4થો ટેસ્ટ: ઈંગ્લેન્ડ 353માં ઓલઆઉટ: ભારતે પ્રથમ દાવમાં 161માં 5 વિકેટ ગુમાવી દીધી

India, World, Sports | 24 February, 2024 | 05:26 PM
જયસ્વાલની અડધી સદી: રોહિત-પાટીદાર-જાડેજા સસ્તામાં ઉડયા: બોલીંગમાં ભારતના રવિન્દ્ર તથા ઈંગ્લેન્ડના બશીરનો તરખાટ
સાંજ સમાચાર

રાંચી,તા.24
રાંચીમાં રમાતા ચોથા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 353 રનમાં પુરો થયા બાદ ભારત પણ 161 રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠુ હતું. રોહિત શર્મા, રજત પાટીદાર તથા રવિન્દ્ર જાડેજા સસ્તામાં ઉડયા હતા.

ટેસ્ટ મેચમાં બીજા દિવસે આજે ઈંગ્લેન્ડે સાત વિકેટે 302 રનના જુમલેથી દાવ આગળ ધપાવ્યો હતો. જો રૂટ તથા રોબીન્સનની અણનમ જોડીએ ભારતીય બોલરોને મચક આપ્યા વિના સ્કોરબોર્ડ ફરતો રાખીને જુમલો 347 પર પહોંચાડી દીધો હતો ત્યારે ભારતીય બોલર રવિન્દ્ર જાડેજા ત્રાટકયો હતો.

એક જ ઓવરમાં રોબીન્સન તથા બસીરને આઉટ કર્યા હતા. રોબીન્સને 58 રન કર્યા હતા અને બસીર ખાતુ પણ ખોલાવી શકયો ન હતો. આ પછી ફરી વખત જાડેજાએ જ એન્ડરસનને શૂન્ય રને આઉટ કરતા ઈંગ્લેન્ડ 353 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. જો રૂટ 122 રને અણનમ રહ્યો હતો. આજે ઈંગ્લેન્ડની બાકીની ત્રણેય વિકેટો રવિન્દ્ર જાડેજાએ ઝડપી હતી. આ ત્રણ વિકેટો માત્ર 6 રનમાં ખડી ગઈ હતી.

ઈંગ્લેન્ડના ઓલઆઉટ થયા બાદ ભારતે પ્રથમ દાવની શરૂઆત કરતા ત્રીજી ઓવરમાં જ પ્રથમ ઝટકો લાગ્યો હતો. કપ્તાન રોહિત શર્મા માત્ર 2 રનના વ્યક્તિગત જુમલે એન્ડરસનના દડામાં વિકેટ પાછળ ઝીલાઈ ગયો હતો. જો કે, જયસ્વાલ તથા શુભમન ગીલે બાજી સંભાળી લીધી હતી અને સંગીન રમત આગળ ધપાવી હતી. બીજી વિકેટમાં બન્નેએ 82 રન ઉમેર્યા હતા.

ત્યારે ગીલ બશીરના દડામાં લેગબીફોર થયો હતો. તેણે 38 રન કર્યા હતા. રજત પાટીદાર ફરી એકવાર નિષ્ફળ ગયો હોય તેમ 17 રને લેગબીફોર થયો હતો. રવિન્દ્ર જાડેજા પણ 12 રને બશીરના દડામાં જ આઉટ થયો હતો. એક છેડો સાચવીને ઉભેલો જયસ્વાલ પણ છેવટે 73 રને આઉટ થતા ભારતની અર્ધી ટીમ 161 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ વતી બશીરે તરખાટ સર્જયો હોય તેમ ચાર વિકેટો ઝડપી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj