પહેલા ભાજપે ઉમેદવારમાં આશ્ચર્ય સર્જયુ, પછી ખુદ ઉમેદવારે વિવાદ સર્જયો

રાજકોટ બેઠક પર ધાનાણીની એન્ટ્રીથી ત્રીજો રસપ્રદ વળાંક: કોંગ્રેસને એક થવાની તક

Gujarat, Politics | Rajkot | 10 April, 2024 | 12:32 PM
♦ રાજકોટ-કોંગ્રેસમાં મારા-તારા ઉમેદવારની ટકકરમાં હવે ધાનાણી સૌને જોડવામાં ‘ફેવિકોલ’ બની શકે
સાંજ સમાચાર

♦ રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજને હવે વિકલ્પની તક

 

♦ રાજકોટ લોકસભા બેઠક પર છેલ્લી ચાર ચુંટણી બાદ પ્રથમ વખત કડવા સામે લેઉવાનો જંગ

 

♦ રાજકોટના ‘નસીબ’માં બહારનાને જ ચુંટવાનો અફસોસ: અગાઉ કુંડારીયા પણ મોરબીના જ ગણાતા હતા

 

રાજકોટ: 
એક સમયે ભાજપ માટે અત્યંત સરળ ગણાતી રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપે કેન્દ્રીય મંત્રી અને અમરેલી પંથકના અગ્રણી અને કડવા પાટીદાર નેતા પરસોતમ રૂપાલાને ટિકીટ આપીને આ બેઠકની ચૂંટણી જંગમાં પ્રથમ રસપ્રદ વળાંક લીધો હતો.

રાજકોટ લોકસભા બેઠક આમ સતત બીજી વખત ભાજપે સંસદીય મતક્ષેત્રના ઉમેદવારને પસંદ કર્યા છે. પ્રથમ બે ટર્મ મોરબી પંથકના મોહનભાઈ કુંડારીયાને ટિકીટ આપી અને તેઓ વિજેતા બન્યા પછી હવે કોઈ ‘લોકલ’નો ટર્ન લાગ્યો તેવા સંકેત હતા અને આ સલામત બેઠક માટે કડવા પાટીદારમાં પણ અનેક સ્થાનિક મજબૂત નેતાઓ તૈયાર હતા પણ પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સીટી બહારના ભાજપના એક અગ્રણીએ આ બેઠક માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.

આ બેઠક કડવા પાટીદાર માટે ભાજપે ‘અનામત’ રાખી છે તેથી તેઓને ટિકીટ ન મળે તે નિશ્ર્ચિત હતું અને ભાજપે કોઈ સ્થાનિકને બદલે રાજકોટ બેઠક પર અમરેલીના નેતા પરસોતમ રૂપાલા અને પોરબંદર બેઠક પર ભાવનગર પંથકના અને રૂપાલાની સાથે જ કેબીનેટમાં સ્થાન અપાતા મનસુખ માંડવીયા જેઓ લેવા પાટીદાર છે તેમને ઉમેદવાર બનાવ્યા અને પ્રારંભમાં તો બન્ને બેઠકો પર ભાજપ વિજેતા બનશે તે નિશ્ચિત હતું.

પણ ઓચિંતો રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગે જે વિધાનો કરાયા તેણે આ બેઠક પર બીજો રસપ્રદ ટર્ન લાવ્યો છે અને પછી જે બન્યુ તેમાં ક્ષત્રિય સમાજ ચિત્રમાં આવ્યો અને રૂપાલાના વિધાનોને ક્ષત્રિય સમાજની બહેનો માતાઓની અસ્મિતા સાથે જોડી દીધા અને રૂપાલાને બદલવા ભાજપ પાસે માંગણી છતા દિલ્હીથી ગાંધીનગર સુધી ભાજપના મોવડીઓએ રૂપાલા નહી બદલાય અને રૂપાલા છે મકકમ વલણ રાજકોટની લોકસભા બેઠક પર કોંગ્રેસને એક ટકકર સર્જવાની તક આપી છે.

હવે અમરેલી પંથકના જ અને વિપક્ષના નેતા સહિતના પદો પર રહી ચૂકેલા પરેશ ધાનાણીને રાજકોટમાં લડાવવાની તૈયારી કરતા હવે આ બેઠક પર ત્રીજો રસપ્રદ વળાંક આવ્યો છે અને બેઠકનું પરિણામ નિશ્ચિત હોય તો પણ કોંગ્રેસ માટે હવે રાજકોટ બેઠક એક ટેસ્ટકેપ બની ગઈ છે.

રાજકોટમાં ઉમેદવાર અંગે કોંગ્રેસ લાંબા સમયથી દ્વીધામાં હતી અને તેમાં રૂપાલા વિવાદ સર્જાતા કોંગ્રેસ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી હતી પણ હવે રૂપાલાના નોમીનેશનની તારીખો જાહેર થતા કોંગ્રેસ એ આબાદ દાવમાં પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પર ઉમેદવાર બનાવી અમરેલીનું રાજકોટ યુદ્ધ હવે રાજકોટમાં લડાશે તેવા સંકેત છે.

રાજકોટ કોંગ્રેસને એક થવાની તક
રાજકોટ લોકસભા બેઠકમાં તારા અને મારા ઉમેદવાર અંગે શહેર કોંગ્રેસ જબરી ખેચતાણ હતી અને કોઈનું નામ ચર્ચામાં આવે તો બીજુ જુથ તેનો વિરોધ કરતુ હતું પણ હવે રાજકોટ શહેર કોંગ્રેસના જ નેતાઓએ અમરેલી જઈને પરેશ ધાનાણીને આ બેઠક પર ચુંટણી લડવા આમંત્રણ આપ્યુ છે અને હવે ધાનાણી ટકકર આપી શકે તેવી સ્થિતિ પેદા કરવાની જવાબદારી રાજકોટ કોંગ્રેસની હશે.

ક્ષત્રિય સમુદાયને વિકલ્પ મળ્યો
રાજકોટની બેઠક પર રૂપાલા જોઈએ જ નહી તેવી માંગણી પછી પણ ભાજપ મોવડીમંડળે નમતુ જોખ્યુ નથી અને તેથી હવે ક્ષત્રિય સમાજ માટે આર-પારની લડાઈનો વિકલ્પ છે તો તેઓ માટે ધાનાણીની સાથે જવાની એક તક ઉંધી થઈ છે અને રાજકોટ જ નહી અન્ય બેઠક પર પણ હવે તે ખુલ્લું વલણ લઈ શકશે.

લેઉવા-કડવાનો જંગ
રાજકોટમાં લાંબા સમય પછી સંસદીય બેઠક પર કડવા પાટીદાર વિ. લેઉવા પાટીદારનો જંગ હશે જેમાં 2009માં ભાજપના કિરણ પટેલને કુંવરજીભાઈ બાવળીયાએ હરાવ્યા. 2014માં મોહનભાઈ કુંડારીયાએ કોંગ્રેસના જ કડવા પાટીદાર લલિત કગથરાને હરાવ્યા. 2019માં મોહનભાઈએ જ કુંવરજીભાઈ બાવળીયાને હરાવ્યા.
હવે લેઉવા-કડવાનો જંગ પણ શું ફર્ક પાડી શકે તે અંગે રાજકીય ચર્ચા છે. આ ઉપરાંત ‘ઈતર’ જ્ઞાતિ જે મુખ્યત્વે ભાજપની ટેકેદાર છે. તેઓને પણ આ બેઠક જબરી ચર્ચા બાદ બનતા હવે વિકલ્પની તક મળી શકે છે.

 

ધાનાણી આવતા ભાજપને પીછેહઠની પણ તક ન રહી
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિધાનથી ક્ષત્રિય સમાજે જે વિરોધનો બુંગીયો ફુંકયો છે તેમાં હવે પરેશ ધાનાણી રાજકોટ ચુંટણી લડવા આવશે તે નિશ્ર્ચિત બનતા ભાજપ હવે પરસોતમ રૂપાલાને બદલવાનો વિચાર પણ પડતો મુકી દેશે તે નિશ્ર્ચિત બન્યુ છે. ધાનાણી પણ લડાયક નેતા છે અને તેથી તેઓ હવે કેવી મજબૂત ફાઈટ આપી શકે છે તેના પર સૌની નજર છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj