જીતના યાદગાર સંભારણા સાથે ક્રિકેટરો રાંચી રવાના

10 દિવસના સૌથી લાંબા રોકાણ બાદ ભારતીય ટીમની રાજકોટમાંથી વિદાય

Sports | Rajkot | 20 February, 2024 | 04:23 PM
♦ સોમવારે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ હોટલની બહાર નીકળ્યા હતા: રોહિત સિવાયના અન્ય ખેલાડીઓ રૂમની પણ બહાર આવ્યા ન હતા
સાંજ સમાચાર

♦ ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ સ્પાઇસ જેટની એક જ ફ્લાઇટમાં ગયા: સપોર્ટ સ્ટાફ માટે પણ જુદી ચાર્ટર ફલાઇટ

 

રાજકોટ, તા.20
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજા ટેસ્ટ મેચમાં યાદગાર જીતના સંભારણા સાથે ક્રિકેટરો આજે રાજકોટથી વિદાય થયા હતા. ભારતીય ટીમે રાજકોટમાં પ્રથમ વખત 10 દિવસનું સૌથી લાંબુ રોકાણ કર્યું હતું. આજે બન્ને ટીમના ખેલાડીઓ એક સાથે એક જ ફ્લાઇટમાં ગયા હતા જ્યારે સપોર્ટ સ્ટાફ બીજી ફલાઇટમાં ગયો હતો.

રાજકોટમાં રમાયેલો ત્રીજો ટેસ્ટ ચાર જ દિવસમાં પૂરો થઇ ગયો હતો. એટલે ગઇકાલે (સોમવારે) ખેલાડીઓએ આખો દિવસ હોટલમાં જ ગાળ્યો હતો. કપ્તાન રોહિત શર્મા સિવાય કોઇ ખેલાડી રૂમની બહાર પણ નીકળ્યા ન હતા માત્ર લોકલ બોય રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ હોટલની બહાર ગયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હવે ચોથો ટેસ્ટ મેચ 23મીથી રાચીમાં રમાવાનો છે.

બન્ને ટીમો આજે રાજકોટથી સીધી રાચી ગઇ હતી સુત્રોએ જણાવ્યું કે બંને ટીમના ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફ માટે બે ચાર્ટર ફલાઇટ રાખવામાં આવી હતી. સ્પાઇસ જેટની ફલાઇટ સવારે 11.27 કલાકે રવાના થઇ હતી જેમાં બંને ટીમના સપોર્ટ સ્ટાફ સહિત 28 લોકો ગયા હતા. બીજી ફલાઇટ બપોરે 1.53 વાગ્યે રવાના થઇ હતી જેમાં ભારત-ઇંગ્લેન્ડના ખેલાડીઓ, કોચ સહિત 73 લોકો ગયા હતા. 

ભારતીય ટીમ પ્રથમ વખત રાજકોટમાં 10 દિવસનું રોકાણ કર્યું હતું. બીજા અને ત્રીજા ટેસ્ટ મેચ વચ્ચે સમયગાળો લાંબો હતો. રાજકોટ ટેસ્ટ 15મીથી શરુ થયો હતો પરંતુ ભારતીય ટીમ 11મી ફેબ્રુઆરીએ જ આવી ગઇ હતી. ઇંગ્લેન્ડની ટીમ બે દિવસ મોડી આવી હતી. આ રીતે ભારતની ટીમનું રાજકોટ રોકાણ 10 દિવસનું થયું હતું. મેચ પૂર્વેના દિવસોમાં ભારતીય ખેલાડીઓએ મેદાન પર નેટપ્રેક્ટિસ કરી હતી પરંતુ રવિવારે મેચ પુરો થયા બાદ સોમવારનો આખો દિવસ હોટલમાં જ ગાળ્યો હતો.

રાજકોટ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય થયો હોવાથી યાદગાર જીતના સંભારણા સાથે વિદાય થઇ હતી. ક્રિકેટ એસો.ના હોદેદારો ક્રિકેટ ટીમને વિદાય આપવા માટે હાજર રહ્યા હતા હોટલ થી એરપોર્ટ સુધી ખાસ સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રાજકોટ માટે પણ ટેસ્ટ મેચ યાદગાર બની ગયો હતો.

કારણ કે ખંઢેરી સ્ટેડિયમને નિરંજન શાહ નામકરણ કરાયા બાદ પ્રથમ ટેસ્ટમેચ હતો અને તેમાં ભારતની જીત થઇ હતી. રાજકોટમાં અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટમેચ રમાયા છે તેમાં ભારત બે જીત્યું છે અને એક મેચ ડ્રો થયો હતો. એટલે રાજકોટના મેદાન પર ભારતની ટીમ ક્યારેય હારી ન હોવાનો રેકોર્ડ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj