સેન્ડ પેપર ગેટ-2018-ઉતરાર્ધ

17 February, 2024 12:21 PM
બોલ ટેમ્પરીંગ ખુલ્લું પડયું કઇ રીતે ?

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની 2018ની ટેસ્ટ મેચ શ્રેણી ત્રીજી ટેસ્ટ મેચ સુધી પહોંચતા સુધીમાં દરેક ખોટા કારણસર વાગોવાઇ ગઇ હતી. મેદાનની અંદર અને બહાર બંને ટીમના ખેલાડીઓના અભદ્ર વ્યવહાર અને શરમજનક  વર્તનના પરિણામે આખુ ક્રિકેટ જગત આઘાતમાં હતું. આવા ભયંકર માહોલમાં ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં શરૂ થઇ. અહીં આવતા સુધીમાં દક્ષિણ આફ્રિકાના એક ભુતપૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બોલર ફેની ડેવીલીયર્સ ઓસ્ટ્રેલીયન ટીમની વર્તણુક અને બોલ મેનેજમેન્ટને નજીકથી નિહાળી અને અવલોકન કરી રહ્યા હતા.

ફેની ડીવીલીયર્સે બ્રોડકાસ્ટીંગ ગ્રુપને એક એલર્ટ મેસેજ આવ્યો અને જે રીતે ઓસ્ટ્રેલીયન ટીમ બોલને પોલીશ અને શાઇન કરી રહ્યા હતા તેના ઝીણામાં ઝીણા અને કલોઝઅપ ફુટેજની ચકાસણી કરવા સંદેશો આપ્યો. એક ભૂતપૂર્વ  ફાસ્ટ બોલર તરીકે તેઓ સુપેરે જાણતા હતા કે આફ્રિકન પરિસ્થિતિમાં કયારે, કેવા સંજોગોમાં અને કેટલી ઓવર પછી ક્રિકેટ બોલ એવો બની શકે કે જેથી તે રીવર્સ સ્વીંગ થવા લાગે તેમના મત મુજબ કંઇક તો ઓસ્ટ્રેલીયન ટીમ એવું કરતી હતી કે જેના કારણે બોલ અવાસ્તવિક રીતે ધાર્યા કરતા ખુબ વહેલો રીવર્સ સ્વીંગ થઇ રહ્યો હતો.

ટેસ્ટ મેચ ના ત્રીજા દિવસે આફ્રિકાની ઇનીંગ દરમ્યાન 43મી ઓવરમાં એક કેમેરામેને ઓસ્ટ્રેલીયન ફિલ્ડર કેમેરોન બેનક્રોફટને કોઇ પીળા રંગની વસ્તુથી બોલને ઘસાતા પકડી પાડયો. મેદાન પરના જાયન્ટ સ્ક્રીન પર અને આખા વિશિવમાં થતા પ્રસારણમાં આ ફુટેજ વારંવાર દર્શાવવામાં આવ્યા. એમાં વળી એક એવું દ્રશ્ય પણ પકડાયુ જયાં બેનક્રોફટ એ પીળી વસ્તુને પોતાના પેટમાં છુપાવવા પ્રયત્ન કરતા હતા. વાત તો બધે જ વાયુવેગે પ્રસરી ગઇ. મેદાન પરના અમ્પાયરે  પણ બેનક્રોફટ અને કેપ્ટન સ્મીથની આગવી ઢબે પુછપરછ કરી.

દિવસના અંતે પ્રેસ કોન્ફરન્સમાં પણ આ બંને ખેલાડીએ એવી વાત રજુ કરી કે તેઓ ફકત બોલ પરથી ધુળ સાફ કરી રહ્યા હતા અને ‘બોલ ટેમ્પરીંગ’ જેવી કશી વાત જ ન હતી. જોકે આઇ.સી.સી.ની પુરેપુરી તપાસ પછી બહાર  આવ્યું કે જે પીળી વસ્તુ બ્રેનક્રોફટ બોલ પર ઘસી રહ્યા હતા એ સેન્ડપેપર (કાચ કાગળ) હતો જેનાથી દડાની એક બાજુને ખરબચડી બનાવી તેને વધુ રીવર્સ સ્વીંગ કરી શકાય. બંને ખેલાડીને જાહેરમાં કબુલ કરવું પડયું કે તેઓ ખરેખર ઇરાદાપૂર્વક દડાની પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કાચકાગળ વડે કરી રહ્યા હતા. 

કેપ્ટનના કબુલાતનામા પછી આઇ.સી.સી.એ નિયમ મુજબ જે ખેલાડી આ કારનામામાં જોડાયેલા હતા તેમને  સજા કરી. પરંતુ આ તો ‘ઈવયફશિંક્ષલ’ (છેતરપીંડી)નો મામલો હતો અને આખા રાષ્ટ્રની આબરૂનો સવાલ હતો. ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબલે આ આખા પ્રસંગેને ‘આઘાતજનક અને નિરાશાજનક’ કહીને વખોડી નાખ્યો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની તપાસ પછી નિષ્કર્ષ કાઢી કેપ્ટન સ્મીથ, વાઇસ કેપ્ટન વોર્નર અને બેનક્રોફટને શ્રેણીમાંથી તાત્કાલીક દુર કરી ઘરભેગા થવા હુકમ કર્યો. આગળ જતા એક જ અઠવાડિયામાં રમતની ખેલદીલી ન નિભાવવા બદલ  અને દેશની છબીને ગંભીર નુકસાન પહોંચાડવા બદલ ત્રણેય ખેલાડીને સખ્ત સજા ફરમાવવામાં આવી.

કેપ્ટન સ્મીથ અને વોર્નર પર એક વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ દરમ્યાન તેઓ તેમના દેશમાં જ કોઇ પણ ક્રિકેટ ન રમી શકે અને ભવિષ્યમાં તેમના નામ કદી કેપ્ટનશીપ માટે નહી વિચારાય તેવો નિર્ણય ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે કર્યો. બેનક્રોફટને પણ 9 મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા. ‘કોઇપણ ભોગે જીતવું’ એ ખુબ ખતરનાક  વિચારધારા હતી.

આ ઘટનાએ ઓસ્ટ્રેલીયા ક્રિકેટ બોર્ડને તેના ખેલાડીઓને અને સપોર્ટ સ્ટાફને એ વિચારવા ફરજ પાડી કે રમત પ્રત્યેનો તેમનો અભિગમ બરોબર છે કે નહીં ? આગળ જતા ટીમના કોચ ડેરેન લેહમેને પણ રાજીનામુ  આપ્યુ. ‘ક્રિકેટ એથીકસ’ને કેન્દ્રમાં રાખી આખા સ્પોર્ટસ કોડનું ફરીથી સર્જન કરવા માટે ઓસ્ટ્રેલીયન ક્રિકેટ મજબુર બન્યું. પ્રતિબંધિત ખેલાડીઓએ ખુલ્લી પ્રેસ કોન્ફરન્સમાં દેશના લોકોની અને ક્રિકેટપ્રેમી જનતાની રડતા-રડતા માફી માગી.

રમત જગતમાં ભ્રષ્ટ, અયોગ્ય અને અનૈતિક રીતે થયેલો વ્યવહાર અક્ષમ્ય જ હોવો જોઇએ અને આવી સખ્ત સજા દ્વારા  ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડે એક જોરદાર દાખલો બેસાડયો.

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj