પાંચમા તબકકાની ચૂંટણીમાં 695માંથી 227 ઉમેદવાર કરોડપતિ : 159 સામે અપરાધીક કેસ

India, Politics, Lok Sabha Election 2024 | 15 May, 2024 | 11:00 AM
♦ ટોપ-3 ધનિક ઉમેદવારોમાં બે ભાજપના
સાંજ સમાચાર

♦ ભાજપના 40માંથી 19 અને કોંગ્રેસના 18માંથી 8 સામે ગુના

 

♦ એક ઉમેદવાર પાસે કોઇ સંપતિ નથી : અન્ય એક પાસે માત્ર 67 રૂપિયા

 

♦ પાંચ ઉમેદવારો સંપૂર્ણ નિરક્ષર : 15 માત્ર સાક્ષર 

 

નવી દિલ્હી, તા. 15
લોકસભા ચૂંટણીના ચાર તબકકા પૂર્ણ થઇ ગયા છે અને પાંચમા તબકકાનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે પાંચમા તબકકામાં સામેલ 695માંથી 227 ઉમેદવારો કરોડપતિ છે જયારે 159 કલંકિત અર્થાત તેઓ ગુનાહીત કૃત્ય ધરાવે છે. 

એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ દ્વારા જારી કરાયેલા વિશ્લેષણ રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, પાંચમા તબકકામાં કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે અને તેઓએ ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરેલા એફીડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું. 159 ઉમેદવારો સામે અપરાધીક કેસ હોવાનું માલુમ પડયું છે.

જયારે 227 ઉમેદવારો કરોડપતિ છે. અપરાધીક કેસ ધરાવતા 159માંથી 122 સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ચાર સામે હત્યા અને 28 સામે હત્યાની કોશીશ જેવા ગંભીર ગુનાઓ છે. 29 ઉમેદવારો સામે મહિલા અત્યાચારના કેસો અને તે પૈકી એક સામે બળાત્કારનો ગુનો દાખલ થયેલ છે. ભડકાઉ ભાષણ જેવા કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 10 છે. 

પક્ષવાર ઉમેદવાર ચકાસવામાં આવે તો સમાજવાદી પાર્ટીના 10માંથી 5 ઉમેદવારો સામે અપરાધીક કેસ છે. શિવસેનાના 6માંથી 3, એઆઇએમઆઇએમના 4માંથી 2, ભાજપના 40માંથી 19, કોંગ્રેસના 18માંથી 8, ટીએમસીના 7માંથી 3, શિવસેન યુબીટીના 8માંથી 3 અને રાજદના પાંચમાંથી 1 ઉમેદવાર સામે અપરાધીક કેસ દાખલ થયેલો છે. 

695માંથી 33 ટકા અર્થાત 227 ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના સૌથી વધુ 36 ઉમેદવારો કરોડપતિ છે. એઆઇએમઆઇએમના 4માંથી 2 ઉમેદવાર કરોડપતિ છે. પાંચમા તબકકામાં સામેલ ઉમેદવારોની સરેરાશ સંપતિ 3.56 કરોડ થવા જાય છે. એનસીપી શરદ પવાર જુથના બે ઉમેદવારોની સૌથી વધુ સરેરાશ 54.64 કરોડની સંપતિ છે. 86 ઉમેદવારોની સંપતિ પાંચ કરોડ કે તેથી વધુની છે જયારે 73ની બે કરોડ કે તેનાથી વધુ છે. 199 ઉમેદવારોની સંપતિ 10 લાખ કે તેનાથી પણ ઓછી છે. સૌથી ધનીક ઉમેદવાર અનુરાગ શર્મા છે, ઉતરપ્રદેશની ઝાંસી બેઠક પરના ભાજપના આ ઉમેદવારે 212 કરોડની સંપતિ જાહેર કરી છે.

જયારે બીજા સ્થાને અપક્ષ નિલેશ ભગવાન સાંભરેની સંપતિ 116 કરોડ છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલ 110 કરોડની સંપતિ સાથે ત્રીજા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે એક ઉમેદવારે કોઇપણ સંપતિ ન હોવાનું જાહેર કર્યુ છે જયારે અન્ય એક ઉમેદવારે સંપતિમાં 67 રૂપિયા, બીજા એકે 700 રૂપિયા તથા ત્રીજાએ 5427ની સંપતિ દર્શાવી છે. 

શૈક્ષણિક લાયકાત પર નજર કરવામાં આવે છે 695માંથી 42 ટકા અર્થાત 293 ઉમેદવારો પાંચથી 12 ધોરણ સુધી  અભ્યાસ ધરાવે છે. જયારે 349 ઉમેદવારો સ્નાતક અથવા તેથી વધુની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. 26 ઉમેદવારો ડિપ્લોમાં હોલ્ડર છે. જયારે 20માંથી પાંચ ઉમેદવારો નિરક્ષર છે. 

ઉમેદવારોની વય પર નજર કરવામાં આવે તો 207 ઉમેદવારો 25 થી 40 વર્ષના છે. જયારે 384 48 થી 60 વર્ષના છે. 103 ઉમેદવારોની ઉંમર 61 થી 80 વર્ષની છે જયારે એક ઉમેદવાર 82 વર્ષના છે. 695માંથી 82 મહિલા ઉમેદવાર છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj