રાજકોટ તા.18
શહેરના ઈન્દીરા સર્કલ નજીક સર્જાયેલ બસ દુર્ઘટના બાદ મ્યુ.કોર્પો. તંત્રે એકશનમાં આવી ધડાધડ પગલા લેવાની સાથે બસ સર્વિસોના સંચાલન અને ડ્રાઈવરો માટે નવી પોલીસી જાહેર કરી દીધી છે.
જેમાં એજન્સી મારફત કાર્યરત વાહનોની યોગ્ય ચકાસણી કરી આરટીઓ-માન્ય સંસ્થાઓ દ્વારા ફીટનેસ સર્ટીફીકેટ દર વર્ષે 1 થી 30 એપ્રિલ દરમ્યાન મેળવવા ફરમાન કરાયું છે. તેની સાથોસાથ ભારે વાહનો માટેના ફરજ પરના ડ્રાઈવરોની વય મર્યાદા 25થી 58 વર્ષની નિયત કરવામાં આવી છે. તેમજ તેની પાસે ઓછામાં ઓછું બે વર્ષ જુનુ ડ્રાઈવીંગ લાયસન્સ હોવું આવશ્યક છે.
તેમજ અન્ય વાહનો માટે નિયમ અનુસાર નિયત અનુભવ હોય તેને જ બસ સર્વિસો અને ભારે વાહનો માટે ફરજ પર રાખવા જણાવાયું છે. ડ્રાઈવરો વાહનો થકી મ્યુ.કોર્પો.ને સેવા પુરી પાડતી એજન્સી પાસેથી ડ્રાઈવરો ફીઝીકલ ફીટ છે? તેની પાસે વેલીડ લાયન્સ છે? ડ્રાઈવરો પાસેથી નિયત કામના 8 કલાકથી વધુ કામ લેવાતું નથીને? તે અંગેનું સોગંદનામુ આપવા પણ ફરમાન કરાયું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી બસ સેવાના સંચાલક માટે નવી પોલીસે જાહેર કરી દેવામાં આવી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવાનું સંચાલન રાજપથ લી.કંપની દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે.
રાજપથ કંપનીના જનરલ મેનેજર દ્વારા પણ જણાવાયું છે કે રાજકોટમાં 80 રૂટ પર 100 સીએનજી અને 124 ઈલે. બસો મળી કુલ 224 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. હાલમાં થયેલ દુર્ઘટનાને ધ્યાને લઈ અત્રેની ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઈસીસીસી) જયાં ઈન્સ્ટોલ તમામ કેમેરાનું લાઈવ સ્ટ્રીમીંગ અને મોનેટરીંગ થાય છે ત્યાં અલગથી મેઈન પાવર રાખી શહેરમાં ચાલતી સીટી બસ સલામત રીતે વહન થાય તેનું મોનીટરીંગ કરવામાં આવશે.
► સીટી બસ, BRTS અને મ્યુ.કોર્પો.ના વાહનો જોખમી રીતે ચાલતા હોય તો કોલ સેન્ટર નંબર 155304 પર ફરિયાદ કરવા લોકોને અનુરોધ
જોખમી રીતે વાહન ચલાવનારા ડ્રાઈવરો સામે લેવાશે કડક પગલા
શહેરના પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેનું સંચાલન રા.મ્યુ.કો.ની કંપની રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના હેઠળ કુલ 80 રૂટ પર 100 સીએનજી અને 124 ઈલે. બસો મળી કુલ 224 બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવેલ છે. નાગરિકોને સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા ઉપરાંત નગરપાલિકાના કોઈપણ વાહન જોખમ કારક રીતે કે અકસ્માત સર્જે તે રીતે ચાલતું જણાય તો લોકોને કોલ સેન્ટર નંબર 155304 પર આ અંગેની ફરીયાદ કરવા માટે અનુરોધ કરવામાં આવેલ છે. જોખમી વાહન ચલાવનાર ચાલકો સામે મ્યુ.કોપો. દ્વારા કડક પગલા લેવાશે.
► 18 રૂટની સીટી બસો-BRTS સર્વિસોની ચકાસણી કરવા માટે અધિકારીઓની ટીમોની રચના કરતું મ્યુ.કોર્પોરેશન
વોર્ડવાઈઝ 93 જેટલા અધિકારીઓની ટીમ બનાવી સોંપાતી જવાબદારી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈન્દીરા સર્કલ નજીક સર્જાયેલ બસ દુર્ઘટના બાદ શહેરમાં કાર્યરત સીટી બસ સર્વિસો અને બીઆરટીએસ બસ સર્વિસોની ચકાસણી માટે વોર્ડવાઈઝ 93 જેટલા અધિકારીઓની ટીમો બનાવી આ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
જેમાં આજથી જ આ ઝુંબેશ આરંભી દેવામાં આવેલ છે. જે તા.30 એપ્રીલ સુધી ચાલશે. આ કામગીરીનું સુપરવિઝન ઈસ્ટ ઝોનના નાયબ કમિશ્ર્નરને સોપવામાં આવેલ છે. તેમજ મધ્યાહન ભોજન યોજનાના ના.કલેકટરને આ કામગીરીના સંકલન માટે જવાબદારી સોંપવામાં આવી છે.
આ સ્પે.ડ્રાઈવના અંતે એકશન ટેકન રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ ડ્રાઈવર દરમ્યાન તમામ ક્ષતિઓનું નિરાકરણ જનરલ મેનેજર દ્વારા લાવવામાં આવશે. શહેરના 18 વોર્ડના આ રૂટ પર ચાલી રહેલી બીઆરટીએસ અને સીટી બસ સર્વિસોના ચકાસણી માટે મ્યુ.કો. દ્વારા આ બસ ચેકીંગ ઝુંબેશ આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે 93 જેટલા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
► ઇન્દિરા સર્કલ પાસેનાં ગંભીર અકસ્માતની તપાસ માટે ખાસ ‘કમીટી’ રચતા મ્યુનિ. કમિશ્નર
‘ફેકટ ફાઇન્ડિંગ કમિટી’ તપાસનો પ્રાથમિક અહેવાલ એક માસમાં રજૂ કરાશે
ગત બુધવારે રાજકોટનાં ઇન્દિરા સર્કલ પાસે સર્જાયેલા અકસ્માતના અરેરાટીભર્યા બનાવની તપાસ માટે મ્યુનિ. કમિશ્ર્નર તુષાર સુમેરા એ ખાસ કમીટીની રચના કરી 11 સભ્યોની નિયુકિત કરી છે.
આ અંગે મ્યુનિ. કમિશ્ર્નર સુમેરાનાં જણાવ્યા મુજબ ગત તા. 16-4ના રોજ ઇન્દિરા સર્કલ પાસેના ટ્રાફિક જંકશન પાસે સીટી બસ દ્વારા સર્જાયેલ દુ:ખદ અકસ્માતને ગંભીરતાથી ધ્યાને લઇ અકસ્માતના કારણોની વિગતવાર તપાસ કરવા અને તેના તારણોના આધારે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘ફેકટ ફાઇન્ડિંગ કમીટી’ની રચના કરવામાં આવે છે
આ કમીટીમાં નાયબ કમિશ્ર્નર ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા (અધ્યક્ષ), જનરલ મેનેજર રાજકોટ રાજપથ લી. (સહ-અધ્યક્ષ), મેનેજર આર.આર.એલ (સભ્ય સચિવ), સીટી એન્જીનીયર, રોશની શાખા (સભ્ય), સીટી એન્જીનીયર મીકેનીકલ વર્કશોપ શાખા (સભ્ય), એ.સી.પી. વેસ્ટ, રાજકોટ શહેર પોલીસ વિભાગ (સભ્ય), આર.ટી.ઓ. ઓફિસર, રાજકોટ આર.ટી.ઓ. વિભાગ (સભ્ય), ટેકનીકલ એકસપર્ટ, સેપ્ટ યુનિવર્સિટી (સભ્ય), ટેકનીકલ એકસપર્ટ SVNIT(સભ્ય), ટેકનીકલ એકસપર્ટ, મિકેનિકલ વિભાગ GEC રાજકોટ (સભ્ય) અને ટેકનીકલ એકસપર્ટ IRC Class (સભ્ય)ની નિમણુંક કરાઇ છે.
ઉકત કમીટી દ્વારા અકસ્માતને લગત આનુષંગિક તમામ ટેકનિકલ, કાયદાકીય પાસાઓને આવરી લઇ અકસ્માતનું કારણ અને તેને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ 1 મહિનામાં રજુ કરશે ભવિષ્યમાં લેવા માટે જરૂરી સુધારાત્મક પગલા સહિતનાં વિસ્તૃત અહેવાલ 3 મહિનામં રજૂ કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy