‘આ આજના છોકરાવ’! યુવા ક્રિકેટરોના અદભૂત પ્રદર્શનના વખાણ કરતો રોહિત

Sports | Rajkot | 20 February, 2024 | 12:09 PM
રાજકોટ ટેસ્ટમાં જીત વિશે ઈન્સ્ટાગ્રામ પર ફોટા સાથેની સ્ટોરી પોસ્ટ કરી: યશસ્વી-સફરાઝ તથા ધ્રુવ જરેલ અને ટીમના જશ્નના ફોટા શેર કર્યા
સાંજ સમાચાર

રાજકોટ,તા.20
રાજકોટના નિરંજન શાહ સ્ટેડીયમમાં રમાયેલા ત્રીજા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને કારમી હાર આપીને ભારતે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. જીતની યાદગીરી સાથે ભારતીય ટીમે આજે રાજકોટમાંથી વિદાય લીધી છે ત્યારે ભારતીય કપ્તાન રોહિત શર્માએ યુવા ક્રિકેટરોના અદભૂત પ્રદર્શન બદલ પ્રશંસાના ફુલ વરસાવ્યા છે.

વિરાટ કોહલી, કે.એલ.રાહુલ, મોહમ્મદ શામી, શ્રેયસ ઐય્યર જેવા સ્ટાર-સીનીયર ક્રિકેટરોની હાજરી વિના જ મેચ રમવા ઉતરેલી ભારતીય ટીમ ચાર જ દિવસમાં મેચ પૂર્ણ કરીને આસાનીથી જીત મેળવી લેશે તેવી કોઈને ખાસ આશા ન હતી. સરફરાઝ ખાન, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓએ સીનીયરોની ખોટ પડવા દીધી હતી જે વિશે રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને યુવા ખેલાડીઓના ભરપુર વખાણ કર્યા છે.

રોહિત શર્માએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં યશસ્વી જયસ્વાલ તથા સરફરાઝખાનની બેટીંગ કરતા હોય તેવી સંયુક્ત તસ્વીર તથા ધ્રુવ જુરેલે ઈંગ્લીશ ઓપનર બેન ડકેટને રનઆઉટ કર્યો તે વખતની તસ્વીર પણ મુકી છે અને કેપ્શનમાં એમ લખ્યુ છે કે ‘આ આજકાલના છોકરા’!

યશસ્વી તથા સરફરાઝે ભારતના બીજા દાવમાં 172 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. યશસ્વીએ અણનમ બેવડી સદી ફટકારી હતી અને તેની મદદથી ભારતે ચાર વિકેટે 430 રનનો જુમલો ખડકીને દાવ ડીકલેર કર્યો હતો. આ સિવાય ધ્રુવ જુરેલે વિકેટ પાછળથી ઈંગ્લેન્ડના ઓપનર ડકેટને રનઆઉટ કરીને તેની હારનો પાયો નાંખવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. 557 રનના ટારગેટ સામે ઈંગ્લેન્ડની આખી ટીમ 122 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી અને ભારતનો 434 રને ઐતિહાસિક વિજય થયો હતો.

ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે વર્તમાન ટેસ્ટ સીરીઝમાં અત્યાર સુધીના ત્રણ ટેસ્ટ મેચમાં બે બેવડી સદી ફટકારી છે. અત્યાર સુધીના ત્રણ ટેસ્ટમાં 109ની એવરેજથી 545 રન ખડકયા છે જયારે સરફરાઝે ડેબ્યુ ટેસ્ટમાં બન્ને ઈનિંગમાં અર્ધી સદી ફટકારી છે. આ પ્રકારની સિદ્ધિ મેળવનાર તે ભારતનો ચોથો ખેલાડી બન્યો છે. વિકેટકીપર બેટસમેન ધ્રુવ જુરેલને પ્રથમ ઈનિંગમાં બેટીંગ કરવાની તક મળી હતી તેમાં તેણે 46 રન બનાવ્યા હતા.

ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટીમ ઈન્ડીયાની જીતના જશ્નનો ફોટો પણ આ પોસ્ટમાં શેર કર્યો છે. રાજકોટ ટેસ્ટમાં ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો વિજય હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડને 434 રને હાર આપવા સાથે શ્રેણીમાં રનની સરસાઈ મેળવી લીધી હતી. આ પુર્વે ભારતે 2021માં ન્યુઝીલેન્ડ સામે મુંબઈના વાનખેડેમાં 372 રનના માર્જીનથી વિજય મેળવ્યો હતો તે અત્યાર સુધીનો રેકોર્ડ હતો.

ટેસ્ટ ક્રિકેટમાં રનમાર્જીનથી સૌથી મોટો વિજય ઈંગ્લેન્ડના નામે છે. 1928માં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 675 રને હાર આપી હતી. ઈંગ્લેન્ડને લાગેવળગે છે ત્યાં સુધી રાજકોટનો પરાજય બીજા નંબરનો સૌથી મોટો છે. આ પુર્વે 1934માં તેણે ઓસ્ટ્રેલિયા સામે 562 રનથી હાર વેઠી હતી.

રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બોલર માર્ક વુડ સિવાય એકપણ ખેલાડી બીજા દાવમાં 20 રનનો આંકડો પણ પાર કરી શકયા નહીં. વુડે સૌથી વધુ 33 રન કર્યા હતા જયારે ભારત વતી જાડેજાએ પાંચ વિકેટ લીધી હતી.

યુવા ખેલાડીઓનું પરફોર્મન્સ

સરફરાઝખાન
રાજકોટ ટેસ્ટમાં પદાપ્રણ કરનાર 26 વર્ષિય ખેલાડીએ બન્ને દાવમાં અર્ધી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડનો કોઇ બોલર તેને આઉટ કરી શક્યો નહતો. પ્રથમ દાવમાં રનઆઉટ થયો હતો અને બીજા દાવમાં અણનમ રહ્યો હતો.

 

ધ્રુવ જુરેલ
વિકેટકિપર બેટસમેન એવા 23 વર્ષિય ધ્રુવ જુરેલે પણ રાજકોટ ટેસ્ટથી જ ડેબ્યુ કર્યું હતું. બીજી ઇનિંગમાં દાવ આવ્યો નહતો પરંતુ પ્રથમ ઇનિંગમાં 46 રન ઝુડ્યા હતા.  ઇંગ્લેન્ડના બીજા દાવમાં ડકેટને રનઆઉટ કરીને પ્રતિભા દર્શાવી હતી. જાડેજાના દડામાં શાનદાર કેચ પણ કર્યો હતો.

 

યશસ્વી જ્યસ્વાલ 
22 વર્ષિય યુવા ક્રિકેટરે નામ જેવું જ કામ કરી બતાવ્યું છે. સીરીઝમાં સળંગ બે ટેસ્ટમાં બે બેવડી સદી ફટકારી છે અને ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય હોવાની સાબિતી આપી છે. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સર્વાધિક 545 રન તેના નામે છે. બીજા ક્રમે ઇંગ્લેન્ડના ડકેટના 257 રન છે. ઇંગ્લેન્ડનો કપ્તાન સ્ટોક્સ પણ તેની પીઠ થાબડતો જોવા મળ્યો હતો.

 

શુભમન ગીલ
24 વર્ષિય શુભમન ગીલ રાજકોટ ટેસ્ટમાં રનઆઉટ થતાં સતત બીજી સદી બનાવતા ચુકી ગયો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 104 રન બનાવ્યા હતા. વર્તમાન શ્રેણીમાં તેના નામે 252 રન છે અને સૌથી વધુ રન કરનારામાં ચોથા સ્થાને છે.

 

કુલદીપ યાદવ
29 વર્ષિય કુલદીપ યાદવનું ટેસ્ટ ડેબ્યુ 17માં થવા છતાં અત્યાર સુધીમાં માત્ર 10 ટેસ્ટ રમવા મળ્યા છે. વર્તમાન શ્રેણીમાં બે ટેસ્ટ રમ્યો છે. 3.91ની ઇકોનોમી સાથે 8 વિકેટ ઝડપી છે.

રજત પાટીદાર
મધ્ય પ્રદેશના આ 30 વર્ષિય ખેલાડીને લાંબા વખતે ટીમમાં તક મળી હતી. તે માત્ર બે ટેસ્ટ જ રમ્યો છે. નંબર-4 પર બેટીંગ કરતો પાટીદાર હજુ સુધી ખાસ ઝમકદાર દેખાવ કરી શક્યો નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj