પોણા બે લાખ લોકોએ અટલ સરોવરમાં ફરી લીધુ : નવા આકર્ષણો ઉમેરવામાં ઘોર વિલંબ

Saurashtra | Rajkot | 24 May, 2024 | 05:28 PM
24 દિવસથી લોકોની સતત ભીડ યથાવત : મુખ્યમંત્રીએ ખુલ્લી મૂકેલી જગ્યા લોકોની ફેવરીટ બની ગઇ : રાઇડસની વાતો વેકેશનના દિવસોમાં કાગળમાં જ રહી : નોટીસ અને ખુલાસાના ચકકરમાં ડેવલપમેન્ટને બ્રેક
સાંજ સમાચાર

રાજકોટ, તા. 24
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સીટી વિસ્તારમાં વિકસાવવામાં આવેલા રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરને તા.1 મેથી જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના હસ્તે આ નવા રેસકોર્સ જેવા સરોવર વિસ્તારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

તા.1થી લોકોને પ્રવેશ મળતા આજ સુધીના 24 દિવસમાં અંદાજે પોણા બે લાખ જેટલા લોકોએ અટલ સરોવરની મુલાકાત લીધાનું જાણવા મળ્યું છે. બીજી તરફ અટલ સરોવરમાં ટોય ટ્રેન, ફુડ કોર્ટ, ફેરીસ વ્હીલ સહિતની કોઇ સુવિધા હજુ ઉમેરવામાં આવી ન હોય લોકોને જે રીતના સપના દેખાડવામાં આવ્યા છે તેવી કોઇ નવી સુવિધાના દર્શન થતા નથી. 

મુખ્યમંત્રીએ આ અટલ સરોવર વિસ્તારનું ઉદઘાટન કર્યા બાદ ગુજરાત સ્થાપના દિનથી લોકો માટે નવું ફરવાનું સ્થળ ખુલ્લુ મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ 1 મેથી આ સુવિધા શરૂ થઇ ગઇ છે. પ્રથમ દિવસે 10 હજારથી વધુ લોકોએ અટલ સરોવરની મુલાકાત લીધી હતી. આ દિવસનો ઉત્સાહ જોતા મનપા અને સંચાલક કંપનીને પણ સુખદ આશ્ચર્ય થયું હતું. જોકે પાર્કિંગ, વાહન ચડાવવાનો સ્લોપ સહિતની સુવિધા થોડા દિવસો બાદ શરૂ થઇ હતી. 

દરમ્યાન શનિ-રવિ, બુધવાર જેવા દિવસોમાં ખુબ વધારે અને અન્ય દિવસોમાં પણ ફરવાના શોખીન યુવા વર્ગનું પ્રિય સ્થળ બનવા લાગ્યું છે. તાજેતરમાં કંપનીએ મંજુરી વગર ખાણીપીણીની રેંકડીઓ મુકી દેતા અને ભાવમાં પણ લૂંટ કરવામાં આવતી હોવાની ફરિયાદ બાદ આ રેંકડીઓ કોર્પો.એ બહાર કાઢી છે. કંપની અને કોર્પો. વચ્ચે કરાર થયા છે.

પરંતુ સુવિધા વધારવામાં સંકલન થવાના બદલે બેદરકારી બદલ નોટીસો અને પત્ર વ્યવહારના ઘટનાક્રમ ચાલુ રહેતા એમ્યુઝમેન્ટ પાર્ક જેવી સુવિધા શરૂ કરવાની રાહમાં મોટા ભાગનું શૈક્ષણિક વેકેશન પુરૂ થઇ ગયું છે. હવે ચોમાસામાં આ સુવિધાઓ શરૂ થાય તેમાં શંકાઓ છે. 

આ પ્રોજેકટ 136 કરોડના ખર્ચે તા.7-11-19ના રોજ શરૂ થયો હતો અને 7-3-24ના રોજ કાગળ પર પુરો થયો હતો. આ બાદ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રમાં પણ આ સ્થળ રમણીય બની શકે છે. તેનો અંદાજ 24 દિવસમાં પોણા બે લાખ લોકોએ લીધેલી મુલાકાત પરથી આવે છે. ટીકીટના દર બાળકો માટે રૂા. 10 અને મોટા માટે રૂા.25 રાખવામાં આવ્યા છે.

તો શેરીંગ પ્રોજેકટમાં પ્રથમ પાંચ વર્ષ માટે આવકમાંથી કંપની કોર્પો.ને 51 લાખ, બીજા પાંચ વર્ષ માટે 70 લાખ અને ત્રીજા પાંચ વર્ષ માટે 80 લાખનું વાર્ષિક પ્રિમીયમ આપનાર છે. આ તળાવમાં 477 મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે છે. 2.93 ચો.મી.ના ક્ષેત્રફળમાં 92,837 ચો.મી. વોટર બોડી છે અને બારે માસ પાણી ભરેલું રહેવાનું છે.

આ પ્રોજેકટની 15 વર્ષની નિભાવ મરામતની જવાબદારી એજન્સીને સોંપવામાં આવી છે. રાજકોટમાં લાલપરી અને રાંદરડા બાદ અડધી સદીમાં આ એક માત્ર તળાવ નવા રીંગ રોડ ટચ બનાવવામાં આવ્યું છે. કુદરતી રમણીય સ્થળ વચ્ચે રહેલા અટલ સરોવરમાં એમ્યુઝમેન્ટ પાર્ક જેવી સુવિધા શરૂ કરવાની વાતો વચ્ચે હાલ તો કોર્પો. અને કંપની વચ્ચેનો વિવાદ આડો આવી ગયો છે. 

આ જગ્યાએ ટોય ટ્રેન, બોટ રાઇડસ, ફેરીસ વ્હીલ, લેસર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, એમ્ફી થીયેટર, પાર્ટી પ્લોટ સહિતની સુવિધા ઉભી થવાની છે. પરંતુ આવું કોઇ આકર્ષણ લોકોની ખુબ જ ઉત્કંઠા છતાં હજુ આવી શકયું નથી તે હકીકત છે. 

► પશ્ચિમ રાજકોટના છેવાડે બનાવવામાં આવેલા નવા અને અદ્યતન રેસકોર્સ જેવા અટલ સરોવરનો ક્રેઝ લોકોમાં ખુબ છે. પરંતુ મહાપાલિકા અને કંપની વચ્ચે સંકલનના વાંકે અને બેદરકારીની સ્થિતિમાં નવી સુવિધાનો ઉમેરો માત્ર કાગળ પર રહી ગઇ છે અને નવી રાઇડસ સહિતની કોઇ સુવિધાના ઠેકાણા નથી. છતાં લોકો માટે આ સ્થળ પ્રિય બની રહ્યું છે. (તસ્વીર : પંકજ શીશાંગીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj