(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે, દસાડાના ખારાઘોઢા ગામ અને લખતર હાઈવે પર અકસ્માતના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં લીંબડી હાઈવે પર કારની ઠોકરે વૃધ્ધનું મોત થયુ છે. જયારે ખારાઘોઢામાં ટ્રકે અડફેટે લેતા વૃધ્ધાનું મોત થયુ છે. બીજી તરફ લખતરના ઝમર પાસે કાર કિલોમીટરના પથ્થર સાથે ધડાકાભેર અથડાઈ હતી.સાયલાની ઉમીયા પાર્ક સોસાયટીમાં રહેતા 68 વર્ષીય રઘુવીરસિંહ જીલુભા ઝાલા લીંબડી હાઈવે પર હોટેલ હનુમંત ચલાવે છે.ગત તા. 8-4ના રોજ તેઓ હોટલ પાસે ચોટીલા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કરેલ હોઈ સેવા આપવા તેમના મિત્ર 72 વર્ષીય મનસુખભાઈ ચીકાભાઈ મકવાણા સાથે સાયલાથી લીંબડી જતા હતા.
ત્યારે ચોરણીયાના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા સમયે તેઓએ બાઈક ધીમુ કરી પાછળ આવતા વાહનો પર નજર રાખતા હતા. આ સમયે પાછળથી પુરઝડપે આવેલ એક બોલેરો કારે બન્નેને અડફેટે લઈ ફંગોળ્યા હતા. જેમાં બન્નેને ઈજાઓ પહોંચી હતી. જેમાં રઘુવીરસીંહને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં તેઓ 3 દિવસે ભાનમાં આવ્યા હતા.
બીજી તરફ મનસુખભાઈને તેમના પરીવારજનો જોરાવરનગરની સવા હોસ્પિટલ લઈ ગયા હતા. જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બોલેરો કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એ.જે.જાડેજા ચલાવી રહ્યા છે. જયારે દસાડા તાલુકાના ખારાઘોઢા નવાગામમાં રહેતા 47 વર્ષીય પ્રકાશભાઈ ખેમાભાઈ ઝાલા મજુરી કરે છે.
તેમના માતા ચકુબેન ખેમાભાઈ ઝાલા હિન્દુસ્તાન સોલ્ટમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. અને 10-11 મહીના પહેલા જ નિવૃત થયા હતા. ગત તા. 16-3એ રાત્રે તેઓ બજારમાં આવેલ પોસ્ટ ઓફીસ પાસેથી ચાલીને જતા હતા. ત્યારે એક ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા પગમાં ઈજા પહોંચી હતી. આથી તેઓને પાટડી દવાખાને, વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન ગત તા. 9-4એ ચકુબેનનું મોત થયુ હતુ.
આ બનાવની પ્રકાશભાઈએ ટ્રક ચાલક સામે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઈ આર.જે.રાઠોડ ચલાવી રહ્યા છે. બીજી તરફ લખતર તાલુકાના ઝમર પાસે વિરમગામથી સુરેન્દ્રનગર તરફ જતી કારના ચાલકે કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તાની સાઈડમાં આવેલ કિલોમીટરના પથ્થર સાથે અથડાઈ હતી. જેમાં પથ્થર તુટીને 5 મીટર દુર ફેંકાયો હતો. આ બનાવમાં કારને પણ નુકશાન થયુ હતુ અને ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy