તિરૂપતિ, સુવર્ણમંદિર, ગુરૂવયુર દેવાસમ, વૈષ્ણોદેવી, શિરડી સાંઇબાબા સહિત...

ગુજરાતના સોમનાથ સહિત વૈભવથી છલકાતા 10 મંદિરો

India, Gujarat, Dharmik | 12 April, 2024 | 01:09 PM
અબજો રૂપિયાની સંપત્તિ ધરાવતા આ મંદિરોની દિવાલો સોનાની તો સોના-ચાંદી-હિરા-મોતીના છલકાતા ભંડારો : ભકતો તરફથી ચડાવવામાં આવતા કરોડો રૂપિયાનો ચડાવો
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા. 12
આપણા દેશમાં મંદિરો પ્રાચીન કાળથી વૈભવી રહ્યા છે. મંદિરો સોના, ચાંદી અને હીરાથી ભરેલા હોવાથી અવારનવાર  વિદેશી આક્રમણખોરોના ભોગ પણ બન્યા છે. આજે પણ મંદિરોની દિવાલો સોનાથી મઢેલી જોવા મળે છે. દેશમાં ગુજરાતના સોમનાથથી માંડીને તિરૂમાલા તિરૂપતિ, સુવર્ણ મંદિર, વૈષ્ણોદેવી મંદિર, શિરડીના સાંઇબાબા મંદિર સહિત 10 મંદિરો સમૃધ્ધિઓથી ભરપુર છે.

ભારતને પ્રાચીન કાળથી સોનાની ચીડિયા કહેવામાં આવે છે. દેશમાં અનેક વિદેશી હુમલાઓ થયા જેણે દેશને લૂંટીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આજે પણ દેશમાં એવા અનેક મંદિરો છે જે કરોડોની કિંમતના સોના અને હીરાથી ભરેલા છે.

દેશના આ મંદિરો લોકોની આસ્થાના પ્રતિક છે અને દર વર્ષે લાખો લોકો અહીં દર્શન કરવા અને તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવે છે. આ મંદિરોમાં દર વર્ષે લાખો રૂપિયાનો પ્રસાદ આવે છે. આવો જાણીએ દેશમાં આવા કયા કયા મંદિરો છે.

 

તિરૂમાલા તિરૂપતિ વેંકટેશ્વર મંદિર (આંધ્રપ્રદેશ)
તે વિશ્વનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ 3 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે વિપ્રો, નેસ્લે, ઓએનજીસી, ઈન્ડિયન ઓઈલ જેવી કંપનીઓની કુલ કિંમત કરતાં વધુ છે. મંદિરની વાર્ષિક કમાણી 1,400 કરોડ રૂપિયા છે.

પદ્મનાભ સ્વામી મંદિર, તિરૂવનંતપુરમ (કેરળ)
કેરળમાં સ્થિત આ મંદિરની કુલ સંપત્તિ 1.20 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તાજેતરમાં, આ મંદિરમાં એક નવો ખજાનો મળ્યો છે, જેમાં સોના, ચાંદી અને હીરા અને ઝવેરાતનો વિશાળ ભંડાર છે.

ગુરૂવયુર દેવાસમ, ગુરૂવયુર (કેરળ)
ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિરમાં અપાર સંપત્તિ છે. 2022માં એક RTIના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે આ મંદિરમાં 1,737.04 કરોડ રૂપિયાની બેંક ડિપોઝિટ છે. આ ઉપરાંત મંદિર પાસે 271.05 એકર જમીન પણ છે.

સોમનાથ મંદિર (ગુજરાત)
આ મંદિર આઝાદી પછી ફરીથી બનાવવામાં આવ્યું છે. તેને બનાવવામાં અંદરના ભાગમાં 130 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને શિખર પર 150 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર પાસે કરોડોની કિંમતની 1700 એકર જમીન છે.

જગન્નાથપુરી મંદિર (ઓડિશા)
ઓડિશામાં સ્થિત આ મંદિરની ગણના દેશના સૌથી ધનિક મંદિરોમાં પણ થાય છે. તેની કુલ સંપત્તિ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રથયાત્રા માટે પ્રખ્યાત આ મંદિર પાસે 30 હજાર એકરથી વધુ જમીન છે.

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ (મહારાષ્ટ્ર)
મહારાષ્ટ્રના આ ગણપતિ મંદિરની કુલ સંપત્તિ 125 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મંદિર રોજની 30 લાખ રૂપિયાની કમાણી કરે છે.

મીનાક્ષી મંદિર, મદુરાઈ
દેશના એવા કેટલાક મંદિરોમાં તેનો સમાવેશ થાય છે જ્યાં દરરોજ 20 થી 30 હજાર ભક્તો દર્શન માટે આવે છે. મંદિરની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે. આ મંદિર પરિસરમાં લગભગ 33,000 શિલ્પો છે. મુખ્ય મૂર્તિ દેવી મીનાક્ષીની છે જે ભગવાન સુંદરેશ્વર (ભગવાન શિવ)ના પત્ની છે. દેશના સૌથી ધનિક મંદિરોમાં તેનો સમાવેશ થાય છે.

શિરડી સાંઈબાબા (મહારાષ્ટ્ર)
મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરની ગણના પણ દેશના સૌથી ધનિક મંદિરોમાં થાય છે. આ મંદિરમાં સાંઈ બાબાની મૂર્તિ માટે 94 કિલો સોનાનું સિંહાસન બનાવવામાં આવ્યું છે. માત્ર 2022માં જ ભક્તોએ મંદિરમાં 400 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.

વૈષ્ણોદેવી મંદિર (જમ્મુ)
વૈષ્ણો દેવી મંદિર હિંદુઓ માટેના મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે. દેવીની પૂજા માટે સમર્પિત આ મંદિરને છેલ્લા બે દાયકામાં 1800 કિલો સોનું, 4700 કિલો ચાંદી અને 2 હજાર કરોડ રૂપિયા રોકડમાં દાન મળ્યું છે.

સુવર્ણમંદિર, અમૃતસર (પંજાબ)
શીખોના સૌથી મોટા ધાર્મિક કેન્દ્ર સુવર્ણ મંદિર વિશે કહેવાય છે કે આ મંદિર વાર્ષિક 500 કરોડ રૂપિયાની કમાણી કરે છે. મંદિરના નિર્માણમાં લગભગ 400 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj