રાજકોટ, તા.24
પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. અકસ્માતોની વણઝાર વચ્ચે પણ રાજકોટ શહેર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ વાહન અકસ્માતના કેસોમાં 12.24 ટકાનો ઘટાડો થયાનો દાવો પોલીસે કર્યો છે.
શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને અને વાહન અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે માટે રોડ એન્જીનીયરિંગ, મહત્તમ ટ્રાફિક સિગ્નલ સંચાલન, સાઈનેજીસ અને પબ્લિક અવેરનેસ કાર્યક્રમો પરિણામલક્ષી હોવા જોઈએ તેમ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ રાજકોટ શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં મહત્વના સૂચન કરતા જણાવ્યું હતું. પોલીસ કમિશ્નરે શહેર ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવેલા વિવિધ કેસ અને જનજાગૃતિ અભિયાનની કામગીરીની નોંધ લેતા હજુ પણ આ કામગીરી વધુ અસરકારક રીતે કરવા અને વાહન ચાલકો વારંવાર નિયમોનું ઉલ્લંઘન ન કરે તેમજ ટ્રાફિક સેન્સ કેળવાય તે મુજબ કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો.
શહરેમાં છેલ્લા કેટલાકે વર્ષોથી જે રીતે વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતા શહેરમાં ટ્રાફિક સિગ્નલ વધારવા, રોડ એન્જીનીયરીંગ પર સતત કામ કરવા, નો પાર્કિંગ સહિતના સાઈનેજીસની પ્રભાવક કામગીરી કરવા પણ વિવિધ વિભાગના અધિકારીઓને આ તકે કમિશ્નરએ સૂચના આપી હતી. આ તકે ઉપસ્થિત અધિક પોલીસ કમિશ્નર શ્રી મહેન્દ્ર બગડિયાએ બ્લેક સ્પોટ ઉપરાંત અન્ય જગ્યાએ થતા ફેટલ અકસ્માતમાં તેના કારણો જાણી તેના નિરાકરણ માટે જરૂરી પગલાં લેવા સૂચન કર્યું હતું.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડી.સી.પી. પૂજા યાદવે તેમજ આર.ટી.ઓ. અધિકારી કેતન ખપેડે છેલ્લા ત્રણ માસમાં ટ્રાફિક ડ્રાઈવ અને માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત કરેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી. સરકારી કચેરી ખાતે હેલ્મેટ વિરોધી ઝુંબેશ, શાળા કોલેજ ખાતે લાઇસન્સ, શહેરના જુના વિસ્તારમાં દબાણ હટાવ, જુદી જુદી શાળા કોલેજમાં જનજગૃતિ કાર્યક્રમો, બાઈક રેલી,આઈ ચેકઅપ કેમ્પ, ચિત્ર-વકૃત્વ સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમોની વિગત પુરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રોડ સેફટીની બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ચર્ચાના અનુસંધાને જરૂરી સુધારાત્મક અમલવારી કરવામાં આવે છે,
જેની ફલશ્રુતિ રૂપે વર્ષ 2023ની સાપેક્ષે 2024માં ફેટલઅકસ્માતમાં 7.69%, ગંભીરઅકસ્માતમાં 6.25% સહીત કુલઅકસ્માતમાં 12.24% ઘટાડો નોંધાયેલ છે. આ બેઠકમાં મહાનગરપાલિકા, પીજી.વી.સી.એલ., હાઇવે ઓથોરિટી સહિતના વિવિધ વિભાગ દ્વારા વિવિધ સ્તરે કરવમાં આવેલી કામગીરીની માહિતી પૂરી પડાઈ હતી. આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મહેશ જાની, એ.સી.પી. જે.બી. ગઢવી, જે. વી.શાહ સહીત વિવિધ વિભાગના અધિકારી, પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy