોયલનું માનવું છે કે, ક્લિયરબોટ એક સમયે એટલી મોટી કંપની બનશે કે જે ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ક્રાંતિ લાવશે.

ભારતમાં જળ પ્રદૂષણ ઘટાડવા માટે અનેક યોજનાઓ અમલમાં છે. ભારત સરકારે ગંગા શુધ્ધિકરણ પ્રોજેક્ટ અમલમાં મૂકેલો અને સમગ્ર વિશ્ર્વમાં તેની વાહવાહી તહીએલી તેમ છતાંય નદી જેવા જળાશયોની નિયમિત સફાઈ માટે કેટલાક પડકારો રહેલા છે. સરકાર અને અન્ય હિતધારકો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને રોકાણો છતાં ભારતની પ્રદૂષિત નદીઓની સફાઈ એ એક મુશ્કેલ કાર્ય છે. નદી વ્યવસ્થાપન સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓ અને વિભાગો વચ્ચે સંકલન અને જવાબદારીનો અભાવ વર્તાઇ રહ્યો છે. સીવેજ ટ્રીટમન્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે અપૂરતું અને જૂનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેને અપડેટ કરવાની જરૂર છે કે જેનાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય. આ સાથે જ પર્યાવરણીય કાયદાઓ અને નિયમોનો કડક અમલ થાય તે પણ જરૂરી છે. 

આ સમસ્યાઓના ઉકેલની વાત કરીએ તો, પર્યાપ્ત નાણાકીય અને માનવ સંસાધનો સાથે દરેક નદીના તટપ્રદેશ માટે એક એજન્સીની સ્થાપના કરી શકાય કે જે નદીના શુદ્ધિકરણનું કામ યોગ્ય રીતે કરે. હાલની સીવેજ ટ્રીટમેન્ટ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધાઓને અપગ્રેડ અને વિસ્તરણ કરી તેમની નિયમિત કામગીરી અને જાળવણીની ખાતરી કરવાની પણ જરૂર છે. 

નદીની સફાઈ માટે ક્લિયરબોટની સૌર-સંચાલિત ઓટોમેટિક બોટ ઉપરાંત અન્ય હાઈટેક સાધનોનો ઉપયોગ પણ કરી શકાય. આવું જ એક સાધન ટ્રેશ સ્કિમર છે. આ એક પ્રકારના તરતા ઉપકરણો છે કે જે પાણીની સપાટી પરથી તરતો કચરો એકત્રિત કરી શકે છે અને તેને નિકાલ અથવા રિસાયક્લિંગ માટે સંગ્રહ સ્થાન પર સ્થાનાંતરિત કરી શકે છે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) એ ગંગા નદીના કિનારે અનેક સ્થળોએ ટ્રેશ સ્કિમર લગાવ્યા છે. આ સિવાય જૈવ-ઉપચાર પણ એક એવી પ્રક્રિયા છે કે જે પાણી અથવા જમીનમાંથી પ્રદૂષકોને દૂર કરવા માટે સુક્ષ્મસજીવો અથવા છોડનો ઉપયોગ કરે છે. આમ, જળાશયોના શુદ્ધિકરણ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે એ આજના સમયની જરૂરિયાત છે. 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj