સેન્ડ પેપર ગેટ-2018-પૂર્વાર્ધ

10 February, 2024 12:42 PM
ક્રિકેટની કલંકીત ઘટના

આથી છ વર્ષ પહેલા ફેબ્રુઆરી-માર્ચ 2018માં ઓસ્ટ્રેલીયાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઇ હતી. જે ટેસ્ટ સીરીઝ તરફથી ઉત્તમ શ્રેણીના ક્રિકેટ અને અદભુત ફાસ્ટ બોલીંગ પ્રદર્શનની અપેક્ષા હતી એ સીરીઝ પૂરી થતા સુધીમાં શરમ-ક્ષોભ-બદનામી-તિરસ્કાર જેવા શબ્દોથી પ્રસિધ્ધ થઇ ગઇ. દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન પછી ઓસ્ટ્રેલીયન ટીમ સર્વપ્રથમ વખત 4 ટેસ્ટ મેચની સીરીઝ રમવા દક્ષિણ આફ્રિકા પહોંચી હતી. બંને ટીમ ખુબ સારા ફાસ્ટ બોલર્સથી ભરેલી હતી એટલે આફ્રિકાની ઝડપી અને ઉછાળવાળી પીચ પર ઉમદા મુકાબલો અપેક્ષીત હતો.

પહેલી ટેસ્ટ મેચ ડરબનમાં શરૂ થઇ. ઓસ્ટ્રેલીયાએ આક્રમક શરૂઆત કરી અને પહેલા બે દિવસમાં જ ટેસ્ટ મેચ  પર પકડ જમાવી દીધી. ‘કોઇપણ ભોગે જીતવું’ એવા સુત્ર સાથે રમતી એ સમયની ઓસ્ટ્રેલીયન ટીમે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ પર સ્લેજીંગ (અભદ્ર ભાષા) અને અપશબ્દોનો જાણે વરસાદ વરસાવી દીધો. સ્ટમ્પ માઇક પર સંભળાતી આ ભાષાને સાંભળીને કોમેન્ટેટર્સ પણ ડઘાઇ ગયા. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના નવોદીત ખેલાડીઓને તો જાણે ટાર્ગેટ જ કરવાના હોય તે રીતે હેરાન-પરેશાન કરી મુકયા.

દક્ષિણ આફ્રિકાના યુવા બેટસમેન મારક્રમ અને યુવા ફાસ્ટ બોલર કેગીસો રબાડા પર થયેલા આવા સ્લેજીંગથી બંને ખેલાડી સમસમી ગયા પરંતુ એ ખેલાડીઓ પણ કંઇ  ગાંજયા જાય એવા નહોતા. બંને ખેલાડીઓનું પ્રદર્શન આવા માહોલમાં વધુ નીખરી આવ્યું. આફ્રિકન કેપ્ટન ફાફ ડુપ્લેસીસ એ આ ટેસ્ટ મેચ દરમ્યાન જ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલીયન ટીમના સ્લેજીંગને ‘ક્રોસીગ ધ લાઇન’ (હદ વટાવ્યા બરોબર) જેવા શબ્દો આપ્યા. પણ ઓસ્ટ્રેલીયાનો કેપ્ટન સ્ટીવ સ્મીથ, વાઇસ કેપ્ટન ડેવીડ વોર્નર અને આખી ટીમ આક્રમકતાની નવી ઉંચાઇએ પહોંચી ફકત જીતવા માંગતા હતા. પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલીયા જીતી ગયું. 

બીજી ટેસ્ટમાં એબી ડીવીલીયર્સ, મારક્રમ અને કગીસો રબાડાએ જાણે વળતો પ્રહાર કરતા હોય એવું જોરદાર આક્રમણ કર્યુ. આ વખતે આફ્રિકાના ખેલાડીઓએ પણ ‘જેવા સાથે તેવા’ બની ઓસ્ટ્રેલીયાને તેમની જ ભાષામાં જવાબ આપ્યો. ક્રિકેટ જાણે રમત ન રહી અને સમરાંગણમાં બદલાઇ ગઇ. સ્ટીવ સ્મીથને આઉટ કરી રબાડાએ તેમની તરફ જોઇ પોતાનો ગુસ્સો આક્રોશ વ્યકત કર્યો જોત જોતા તેઓ સ્મીથ સાથે અથડાઇ પડયા. ક્રિકેટ એ ‘નો બોડી કોન્ટેકટ’ રમત છે. મેચ રેફરી અને આઇ.સી.સી.એ આ ઘટનાની નજીકથી તપાસ કરી અને રબાડાને બે ટેસ્ટ માટે સસ્પેન્ડ કર્યા.

આ પહેલા પ્રથમ ટેસ્ટમાં વોર્નર અને કવીન્ટન ડીકોક મેદાનથી પેવેલીયનમાં પરત ફરતા કોરીડોરમાં બાખડી પડયા હતા અને એ બંનેને પણ આઇસીસી મેચ રેફરીએ સજા સંભળાવી હતી. આ રીતે બીજી ટેસ્ટમાં બંને ટીમો વચ્ચેનું વૈમનસ્ય તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયું હતું. મેદાન પરના અમ્પાયર્સ માટે પણ ખેલાડીઓને કાબુમાં રાખવા મુશ્કેલ થઇ રહ્યું હતું.

દક્ષિણ આફ્રિકાએ કગીસો રબાડાના સસ્પેન્શનને ચેલેન્જ કર્યુ. મેચ રેફરીના નિર્ણયને આવી રીતે જયારે પડકારવામાં આવે ત્યારે રીતસર કોર્ટની જેમ દરેક કાર્યવાહી થાય, કમીશન નિયુકત થાય અને બંને પક્ષેથી ઉચ્ચ સોલીસીટર પોતાના પક્ષ રજુ કરે. આ કગીસોને રબાડાને સસ્પેન્શનમાંથી મુકત કરી જરા હળવી સજા કરી. ઓસ્ટ્રેલીયન ટીમને આ ફેસલાથી ઘણો અજંપો થયો. બરોબર આ સમયે જ સોશ્યલ મીડિયા પર વોર્નર અને કવીંટન ડીકોક વચ્ચે પેવેલીયન નજીકના કોરીડોરમાં થયેલ માથાકુટ અને ઝપાઝપીના સીસીટીવી ફુટેજ લીક થઇ ગયા. ક્રિકેટ જગતમાં જાણે કોલાહલ થઇ ગયો. 

ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં આગળ શું થશે એની કલ્પના કરવી પણ મુશકેલ હતી. બંને દેશના ક્રિકેટ બોર્ડને પણ ચિંતા ઉપજાવે એવી આ નાજુક સ્થિતિમાં યથાવત સામાન્ય સ્થિતિનું નિર્માણ કરવું બધા જ માટે એક પડકારજનક કામ હતું. ક્રિકેટની રમતમાં જેટલુ રમતના નિયમોનું મહત્વ છે એટલુ જ મહત્વ ‘સ્પોર્ટમેન સ્પીરીટ’નું પણ છે.

જેન્ટલમેન્સ ગેઇમ તરીકે ઓળખાતી આ રમતની પ્રતિષ્ઠા જાણે આ સીરીઝમાં દાવ પર લાગી હતી પણ આગળ જે બન્યુ તેણે ક્રિકેટની દુનિયાને હમમચાવી દીધી, ન ધારેલી માન્યામાં જ ન આવે તેવી ઘટનાઓ તો હજુ આ જ સીરીઝના ભવિષ્યના ગર્ભમાં છુપાઇને બેઠી હતી. એના વિષે આવતા શનિવારે...

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj