જામનગરમાં ખુલશે વિકાસ કામનો પટારો: શુક્રવારે મુખ્યમંત્રી-ગૃહ રાજયમંત્રીના હસ્તે 300 કરોડના કામનું ખાતમુર્હુત-લોકાપર્ણ

Gujarat | Jamnagar | 28 February, 2024 | 02:44 PM
સાંજ સમાચાર

જામનગર તા.28:
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી શુક્રવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. જામનગર શહેરમાં 300 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપવા ઉપરાંત આ બન્ને મહાનુભાવો મોટી ખાવડી ખાતે યોજાયેલ અનંત અંબાણીના પ્રિ-વેડીંગ સમારોહમાં હાજરી આપી શકે છે.

તાજેતરમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન બ્રીજ સહિતના વિકાસ કામોના લોકાપર્ણ કર્યા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહરાજય મંત્રી જામનગર આવી રહ્યા છે. તા.1 માર્ચ અને શુક્રવારના રોજ આ બન્ને જામનગર આવશે અને અનેક વિકાસ કામોના ખાતમુર્હુત તથા લોકાપર્ણ કરશે. આ કાર્યક્રમમાં જે કામોનો સમાવેશ થનાર છે તેની યાદીને આખરી ઓપ આપવા માટે જામનગરથી અધિકારીઓને આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી દ્વારા ગૃહરાજયમંત્રીની ઉપસ્થિતિમાં જે વિકાસ કામોનું ખાતમુર્હુત કરવામાં આવનાર છે તેમા મોટાભાગના કામો જામનગર મહાનગરપાલિકા હસ્તકના છે. 247 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત થશે તેમજ 20 કરોડથી વધુના કામોનું લોકાપર્ણ કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસ કામોનું ખાતમુર્હુત થનાર છે તેમા ઢીંચડા પાસે 30 એમએલડીની ક્ષમતાવાળા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) તેમજ ડ્રેનેજ પંપીગ સ્ટેશનના 57 કરોડનો પ્રોજેકટ, લાલપુર અને ખંભાળિયા રોડ ઉપર રૂા.4 કરોડના ખર્ચે બે સિવિક સેન્ટર, હાપા માર્કેટ યાર્ડ રોડ ઉપર રૂા.5.5 કરોડના ખર્ચે બનનાર ફલાય ઓવરબ્રીજ, બે સ્થળે રૂા.2.88 કરોડના ખર્ચે સ્માર્ટ આંગણવાડી, રૂા.4.20 કરોડના ખર્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની દેવરાજ દેપાળ વિદ્યાલય અને સોનલનગરની પ્રાથમિક શાળાને સ્માર્ટ શાળામાં રૂપાંતર, ભૂગર્ભ ગટર પાઇપલાઇન નેટવર્કનું રૂા.પાંચ કરોડનું કામ તેમજ 12.66 કરોડના ખર્ચે વોટર વર્કસ વિભાગના ઓટોમાઇઝેશનનું કામ, રૂા.6.55 કરોડના ખર્ચે નંદઘર બનાવવાનું કામ મુખ્ય રહેશે.

આ ઉપરાંત પંપહાઉસ ખાતે 27 એમએલડીની ક્ષમતા સાથેના બનાવાયેલ ફિલ્ટર પ્લાન્ટ અને 162 લાખ લીટરની કેપેસીટીના અન્ડર ગ્રાઉન્ડ સંપનો રૂા.20 કરોડનો પ્રોજેકટ કે જેની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે તેનું લોકાપર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત 15 એમએલડી ક્ષમતાના સંપનું રિનોવેશન કામ પૂર્ણ થયું છે તેનું પણ લોકાપર્ણ કરાશે.

સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાત પાસે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અસરકારક રજુઆત કરી મંજૂર કરવામાં આવેલ રૂા.21 કરોડના અંદાજિત ખર્ચે શહેરના ગાંધીનગર વિસ્તારમાં બ્રુકબોન્ડવાળી જગ્યા તરીકે ઓળખાતા સ્થળે નિર્માણ પામનાર સ્પોટ્સ કોમ્પ્લેક્ષનું પણ મુખ્યમંત્રી અને ગૃહરાજયમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે. ઉપરોકત કામો સિવાયના કેટલાક કામો પણ આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવનાર છે અને સમગ્ર કાર્યક્રમના કામોની યાદીને આખરી ઓપ આપવા માટે આજે જામનગર મહાનગરપાલિકાના તથા સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાતના અધિકારીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયે બોલાવવામાં આવ્યા છે. સાંજ સુધીમાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આ કાર્યક્રમને લીલીઝંડી આપી દેવામાં આવશે.

જામનગરમાં શરૂ સેકશન રોડ ઉપર આવેલ જામનગર જિલ્લા પોલીસ હેડકવાર્ટર સંકુલમાં તૈયાર કરવામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું પણ લોકાપર્ણ કરવામાં આવશે.
જાણવા મળતી વિગત અનુસાર મુખ્યમંત્રી અને ગૃહરાજયમંત્રી જામનગરના કાર્યક્રમ ઉપરાંત મોટી ખાવડી નજીક આવેલ રિલાયન્સ ટાઉનશીપમાં યોજાઇ રહેલા રિલાયન્સના યુવા ડાયરેકટર અનંત અંબાણીના પ્રિ-વેડીંગ સમારોહના પ્રથમ દિવસના કાર્યક્રમમાં આમંત્રીત મહેમાન તરીકે ઉપસ્થિત રહી શકે છે. આ માટે પોલીસ સહિતના તંત્રને સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.

મુખ્યમંત્રી અને ગૃહરાજય મંત્રીના જામનગરના પ્રવાસના કાર્યક્રમ અંગે પુછતા જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન નિલેશભાઇ કગથરા અને સિટી ઇજનેર ભાવેશ જાનીએ આ કાર્યક્રમ અંગે તૈયારી ચાલતી હોવાનું ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj