દક્ષિણ ભાજપને કેટલો સાથ આપશે!

26 February, 2024 10:46 AM
◙ ઉત્તર ભારતમાં ખાસ કરીને જે રીતે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષો અને કોંગ્રેસ વચ્ચે જોડાણ થઇ ગયું અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ દિલ્હી, હરિયાણામાં એક થઇ રહી છે અને પંજાબમાં પણ સમાધાન થઇ શકે છે તે પછી આ રાજયોમાં ભાજપને થોડી બેઠકો ગુમાવવી પડે તો તે દક્ષિણમાં જે 29 બેઠકો છે તે જાળવવી વધુ મહત્વની બનશે અને હવે થોડા દિવસોમાં જ ભાજપના મિશન સાઉથનો કોઇ મોટો ધડાકો સાંભળી શકાય તેવી શકયતા છે

◙ એક બાદ એક લોકસભા ચૂંટણીમાં ભાજપનો દક્ષિણનો ગ્રાફ સતત વધતો રહ્યો છે શું તે જાળવી શકશે?

 

◙ 2024 માટે ભાજપે મિશન અબ કી બાર 400 કે પાર નિશ્ચિત કર્યુ છે અને તેમાં તેને આ વિનીંગ બેરીયર પાર પાડવામાં દક્ષિણમાં પણ જોર લગાવવું પડશે, લોકસભાની 543માંથી દક્ષિણ ભારતની 132 બેઠકો બાદ કરો તો દેશની 411 બેઠકોમાંથી ભાજપે બહુમતી બેઠકો કબ્જે કરવી પડે પણ ખાસ કરીને ધારાસભા ચૂંટણીમાં જે રીતે ભાજપે દક્ષિણમાં કર્ણાટક ગુમાવી અને તેલંગણામાં પણ કોંગ્રેસ  બાજી મારી ગઇ પછી આ ક્ષેત્ર હજુ ટફ ગણાય છે

 

◙ કર્ણાટકની માફક ભાજપે તામિલનાડુમાં ‘મઠની રાજનીતિ’નો ઉપયોગ શરૂ કર્યો છે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ બાદ કાશી અને તમિલ સંગમ યોજીને તામિલનાડુના મઠોના અધિપતિઓ, મહંતો અને સંતોની સાથે કાશીનું કનેકશન જોડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ જે રીતે દક્ષિણનું પોલીટીકસ એ વ્યકિતપુજા પર આધારીત છે અને સનાતન ધર્મ સાથે તેનું અંતર છે તે પછી પણ તમિલનાડુમાં ભાજપ ખાતુ ખોલી શકશે તે પ્રશ્ન છે આવી જ સ્થિતિ કેરળમાં પણ છે જયાં ડાબેરી અને  સ્થાનિક પક્ષો વધુ મજબુત છે 

 

લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉનડાઉન આગામી મહિનાના પ્રારંભથી જ શરૂ થઇ જશે તે સમયે એક તરફ ભારતીય જનતા પક્ષે ફકત ઉમેદવારના નામ જાહેર કરવાનું બાકી રાખીને તેના પ્રચારને અંતિમ છેડા સુધી પહોંચાડી દીધો છે જયારે બીજી તરફ વિપક્ષોમાં હવે આખરી ઘડીએ જીવ આવ્યો હોય તે રીતે એક બાદ એક રાજયમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક સમજુતીના સમાચાર આવી રહ્યા છે. સૌથી મહત્વનું ઉતરપ્રદેશમાં સમાજવાદી પક્ષ સાથે કોંગ્રસે જે રીતે આખરી ઘડીએ સમાધાન કરીને પણ 17 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી બતાવી અને ગઇકાલે જ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અખિલેશ યાદવ પણ જોડાઇ ગયા તે પછી ઉત્તરપ્રદેશમાં કેટલો ફર્ક પડી શકશે તે સૌથી મોટો પ્રશ્ર્ન છે.

રાજયની 80 બેઠકોમાંથી ભાજપને  એક પણ બેઠક ગુમાવવી પોષાય તેમ નથી. કારણ કે દક્ષિણના રાજયમાં જે કંઇ પક્ષને ધારી સફળતા નહીં મળે તેની સામે તેને  પશ્ચિમ અને ઉતર ભારતમાં સૌથી વધો સ્કોર કરવો પડશે તેથી જ ભાજપે તેની વ્યુહરચનામાં થોડો ફેર કરવો પડશે તો આશ્ચર્ય થશે નહીં ખાસ કરીને કર્ણાટક જેવા રાજયોમાં કે જયાં ભાજપે ગત ચૂંટણીમાં મોટી સફળતા મેળવી હતી. તે સાથે જ પશ્ચિમ બંગાળ કે જયાં પણ ભાજપને 2019ની પરિસ્થિતિ રીપીટ થવાની આશા છે ત્યાં પણ કેટલી સફળતા મળે છે તે પ્રશ્ન છે.

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે રીતે આક્રમણ શરૂ કર્યુ છે તે પછી જો 400 કે તેની આસપાસ  બેઠકો ન મળે તો કદાચ ભાજપ માટે મિશન 2024ના જે આયોજનો છે તે ર0ર9 ઉપર પાછા ઠેલવા પડે તે પક્ષ માટે આંચકો હશે. ખેડુત આંદોલન સમાપ્ત થયું નથી પરંતુ જે રીતે તેમાં બ્રેક લાગી છે તેથી કદાચ સંભવ છે કે આ આંદોલન ભાજપ માટે કોઇ ચિંતા સર્જાઇ નહીં.

કોંગ્રેસ સાથે જોડાણ બાદ અખિલેશ યાદવ પુરા ફોર્મમાં આવી ગયા છે તમામ 80 બેઠકો પર ભાજપ હારશે તે આગાહી કરી લીધી છે. 2019માં ભાજપે 62 બેઠક મેળવી હતી જયારે તેના સહયોગી અપના દળને બે બેઠક મળી હતી. સૌથી મોટું ફેકટર બહુજન પાર્ટી છે 2019માં 10 બેઠક મેળવી હતી પરંતુ 2024 આવતા આવતા માયાવતી રાજકીય રીતે સક્રિય રહ્યા નથી અને તે પોતાનો સ્કોર રીપીટ કરી શકે કેમ તેના કરતા ખાતુ ખોલી શકશે કે કેમ તે પ્રશ્ન છે.

સમાજવાદી પાર્ટીને પાંચ, સોનેવાલ ગ્રુપને બે બેઠકો અને કોંગ્રેસને એક બેઠક મળી હતી. આમ ઉતરપ્રદેશમાં 2019 પછી પણ પરિસ્થિતિ હજુ પ્રવાહિત છે. બીજી તરફ દિલ્હીમાં પણ બેઠક સમજુતી થઇ છે અને હરિયાણામાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને છુટો દોર આપી દીધો હોય ફકત એક બેઠક પર તે ચુંટણી લડી રહી છે. 

પરંતુ સૌથી મોટો પ્રશ્ન સાઉથ એ હવે ભાજપને કેટલો સાથ આપશે તેના પર સૌની નજર છે અને તેમાં પશ્ચિમ બંગાળ, ઓડિસા ઉપરાંત કર્ણાટક, તેલંગણા અને કેરળ જેવા નાના રાજયો પણ મહત્વના બની જશે. ભાજપે જે રીતે 51 ટકા મત મેળવવા માટે અને અપકી બાર 400 કે પાર સુત્રને સાર્થક કરવા પ્રયત્ન કર્યો છે તેમાં ગત ચૂંટણીમાં હારેલી 161 બેઠકોમાં પણ સૌથી વધુ બેઠકો સાઉથની છે. આ ક્ષેત્રની 132 બેઠકમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને સમાન એટલે 29-29 બેઠક મળી હતી પ્રાદેશિક બેઠકને 74 બેઠક ગઇ હતી. વડાપ્રધાન જે રીતે ચૂંટણી પ્રચારના પ્રારંભમાં દક્ષિણના રાજયો કેરળ અને લક્ષદ્વીપ પહોંચ્યા તે પછી કદાચ ભાજપને વધુ તક મળે તો પણ આશ્ચર્ય થશે જયારે તામિલનાડુ સૌથી મોટુ રાજય છે અને ત્યાં 39 સાંસદો લોકસભામાં આવે છે.

કર્ણાટકમાં 28, આંધપ્રદેશમાં 25, કેરળમાં 20 અને તેલંગણામાં 17 તેમજ પોંડીચેરી,  લક્ષદ્વીપ, અંદમાન નિકોબારના એક એક સાંસદ લોકસભામાં આવે છે. 2019માં તામિલનાડુમાં ભાજપને એક પણ બેઠક મળી ન હતી અને આ ચૂંટણીમાં તમિલ સંગમ સહિતના આયોજનો છતાં પણ ભાજપને કોઇ સફળતા મળે તેવી આશા નહીંવત છે. સૌથી મહત્વનું કર્ણાટક છે. ભાજપે 2019માં 28માંથી 25 બેઠકો જીતી હતી પરંતુ હાલમાં યોજાયેલી ધારાસભા ચૂંટણીમાં જે રીતે કોંગે્રસે પ્રચંડ બહુમતી મેળવી પછી ભાજપને લોકસભામાં 2019 જેટલી સફળતા મળશે કે કેમ તે પ્રશ્ન છે.

આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં પણ ભાજપ 2019માં નીલ રહ્યું હતું. અને હવે ફરી એક વખત ચંદ્રબાબુ નાયડુ અને સ્થાનિક નેતાને સાથે એક બે બેઠકો જીતવા માંગે છે પણ વાયએસઆર કોંગ્રેસમાં જે રીતે જગન્ન મોહન રેડ્ડી અને તેના બહેન વચ્ચે વિખવાદ છે અને જગન્ન મોહનના બહેને જે રીતે કોંગ્રેસનો પાલો પકડયો તે પછી આ રાજયમાં ભાજપને તો જ ફાયદો થશે જો ચંદ્રબાબુ કોઇ મહત્વની સફળતા મેળવી શકશે. તેલંગણામાં 17 બેઠકમાં ભાજપને ર019માં ચાર મળી હતી પરંતુ વિધાનસભા ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષ ભારત રાષ્ટ્રીય સમિતિ અને તેના વડા તેમજ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો જે રીતે સફાયો થયો અને કોંગ્રેસે સતા હાંસલ કરી તે પછી ભાજપ માટે ચાર બેઠકો બચાવવી પણ પ્રશ્ન છે.

જયારે કેરળમાં ડાબેરી મોરચામાં પણ 2019માં  ભાજપને સફળતા મળી ન હતી. પોંડેચેરી લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ત્રણમાંથી એક પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાજપને સફળતા મળી ન હતી. જોકે 2014માં રસપ્રદ રીતે પ્રથમ વખત જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોેજેકટ થયા તે સમયે  દક્ષિણના આ રાજયોમાં ભાજપને 22 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 19 મળી હતી. જયારે 2019માં ભાજપે તેનો સ્કોર સુધારીને 29 બેઠકોનો કર્યો છે અને કોંગ્રેસ પણ 29એ હતી. પ્રાદેશિક પક્ષોનો ધસારો બંને પક્ષો માટે મહત્વના સાબિત થયા હતા. 

કોંગ્રેસ વાસ્તવમાં દક્ષિણમાં પ્રાદેશિક પક્ષોના હાથે જ ઘસાઇ છે 1989માં આ પક્ષને દક્ષિણ ભારતમાં 110 બેઠક મળી હતી અને તે હવે ર9 પર આવી છે. ભાજપે દક્ષિણમાં તેની પહોંચ વધારવા માટે એક પણ કસર છોડી નથી. ખાસ કરીને લોકસભામાં તામિલ મઠોે અને ધર્માચાર્યના આશિર્વાદ લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની નવી ઇમારતમાં જે રીતે રાજદંડ સ્થાપિત કર્યુ અને ગુજરાત તેમજ બનારસમાં તમિલ સંગમનું આયોજન કર્યુ.

તેમાં ખાસ કરીને કાશીમાં 17 મઠો અને 300થી વધુ ધર્માચાર્યને સામેલ કર્યા તે દર્શાવે છે કે કર્ણાટકની માફક ભાજપ તામિલનાડુમાં મઠોની રાજનીતિને મહત્વ આપવા માંગે છે. દક્ષિણની 132 બેઠકો દુર કરો તો લોભસભામાં 411 બેઠકો બાકી રહી જાય અને 411માંથી 370 મેળવવી એ ભાજપ માટે અને કુલ 400ને પાર જવું તે વધુ મુશ્કેલ છે. 

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj