ગુજરાતના તમામ મદ્રેસા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વે કરાશે

Gujarat | Ahmedabad | 18 May, 2024 | 11:25 AM
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નોટીફીકેશન જારી : તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણના અધિકારીઓને તાત્કાલીક કામગીરી કરીને રીપોર્ટ મોકલવાની સૂચના : મદ્રેસા-વિદ્યાર્થીઓની સંખ્યાથી માંડીને શિક્ષકોના પગાર, આવકના સ્ત્રોત સહિતની તમામ માહિતી મંગાઇ
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 18
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજય સરકાર દ્વારા હવે નવી કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે રાજયના તમામ મદ્રેસા અને તેમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે અને રાજયના સ્કુલ કમિશ્નર તથા  પ્રાથમિક શિક્ષણના ડાયરેકટરને મદ્રેસા તથા વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. રાજયની મદ્રેસાઓની સંખ્યા તથા તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી શિક્ષણ વિભાગને આપવાની રહેશે. 

કેન્દ્રના બાળ અધિકાર સુરક્ષા પંચ દ્વારા તમામ રાજયો પાસેથી મદ્રેસામાં અભ્યાસ કરતા બિનહિન્દુ બાળકો અને  અનરજીસ્ટર્ડ મદ્રેસાઓની માહિતી માંગવામાં આવી હતી. તેના આધારે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા આ નોટીફીકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે. 

રાજય સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે, બાળ અધિકાર સુરક્ષા પંચના સરકર્યુલરમાં ગુજરાતમાં 1130 મદ્રેસા હોવાનું સૂચવાયું છે. રાજય સરકારને અન્ય કાર્યરત મદ્રેસાઓની માહિતી આપવા પણ કહેવામાં આવ્યું છે. રાજયની  1130 મદ્રેસામાંથી સૌથી વધુ 180 મદ્રેસા પાટણમાં છે. જયારે અમદાવાદ શહેરમાં 175 તથા અમદાવાદ જિલ્લામાં 30 મદ્રેસાઓ નોંધાયેલી છે. 

રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા પંચ દ્વારા મદ્રેસા તથા તેમાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા ઉપરાંત મદ્રેસા કઇ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, સરકારમાં રજીસ્ટર્ડ છે, બીયુ સર્ટીફીકેટ મેળવેલું છે અને ફાયર બ્રિગેડ વિભાગનું એનઓસી ધરાવે છે કે કેમ સહિતની અન્ય અન્ય વિગતો માંગવામાં આવી છે. રાજયના શિક્ષણ વિભાગે દરેક મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા પણ પંચને આપવાની રહે છે.

આ સિવાય મદ્રેસામાં અભ્યાસના કલાકો અને શિક્ષણનો સમય, શિક્ષકોને અપાતા પગાર અને તેના આવકના સ્ત્રોત સહિતની વિગતો પણ એકત્રીત કરવાની રહેેશે. મદ્રેસા દ્વારા મેળવાતા દાનની માહિતી પણ પંચ દ્વારા માંગવામાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલવામાં આવે છે કે કેમ ઉપરાંત છથી 14 વર્ષની વયના બાળકોની માહિતી પણ પંચને આપવાની રહે છે. 

રાષ્ટ્રીય પંચે એવી પણ માહિતી માંગી છે કે મદ્રેસાની સાથોસાથ અન્ય સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોની પણ ચકાસણી કરવામાં આવે. રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ તથા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીઓને તાત્કાલીક અને પ્રાથમિકતાના ધોરણે આ સર્વે કામગીરી હાથ ધરીને રીપોર્ટ સરકારને મોકલવાની સૂચના આપવામાં આવી છે.

પ્રાથમિક શિક્ષણના ડિરેકટર એમ.આઇ.જોશીએ જણાવ્યું હતું કે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ 6 થી 14 વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવાનું ફરજીયાત છે. તમામ બાળકો શિક્ષણના પ્રવાહમાં સામેલ થાય છે કે કેમ તે ચકાસવાનો આ સર્વે પાછળનો ઉદ્દેશ છે. રાજય સરકાર મદ્રેસાઓની કામગીરીને નિયંત્રણમાં લેવાનો ઇરાદો રાખતી નથી. રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા પંચ દ્વારા જ આ તમામ વિગતો માંગવામાં આવી છે તેના આધારે તમામ મદ્રેસાઓની માહિતી એકત્રીત કરીને મોકલવામાં આવશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj