પુના (મહારાષ્ટ્ર) ખાતે પટેલ સમાજના સંઘ સ્થવિર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ

આચાર્ય ભગવંત શ્રી દોલતસાગરસૂરીજી મ. 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

Dharmik | Rajkot | 19 February, 2024 | 01:12 PM
પૂ. આગમોધ્ધારક, બહુશ્રુતપુરૂષ, આ.શ્રી આનંદસાગરસૂરીજી મ.ના સાંનિધ્યમાં નવ વર્ષ પૂજયશ્રીએ વીતાવ્યા હતા : 36 વર્ષનો આચાર્યપદ પર્યાય તથા 85 વર્ષનો દીક્ષા પર્યાય હતો : આજે કાત્રજ (પુના)માં અંતિમ વિધિ કરાશે : જૈન સમાજમાં ભારે શોક
સાંજ સમાચાર

રાજકોટ, તા. 19

પુના(મહારાષ્ટ્ર) મુકામે સંઘસ્થવિર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના 8મા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજ સમાધિમય કાળધર્મ પામ્યા છે. 
જિનશાસને એક યોગીપુરૂષ ગુમાવ્યા અને સમુદાયે એક વિરાટ શિરછત્ર ગુમાવ્યાનો અહેસાસ થયો હતો. ગચ્છાધિપતિશ્રી  103 વર્ષનું દીર્ઘાયુ જીવન જીવી તા. 18ના રવિવારે સવારે 10.30 વાગે કાળધર્મ પામ્યા હતા.

પુનામાં અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવમાં નિશ્રા આપ્યા બાદ માંગલિક શ્રવણ કરાવી વિહાર કરી સુજય ગાર્ડન સોસાયટી સંઘ મુકામે પધાર્યા હતા. પ્રભુ ભકિતમાં મગ્ન બની સહુને માંગલિક-પચ્ચકખાણાદિ શ્રવણ કરાવી 103 વર્ષનું દીઘાર્યુ શુભાયુ પૂર્ણ કરી સહજતા અને સરળતા સાથે દેહ ત્યાગ કર્યો હતો.

સમગ જિનશાસનમાં સર્વાધિક દીક્ષા પર્યાય અને સર્વાધિક વય ધરાવતા પૂજયશ્રી પટેલ કુળનું ગૌરવ હતા. મહેસાણા જેતપુરના પટેલ પરિવારમાં જન્મ લીધા બાદ 14 વર્ષની વયે સર્વપ્રથમવાર નવકાર મંત્ર પ્રાપ્ત કર્યો હતો. 18 વર્ષન વયે જિનશાસનની દીક્ષાનો સ્વીકાર કર્યો હતો. પૂજયશ્રી ગચ્છાધિપતિ આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના સુશિષ્ય બન્યા હતા. પૂજયપાદ આગમોધ્ધારક બહુશ્રુતપુરૂષ આ.શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.ના સાંનિધ્યમાં 9-9 વર્ષ વીતાવ્યા હતા અને પૂ. આગમોધ્ધારકશ્રીના વરદ હસ્તે રજોહરણ પ્રાપ્ત કરનાર પુણ્યપુરૂષ હતા તેમને પૂ. આગમોધ્ધારકશ્રીના શ્રુતરક્ષાના સંકલ્પ, સમાધિની સિધ્ધિ અને સંયમ સાધનાના આશિર્વાદ મળ્યા હતા.

આજીવન પરમ-નિ:સ્પૃહ, વાત્સલ્યના દરિયા, શુધ્ધ બ્રહ્મચર્ય પાલક, ચુસ્ત સંયમી, સતત આગમ-સાહિત્યના  સંરક્ષણમાં રત હતા. આગમ સાહિત્યનું લાખો શ્લોક પ્રમાણ વાંચન, સ્વાધ્યાય તથા કંઠસ્થ અને હૃદયસ્થ કર્યુ હતું. સંયમ જીવનની સુદર્ઘ યાત્રામાં 11 આગમ મંદિર, અનેક પ્રાચીન તીર્થોના ઉધ્ધાર અને સંકડો દીક્ષા અને શાસન- પ્રભાવનાના સમર્થ નિશ્રા દાતા બન્યા હતા. 14 વર્ષનો ગચ્છાધિપતિ પદ પર્યાય, 36 વર્ષનો આચાર્ય પદ-પર્યાય,  85 વર્ષનો દીક્ષા પર્યાય પાળી સફળ સુકાની, સક્ષમ, સમર્થ ગુણકારક જાણી સમગ્ર જિનશાસને તેઓશ્રીને સંઘ-સ્થવિર તરીકે વધાવ્યા હતા. સત્કાર્યા હતા.

પૂર્ણ સ્વાવલંબી અને સ્વરૂપ મગ્ન, પુરૂષાર્થ યોગી, પુણ્ય પુરૂષ, પ્રજ્ઞા પુરૂષનું સંયમ જીવન, અપૂર્વ-સત્કાર્યો, સમાધિ મૃત્યુ જિનશાસનમાં સદા ચિર સ્મરણીય, સદાપૂજનીય બની રહેશે. 
પૂ. ગચ્છાધિપતિશ્રી જિનશાસનની તપાગચ્છીય પ્રવર સમિતિના સભ્ય હતા હવે પૂજયશ્રીના કાળધર્મ બાદ વચન સિધ્ધ પૂ. આ. શ્રી નરદેવસાગરસૂરીશ્ર્વરજી મહારાજા પ્રવર સમિતિમાં તથા સાગર સમુદાયના ગચ્છાધિપતિ તરીકે નિયુકત થયા છે.

જિનશાસન માટે આજનો દિવસ અત્યંત આઘાતજનક છે.શ્વેતાંબર પરંપરાના નાયક ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજા દિગંબર પરંપરાના નાયક પૂજય વિદ્યાસાગરજી મહારાજાની ચિરવિદાયથી સમગ્ર જિનશાસનને બહુ મોટી ખોટ પડી છે. જે કયારેય પૂરી નહિ શકાય.જૈનાચાર્ય તીર્થ અયોધ્યાપુરમમાં પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ. આ. શ્રી પ્રસન્નચંદ્રસાગરસૂરીજી મ.સા., પૂ. આ. શ્રી વિરાગચંદ્રસાગરસૂરીજી મ.સા. આદિ વિશાળ શ્રમણ-શ્રમણી વૃંદની નિશ્રામાં પૂજય સંઘસ્થવિરજીના દેવવંદન, અશ્રુભીની ગુણાંજલી અને ગુણોત્કીર્તન થયા હતા.

શ્રી સંઘને તેમજ સમુદાયને દીર્ઘદ્રષ્ટા આગમપુરૂષની ભારે ખોટ પડી છે : આચાર્ય શ્રી અભયદેવસૂરીજી મ.

રાજકોટ, તા. 19
આગમપ્રજ્ઞ સંઘ સ્થવીર વયોવૃધ્ધ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રી દોલતસાગરસૂરીશ્ર્વરજી મહારાજા 103 વર્ષે કાળધર્મ પામ્યા છે. 
શ્રી સંઘને તેમજ સમુદાયને દીર્ઘદ્રષ્ટા આગમપુરૂષની ખોટ પડી છે. આ અવકાશ પુરવો શકય નથી. જેઓશ્રીનું તન, મન અને જીવન આગમ મંદિર નિર્માણનું અને આગમ સંશોધનમય હતું. પ્રવર સમિતિમાં સાથે રહી સુંદર યોગદાન  આપ્યું હતું. જન્મે પટેલ હતા પણ પરમાત્માની ટેકનું લક્ષ્ય હતું આ ઘટનાથી અમો પણ દુ:ખની લાગણીનો અનુભવ કરીએ છીએ.
આ મહાન આત્માની અનુપસ્થિતિમાં તેઓની જીવંતહોરા  સમયે સમયે ઉપસ્થિતિનો અહેસાસ કરાવે તેવા સંવેદના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસૂરીજી મહારાજે કરી છે. 

એક જ દિવસે પ્રતિભા સંપન્ન બે જૈનાચાર્યોની વિદાય વસમી બની છે

રાજકોટ, તા. 19
જૈન શાસનના બે મહાન આચાર્યોની વિદાય થતા સમસ્ત જૈન સમાજમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. દિગંબર જૈન સમાજના સંત શિરોમણી, મહાન ધુરંધર, સ્થિતપ્રજ્ઞ, પ્રતિભા સંપન્ન, જન જનના આદરણીય સંત જૈનાચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ ચંદ્રગિરિ તીર્થ (છતીસગઢ) ખાતે કાળધર્મ પામ્યા છે તથા પુનામાં શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના સાગર સમુદાયના ગચ્છાધિપતિ આ. શ્રી દોલતસાગરસૂરીજી મ. પણ તા. 18ના રવિવારે કાળધર્મ  પામ્યા છે. બંને જૈનાચાર્યોની વિદાયથી જૈન સમાજ શોકગ્રસ્ત બન્યો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj