વંથલીના રવનીના ડબલ મર્ડરના ફરાર 7 આરોપી ઝડપાયા

Crime | Junagadh | 17 May, 2024 | 11:51 AM
જયપુર અને આંબલીયા ગામની સીમમાં છુપાયા: બંદુક, પિસ્તોલ, તમંચો-છરા, ગન પાવડર સાથે પકડાયા: 4 દિવસની રિમાન્ડ મંજુર
સાંજ સમાચાર

જુનાગઢ,તા.17
વંથલી તાબેના રવની ગામની સીમમાં ગત તા.10-5ની રાત્રીના પિતા પુત્રની ફાયરીંગ કરી હત્યા કરી નાખ્યાના બનાવમાં જુનાગઢ ક્રાઈમ બ્રાંચે બે હત્યારાઓને જયપુર ઉપરાંત 5 શખ્સોને તલીયાધર- ઘંટીયા ગામની સીમમાંથી પકડી લીધા હતા. આ હત્યારાઓએ હત્યા કરેલ હથીયારો આંબલીયા ગામની સીમના વોંકળામાં છુપાવેલ તે પોલીસે કબ્જે કર્યા છે. જયપુરથી પકડાયેલા બે શખ્સોએ હત્યાનું કાવત્રુ રચી તેમના નામ ન આવે તે માટે અગાઉથી ગોધરા જતા રહ્યા હતા. બાદ ઈન્દોરથી જયપુર જતા રહ્યા હતા.

આ અંગેની વિગતો આપતા જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા વંથલીના રવની ગામે સલીમ સાંધની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી.

આ હત્યા કરનાર લતીફ સાંધને જીહાલે માહિતી આપી હોવાનું મનદુ:ખમાં ગત તા.10-5-2024ની રાત્રીના જીહાલ રફીક સાંધ (ઉ.18) અને તેના પિતા રફીકભાઈ સાંધ (ઉ.45)ની ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ અંગેની ફરીયાદ કરતા વંથલી પોલીસે 302 સહિતની ડબલ મર્ડરનો ગુન્હો દાખલ કર્યો હતો. જેની ગંભીરતા લઈ એસપી હર્ષદ મહેતાએ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી હતી.

હત્યા કર્યા બાદ સાતેય આરોપીઓ જુદી જુદી જગ્યાએ છુપાયા હતા. ક્રાઈમ બ્રાંચે સર્વેલન્સના આધારે વંથલીના ઝાંપોદળનો રહીમ ઉર્ફે ઈશા સાંધ ઈન્દોર ગયાની માહિતી મળતા જેના આધારે પીએસઆઈ ડી.કે. ઝાલા અને સ્ટાફે તેનો પીછો કરતા ઉજજૈનથી દિલ્હી થઈ પરત જયપુર આવનાર હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવી રહીમ ઉર્ફે ખુરી અને હુસેન અલ્લારખા સાંધને દબોચી લઈ જુનાગઢ લઈ આવેલ. ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.જે. પટેલ સહિતના સ્ટાફે અન્ય ટીમો દ્વારા હબીબ સાંધ, પોલા યુસુફ સાંધ, અને હનીફ ઈસ્માઈલ સાંધને તલીયાધારની સીમમાંથી તેમજ અબ્દુલ ઉર્ફે અબલો ઈબ્રાહીમ સાંધ અને ઈસ્માઈલ ઈબ્રાહીમ સાંદને ઘંટીયા ગામની સીમમાંથી દબોચી લીધા હતા.

હથીયારોની પુછપરછમાં આંબલીયા ગામની સીમના વોંકળામાંથી દેશી જામગરી બાર બોરનો જોટો, દેશી તમંચો, દેશી પીસ્ટલ, છ જીવતા કાર્ટીસ પાવડર ગનના કબજે કર્યો હતો. તેમજ ચાર મોબાઈલ રૂા.8200 રોકડ તેમજ કાર સહિત કુલ રૂા.15.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે સાતેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસની પુછપરછમાં મૃતક રફીકભાઈ અન્ય લોકો સાથે મળી હત્યાનું કાવત્રું કરતો હોવાનું જાણવા મળેલ. આથી આ સાતેય આરોપીઓએ રફી સાંધ હત્યા કરે તે પહેલા તેની અને તેના પુત્રની ફાયરીંગ કરીને હત્યા કરવામાં આવ્યાનું કબુલ્યું હતું. તે માટે 15 દિવસથી રફીક અને તેના પુત્ર પર વોચ ગોઠવી નજર રાખતા હતા.  ચાર સામે હત્યા, હત્યાના પ્રયાસના ગુનાઓ પોલીસ ચોપડે બોલે છે.

જેમાં રહીમ ઉર્ફે ખુરી સામે વંથલી, સી ડીવીઝનમાં ગુનો દાખલ થયો છે. પાટણવાવ પોલીસ સ્ટેશનમાં 9 ગુન્હા, હુસેન અલ્લારખા સાંધ સામે હત્યા, હત્યાના પ્રયાસ સહિત ચાર ગુન્હાઓ નોંધાયા છે. હનીફ ઈબ્રાહીમ સાંધ સામે વંથલી પોલીસમાં તેમજ ઈબ્રાહીમ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj