મતદાનની ફાઈનલ ટકાવારીમાં શંકાસ્પદ વધારાના ઉહાપોહ વચ્ચે ચોંકાવતો રિપોર્ટ

4 તબકકામાં રિવાઈઝ મતદાનમાં 1.07 કરોડ મતો ઉમેરાયા

India, Politics, Lok Sabha Election 2024 | 18 May, 2024 | 09:38 AM
આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજયોમાં વધુ માત્રામાં મતોનો વધારો, હિન્દી બેલ્ટના રાજયોમાં સંખ્યા પ્રમાણમાં ઓછી વધી
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.18

લોકસભા ચૂંટણી મતદાનના આંકડામાં પંચ દ્વારા બે-ત્રણ દિવસે કરાતા ફેરફાર મામલે શંકા, વિવાદ અને ઉહાપોહ ચાલી જ રહ્યો છે ત્યારે પ્રથમ ચાર તબકકાની ચૂંટણીમાં મતદાન પુર્ણ થયા પછી રાત્રે જાહેર કરાયેલા આંકડા પછીના રિવાઈઝડ આંકડામાં 1.10 કરોડ મતોનો ઉમેરો થયો હોવાનું બહાર આવ્યુ છે. અત્યાર સુધીમાં 379 બેઠકો પર ચુંટણી પુર્ણ થઈ ગઈ છે. દરેક બેઠક પર સરેરાશ 28000 મતનો ઉમેરો થયો છે.

ચુંટણીપંચ દ્વારા મતદાનના ‘રીયલ ટાઈમ’ અર્થાત પળેપળના આંકડા દર્શાવતી એપ રાખવામાં આવી છે અને તેમાં નિયમિત રીતે મતદાનના આંકડા અપડેટ થતા રહે છે. મતદાનના દિવસે રાત્રે 11 વાગ્યાના અરસામાં ફાઈનલ ટકાવારી રજુ કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે બે-ચાર દિવસ પછી પણ ટકાવારીમાં બદલાવ થતો રહ્યો હતો તેને કારણે વિપક્ષો તથા અમુક સંસ્થાઓએ શંકા સાથે સવાલ ઉઠાવતા વિવાદ સર્જાયો છે.

સામાન્ય રીતે મતદાનના દિવસની રાત્રે રજુ થતા મતદાનના આંકડા તથા ત્યારપછીની ફાઈનલ હાજરીમાં મામુલી ફેરફાર રહેતો હોય છે પરંતુ આ વખતે શંકા ઉભી થાય તેવો વધારો થયો છે.

દેશમાં અત્યાર સુધીમાં મતદાનના ચાર તબકકા પૂર્ણ થઈ ગયા છે. પ્રથમ તબકકાની ચૂંટણી બાદ મતદાનની રાત્રે જાહેર થયેલા મતના આંકડાની સરખામણીએ ફાઈનલ ટકાવારીમાં 18.6 લાખ મત વધી ગયા હતા. બીજા તબકકામાં 32.2 લાખ, ત્રીજા તબકકામાં 22.1 લાખ તથા ચોથા તબકકામાં 33.9 લાખ મત વધી ગયા હતા. અર્થાત મતદાનની રાત્રે જાહેર થયેલા મતના કુલ આંકડા કરતા ફાઈનલ આંકડામાં 1.07 કરોડ મતોનો થયો છે.

સૌથી મોટો બદલાવ આંધ્રપ્રદેશમાં થયો છે જયાં ફાઈનલ ટકાવારીમાં 4.2 ટકા મતદાન વધી ગયુ હતું. મતની સંખ્યામાં 17.2 લાખનો વધારો હતો. આ જ રીતે મહારાષ્ટ્રમાં 16.7 મત ઉમેરાયા હતા અને ટકાવારી 2.4 ટકા વધી હતી. કેરળમાં 10.4 લાખ મત વધ્યા હતા જે ટકાવારીની દ્દષ્ટિએ 4.1 ટકા થવા જાય છે. આસામમાં 10.3 લાખ મત વધ્યા હતા. ટકાવારીમાં 4.2 ટકા થવા જાય છે.

મતદાનના ફાઈનલ આંકડામાં આ બદલાવને લક્ષ્યમાં લેવામાં આવે તો આસામમાં દરેક બેઠક દીઠ 73000 મત ઉમેરાયા હતા. આંધ્રપ્રદેશમાં 69000, કર્ણાટકમાં 51000 તથા મહારાષ્ટ્રમાં 48000 મતનો ઉમેરો થયો હતો. મહત્વની વાત એ છે કે હિન્દી બેલ્ટના રાજયોમાં ફાઈનલ મતદાનની ટકાવારીમાં વધારો પ્રમાણમાં ઓછો હતો.

મતદાન પછી ટકાવારીમાં મોટો વધારો કેમ? ચુંટણીપંચ પાસે જવાબ માંગતી સુપ્રિમ

નવી દિલ્હી તા.18
લોકસભાની ચૂંટણીના મતદાન બાદના બે-ત્રણ દિવસ પછીના ફાઈનલ આંકડામાં મતોની ટકાવારીમાં મોટા ફેરફારને પગલે શંકા-સવાલો ઉઠવા લાગ્યા છે ત્યારે આ મામલે સર્વોચ્ચ અદાલતે પણ ચુંટણીપંચનો જવાબ માંગ્યો છે. બીન સરકારી સંગઠન એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ દ્વારા આ મામલે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટીસ જે.બી.પારડીવાલા તથા જસ્ટીસ મનોજ મિશ્રાની બેંચે આ મામલે 24મી મે સુધીમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. વેકેશન બેંચમાં કેસ ચાલશે. મતદાન ખત્મ થયાના 48 કલાકમાં જ મતદાનના આખરી આંકડા જાહેર કરવા સંગઠને માંગ કરી છે.

આ પુર્વે સર્વોચ્ચ અદાલતે ચુંટણી મતદાન બેલેટ પેપરથી કરવાની માંગ ફગાવી હતી. જો કે, સંગઠનની મતદાનના આંકડા સંબંધી અરજી સ્વીકારી હતી. ચુંટણીપંચના વકિલે એવી દલીલ કરી હતી કે સંગઠને ઉઠાવેલા તમામ સવાલોના જવાબ પંચે આપેલ જ છે ત્યારે આ પ્રકારની અરજી દાખલ ન કરવી જોઈએ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj