ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણેય તસ્કરને પકડી રૂ.31 હજારનો મુદામાલ કબ્જે કર્યો: પીએસઆઈ એમ.કે.મોવલિયા અને ટીમની કામગીરી
રાજકોટ. તા.30
સોરઠીયા વાડી સર્કલ પાસે કપડાની દુકાનમાંથી રોકડ રૂ.1.36 લાખની ચોરી થઈ હતી. જે બનાવ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દુકાનમાં કામ કરતાં શખ્સ સહિત ત્રણ શખ્સોને પકડી પાડી રૂ.31 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
કર્મચારી રણવીરે ડુપ્લીકેટ ચાવી બનાવી, કરણ વોચમાં હતો અને મામા કોહિનૂરે દુકાનના ખાનામાંથી હાથફેરો કર્યો, ત્રણેયે રૂ.31500 ભાગે પડતાં લીધાં હતાં.કરિયાણા અને પાન બીડીનું ખાતું થઈ જતાં મામા-ભાણેજે કપડાની દુકાનના કર્મી સાથે મળી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
બનાવ અંગે મવડીમાં ઓમનગર સર્કલ પાસે ગીરનાર સોસાયટીમાં રહેતાં વિવેકભાઈ બાબુભાઇ ઘેડીયા (ઉ.વ. 25) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોરઠીયાવાડી સર્કલ બગીચા સામે ગેંગસ્ટર મેન્સવેર નામની કપડાની દુકાનમા છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે અને તે જ દુકાન સંભાળે છે. દુકાનના માલીક યશ આસવાની છે, તે દુકાનમાં તેઓની નીચે ત્રણ વ્યકતીઓ જેમા કરણ, કાર્તીક તથા રણવીર ઉર્ફે રાણો કામ કરે છે.
ગઈ તા.10/04/2025 ના બપોરના સમયે તેમના મોટા ભાઈ મીત ઘેડીયા દુકાને આવેલ અને દુકાનના કેશ કાઉન્ટરમા તેણે તેના ધંધાના રૂ.1.35 લાખ એક-બે દિવસ માટે મુકેલ હતા. બાદ ગઈ તા.12 ના હનુમાન જંયતી હોવાથી જાહેર રાહદારીને ઠંડા પીણા પીવડાવવાનુ આયોજન ગ્રુપ સર્કલમા કરેલ હતુ. સવારના તેઓ પવનપુત્ર ચોક સોરઠીયાવાડી સર્કલ ખાતે ગયેલ અને થોડીવાર બાદ મોટો ભાઈ મીત પણ ત્યા આવેલ અને બાદમા બપોરના સમયે બંને દુકાન પર ગયેલ હતાં.
દુકાનના કેશ કાઉન્ટરમાં ચેક કરતા મોટા ભાઈ મીતે કેશ કાઉન્ટરમાં રાખેલ રૂ.1.35 લાખ હતા નહી, કેશ કાઉન્ટરના ઉપરના ખાનામા બીજા દુકાનના ધંધાના રૂ 1800 રાખેલ હતા તે પણ જોવામા આવેલ નહી, ચાવી ત્યા જ કેશ કાઉન્ટરના ખાનામા લગાડેલ હાલતમાં જોવામા આવેલ હતી, જેથી ચોરી થયાની શંકા જતા તુરંત જ દુકાનમા લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમા તા.12 ના 09/30 થી 09/32 સુધીમા એક અજાણી વ્યકતિ ખાખી કલર જેવો સીક્યુરીટીનો યુનિફોર્મ પહેરી દુકાનમા કપડા લેવા આવે છે, તેણે માથે ટોપી અને મોઢે માસ્ક બાંધેલ છે.
ત્યા હાજર તેમનો માણસ રણવીર ઉર્ફે રાણો પરમાર તેને કપડા પોતાની જાતે દુકાનની અંદર રહેલ સેલ્ફમા જોવાનુ કહે છે અને પોતે દુકાનની સાફ સફાઈ કરતો જોવામા આવે છે. તેમજ તે ગ્રાહક અંદર હોઈ છતા રણવીર ઉર્ફે રાણો દુકાનની બહાર કચરો સાફ કરવા જાય છે, એટલામાં તે અજાણ્યો માણસ જે કપડા જોતો હતો તેણે દુકાનની
અંદરના કેશ કાઉન્ટરમા લગાવેલ ચાવી ફેરવી તે ખાનુ ખોલી ઉપર-નીચે બંને ખાનામાથી મળી કુલ રૂ.1,36,800 ચોરી કરી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હરકતમાં આવી હતી.
અને પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, ચીરાગ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.મોવલિયા ટીમ સાથે તપાસમાં હતાં ત્યારે એએસઆઈ સંજય દાફડા, રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામશી કળોટરાને મળેલ ચોક્કસ બાતમીના આધારે તસ્કર રણવીર જીવરાજ પરમાર (ઉ.વ.19),(રહે. ખોડીયારનગર, શેરી નં.2), કરણ વાલજી સોલંકી (ઉ.વ.25),(રહે. આંબેડકરનગર, 80 ફૂટ રોડ)અને કોહિનૂર દિનેશ જાદવ (ઉ.વ.19),(રહે. સકવસ્તીક વીલા સોસાયટી) ને પકડી પાડ્યા હતાં.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, તસ્કર રણવીર તે દુકાનમાં જ કામ કરે છે અને કરણ અને કોહિનૂર મામો ભાણેજ છે. મામા ભણેજને કરિયાણા અને પાન બીડીનું દસેક હજારનું ખાતું થઈ જતાં રણવીરને વાત કરી હતી. જે બાદ ચોરીનો પ્લાન ઘડી રણવીરે ડુપ્લીકેટ ચાવી બનાવી હતી.
અને કરણ દુકાન બહાર વોચમાં હતો જ્યારે મામા કોહિનૂર સિક્યુરિટી ગાર્ડન ડ્રેસમાં આવી દુકાનના ખાનામાંથી હાથફેરો કર્યો હતો. બાદમાં ત્રણેયે રૂ.31500 ભાગે પડતાં લીધાં હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy