સંદેશખાલી હિંસા : ભાજપની સિંગુર મોમેન્ટ ?

24 February, 2024 10:33 AM
♦ મા, માટી અને માનુષ... બે મુદ્દા પર મમતા બેનર્જીએ 34 વર્ષના ડાબેરી શાસનને ધરાશાયી કર્યુ હતું તે જ મુદ્દા હવે તેની સામે જોખમ બની ગયા છે

♦ 2006માં મમતા બેનર્જીએ ટાટા નેનોના પ્લાન્ટની જમીનમાં પેડીના બીજ વાવીને ડાબેરી શાસનને ઉખેડી નાખ્યું તે સમયે કોર્પોરેટને જમીન આપવાનો વિવાદ હતો અને હવે સદેશખાલીમાં જે હિંસા છે તેમાં તૃણમુલના નેતાઓ દ્વારા બળજબરીથી જમીન કબજે કરવાના મુદ્દે આગજની ચાલુ છે પરંતુ મમતાને માટે આ સૌથી મોટો પડકાર છે કે ભાજપ મજબુત બનીને આવ્યો છે 

♦ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપને એક જ બેઠક મળી હતી જયારે 2019માં 18 બેઠકો પર વિજય મળ્યો આમ મમતાના જ શાસનમાં ભાજપે બંગાળમાં મોટો બેઇઝ બનાવી લીધો છે, તૃણમુલનો ઉદય પણ ડાબેરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વોટબેંક છીનવીને થયો અને ભાજપે પણ પશ્ચિમ બંગાળમાં તૃણમુલ-ડાબેરીઓની કેડરના આધારે મતદારોનો વિશાળ વર્ગ ઉભો કર્યો છે, કેરળમાં જે સંઘ અને ભાજપ કરી શકયા નથી તે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે ભાજપે કર્યુ છે અને 2024એ બે વર્ષ પછીની ધારાસભા ચૂંટણીનું ટ્રેલર પણ બની શકે છે

♦ જોકે 2021માં જે રીતે મમતા બેનર્જી ફ્રેકચરવાળા પગે પણ ફુટબોલ ઉછાળતા ખેલા હોબેનો નારો આપીને ભાજપના આક્રમણને ધરાશાયી કર્યો હતો તે મમતા આજે પણ અકબંધ છે, બીજી તરફ ભાજપ પાસે નથી મમતા જેવા નેતા કે નથી આક્રમકતા, ફકત કેન્દ્રની મોદી સરકારના જોરે પશ્ચિમ બંગાળ ભાજપ પહેલવાન બન્યું છે અને તેથી જ લોકસભા ચૂંટણીમાં મમતા વળતી લડાઇ આપે તો પણ આશ્ચર્ય થશે નહીં

18 જુલાઇ, 2006 બંગાળમાં વિપક્ષ નેતા તરીકે મમતા બેનર્જીએ ટાટા નેનોના પ્રોજેકટનો સિંગુરમાં વિરોધ કરતા ખેતરોમાં પેડીનું વાવેતર કર્યુ હતું અને તે સમયે પશ્ચિમ બંગાળમાં 34 વર્ષ જુની ડાબેરી સરકારના મુળીયા ઉખેડી નાખવાનો જે સંકલ્પ કર્યો તે 2011માં જ સાકાર કરી લીધો. મા, માતા અને માનુષ એટલે કે માતા, ધરતી અને માણસનું શાસન સ્થાપવા સાથે પશ્ચિમ બંગાળમાં જે કંઇ બન્યુ તે ઇતિહાસ છે દેશમાં ડાબેરી શાસનમાં રેકોર્ડ સર્જનાર રાજયમાં આજે ડાબેરી પક્ષો પોતાના અસ્તિત્વ માટે ઝઝુમી રહ્યા છે અને તેનો યશ ચોકકસપણે મમતા બેનર્જીને જાય છે. પરંતુ આજે 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં જે હિંસા છેડાઇ છે તેમાં રાજકીય વિશ્લેષકો એવું કહે છે કે, ભાજપની તે સિંગુર મોમેન્ટ છે જોકે 2006 અને 2024 વચ્ચેના બંગાળમાં ઘણો ફેર છે અને હજુ સંદેશખાલીએ સિંગુર બની શકયું નથી તે પણ નિશ્ચિત છે.

ઉપરાંત મમતાના જ એક સમયના સાથી શુવેન્દુ અધિકારી કે જેણે મમતા પાસેથી રાજકારણના પાઠ શીખ્યા તે મમતા-2 બની શકશે કે કેમ તે પ્રશ્ન છે. સૌથી મહત્વનું એ છે કે પશ્ચિમ બંગાળમાં શુવેન્દુ કરતા પણ ભારતીય જનતા પક્ષ જે રીતે આક્રમક બન્યો છે તેથી મમતા બેનર્જી માટે સૌથી મુશ્કેલ ઘડી આવી ગઇ છે. જયારે સિંગુરનો વિવાદ ટોચ પર હતો. તે સમયે મમતા બેનર્જીએ કોલકતામાં અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કરી દીધા અને તે સમયના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આઝાદ અને વડાપ્રધાન મનમોહનસિંહના પત્ર પછી તેઓએ 28 દિવસ બાદ ઉપવાસ છોડયા હતા શું શુવેન્દુ અધિકારી આ કરી શકે ?

જવાબ છે ના, ઉપરાંત મમતાના  આક્રમણમાં જે ડાબેરી ગઢ ધરાશાયી થયો તેમાં બુધ્ધદેવ ભટ્ટાચાર્ય સરકારની ઔદ્યોગિક નીતિ પણ જવાબદાર હતી. ડાબેરી શાસનના અંતિમ મુખ્યમંત્રીએ ન જયોતિબસુ સાબિત થઇ શકયા ન કામદાર નેતા સાબિત થઇ શકયા. વહીવટી તંત્ર પર તેમની જે ઢીલી પકકડ હતી તેનો સૌથી મોટો ફાયદો મમતા બેનર્જીને મળ્યો. પરંતુ સૌથી મહત્વનું એ છે કે શું ભાજપના આક્રમણને મમતા બેનર્જી ખાળી શકશે. 

સૌથી મહત્વનું એ છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું ટાર્ગેટ કમ સે કમ 2019નો સ્કોર જાળવી રાખવાનો છે. 2009માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને 19 અને ભાજપને એક બેઠક મળી હતી. જયારે કોંગ્રેસને 6 અને માર્કસવાદી સામ્યવાદી પક્ષને 9 બેઠકો મળી હતી. 2014માં જયારે મોદીનું આક્રમણ આવ્યું તો મમતા બેનર્જી 34 લોકસભા બેઠક જીતી શકયા અને ભાજપને બે બેઠકો મળી પણ ઘસારો કોંગ્રેસ અને ડાબેરી પક્ષને થયો જેને અનુક્રમે 4 અને 2 બેઠકો મળી હતી. પરંતુ 2019માં ચિત્ર બદલાઇ ગયું હતું અને તૃણમુલ કોંગ્રેસને રર તથા ભાજપને 18 બેઠકો મળી.

જયારે કોંગ્રેસ બે અને ડાબેરી પક્ષોને એક પણ બેઠક મળી નહીં. આમ 2019માં ભાજપને જે 18 બેઠકોનો ફાયદો થયો તેમાં મમતા બેનર્જી ઉપરાંત કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના જ મતો સૌથી મહત્વનના ભાજપ તરફ ગયા અને આજે ફરી એક વખત રાજયમાં 2019 પછી ન તો ડાબેરી કમબેક કરી શકયા છે. ન તો કોંગ્રેસ પક્ષ પોતાનું સ્થાન મેળવી શકયા છે અને હવે જયારે ચૂંટણી સૌથી નજીક છે તે સમયે મમતા બેનર્જી ફરી એક વખત ખેલા હોબેમાં તમામ બેઠકો એક સાથે લડવાની જાહેરાત કરીને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને પણ પડકાર્યા છે.  

2021માં હજુ એ દ્રશ્યો ભુલાયા નથી કે જયારે ધારાસભા ચૂંટણી પૂર્વે મમતા બેનર્જીનો એ લડાયક જુસ્સો ભુલાયો નથી કે જયારે ફ્રેકચર થયેલા પગે પણ ફુટબોલ રમાડતા ખેલા હોબેનો જે નારો આપ્યો હતો તે પછી વિધાનસભામાં ફરી એક વખત પ્રચંડ બહુમતી સાથે જીતીને ભાજપનું તે સમયનું સૌથી મોટુ આક્રમણ નિષ્ફળ બનાવ્યું હતું. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે જે બેઠકોનો લાભ મેળવ્યો તે જાળવી રાખવા પણ હવે આગામી માસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આક્રમણ પશ્ર્ચિમ બંગાળ પર શરૂ થઇ જશે. 

સિંગુર અને નંદીગ્રામમાં ઔદ્યોગિક ગૃહો માટે લેવાયેલી જમીનના મુદ્દે મમતા બેનર્જીએ વળતી લડાઇ આપી અને   તેનો લાભ મેળવ્યો તો હવે સંદેશખાલીમાં પણ જમીન બળજબરીથી કબજે કરવાનો વિવાદ છે અને જે તૃણમુલ નેતા  શાહજહાં અને તેના સાથીદારો સામે આક્રોશ હિંસા બની રહ્યો છે તેને આ કદે પહોંચાડવામાં પણ મમતા બેનર્જીનો જ ફાળો છે. અને આથી જ સંદેશખાલીની હિંસા એ મા, માટી અને માનુષના મમતા બેનર્જીના જે રાજકીય સુત્રો છે તે આજે તેમને બુમરેંગ થઇ રહ્યા છે. અને ભારતીય જનતા પક્ષ હવે પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામેનો સૌથી મોટો જંગ પણ આ જમીનના મુદ્દે શરૂ કરીને મમતાને પડકાર આપ્યો છે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંદેશખાલીની મુલાકાત લઇ શકે છે. એટલું જ નહીં તૃણમુલ શાસનમાં છેલ્લા ત્રણ  વર્ષમાં જે રીતે એક બાદ એક મંત્રીઓ પર દરોડા પડયા અને મમતા બેનર્જીના નજીકના અનેક સાથીઓને જેલમાં જવું પડયું તે દર્શાવે છે કે મમતા બેનર્જી ભ્રષ્ટાચાર ઉપર કાબુ રાખી શકયા નથી અને તેનો સૌથી મોટો લાભ ભારતીય જનતા પક્ષ મળી રહ્યો છે.

2021ની ધારાસભા ચૂંટણીમાં  પ્રચંડ વિજય મેળવ્યા છતા પણ ભાજપે જે રીતે 77 બેઠક કબજે કરી અને 38 ટકા જેટલા મતો મેળવ્યા તે પછી લોકસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસ પર દબાણ વધ્યું છે. હાલમાં આવેલા એક સર્વેમાં દર્શાવાયું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 40 ટકા જેટલા મત મળી શકે છે અને કમ સે કમ 19 બેઠકોએ કબજે કરશે આમ પશ્ચિમ બંગાળમાં 2024ની લોકસભા ચૂંટણી એ 2026ની ધારાસભા ચૂંટણીનો માર્ગ પણ નિશ્ચિત કરી શકશે.

 

Sports News
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj