વાંકાનેરના રામધામમાં કાલથી ચાર દિ’ના ધર્મોત્સવનો પ્રારંભ: તૈયારીઓને આખરીઓપ

Dharmik | Morbi | 15 February, 2024 | 12:38 PM
કાલે બપોરે મહાપ્રસાદ બાદ જલયાત્રાનો પ્રારંભ થશે: 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે: દેશ-વિદેશમાંથી રઘુવંશીઓ ઉમટી પડશે
સાંજ સમાચાર

(લિતેશ ચંદારાણા)
વાંકાનેર તા.15
 વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક સમસ્ત રઘુવંશી સમાજના એકતાના પ્રતિકસમા રામદામ (જાલીડા) ખાતે આગામી તા.16થી 19 ચાર દિવસીય 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞ, ભવ્ય જલયાત્રા, સમગ્ર સૌરાષ્ટ્રના ભુદેવો માટે બ્રહ્મચોર્યાસી તેમજ શ્રીરામધામ તિર્થધામનું ભુમીપુજન સહિતના યોજાનાર કાર્યક્રમો અંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સીધી દેખરેખ હેઠળ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે.

 સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના તમામ રઘુવંશી પરિવારો તથા દરેક ગામના લોહાણા મહાજનો વાંકાનેરના આંગણે પધારતા હોય ત્યારે તેમને સત્કારવા તથા તેમને રહેવા, ભોજન સહિતની તમામ સુવિધા પુરી પાડવા સહિતની વિવિધ કમીટી બનાવી આ ઉપરાંત શ્રીરામધામ ખાતે ચાર દિવસ તન-મન-ધનથી કામ કરી શકે તેવા સ્વયં સેવકોને અલગ અલગ કામગીરી સોંપવા સહીતની તૈયારીઓ રામધામના અગ્રણીઓ વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, ભાવનાબેન મીરાણી તથા રઘુવંશી અગ્રણી આગેવાનો દ્વારા અત્રે વાંકાનેર શ્રી રામ કોમ્પલેક્ષમાં આવેલ શ્રી રામધામ કાર્યાલય ખાતે દરરોજ રાત્રે મીટીંગો યોજવામાં આવી રહી છે.

 આ ઉપરાંત આગામી તા.16થી 19 ફેબ્રુઆરી ચાર દિવસીય કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે શ્રી રામધામ ખાતે શ્રમ યજ્ઞ માટે મહીલાઓ પણ દરરોજ એક બસ ભરી રામધામ ખાતે જતા હોય છે. આ તકે વાંકાનેર લોહાણા સમાજની મહીલાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 તેમજ શહેરભરમાં પ્રચાર પ્રસાર અર્થે શહેરમાં બેનર, હોર્ડીંગ કમાનો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આગામી ચાર દિવસીય કાર્યક્રમ દરમ્યાન દરેક રઘુવંશી પરિવારોના આંગણે તોરણ તથા રંગોળી સુચન રામધામના પાયાના કાર્યકર અને રઘુવંશી અગ્રણી વિનુભાઈ કટારીયા દ્વારા કરવામાં આવેલ.

 તૈયારીઓના ભાગરૂપે શ્રી રામધામની પાવન ભુમી પર 108 કુંડ તૈયાર કરવાનું તેમજ વિશાળ ડોમ (સમીયાણો) ઉભો કરવાનું કામ હાલ યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે.

 શ્રી રામધામ ખાતે ચાલતી તડામાર તૈયારીને આખરીઓપ આપવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ટ્રસ્ટી હસુભાઈ ભગદેવ, વિનુભાઈ કટારીયા, ગિરીશભાઈ કાનાબાર સહીતના અગ્રણી આગેવાનોએ રામધામની પાવન ભુમી પર ધામા નાખ્યા.

 આ ઉપરાંત ગામેગામથી જલયાત્રામાં પધારતા રઘુવંશી પરિવારોને સત્કારવા શ્રી રામધામના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ તથા વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ, રઘુવંશી સોશ્યલ ગ્રુપમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj