9 થી 19મી સદીના જામનગરના ઐતિહાસિક વારસાનું વર્ણન કરતું પુરાતત્વીય સંગ્રહાલય

Gujarat, Saurashtra | Jamnagar | 18 May, 2024 | 03:05 PM
♦લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, તોપ, તામ્રપત્ર, પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને ક્ધઝર્વેશન વર્ક, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગાર તેમજ વ્હેલ માછલીનું હાડપિંજર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
સાંજ સમાચાર

જામનગર તા.18
દર વર્ષે 18મી મે ના રોજ વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્રારા 1992થી દરવર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે.  આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. ગુજરાતમાં કુલ 18 જેટલા સંગ્રહાલયો આવેલા છે. જે પૈકીનું એક છે જામનગરમાં આવેલું પુરાતત્વીય સંગ્રહાલય.

ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસ કાર્યમાં જામ શ્રી દિગ્વિજય સિંહજીના રસ અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ છે, પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના. જામનગર ખાતે સંગ્રહાલય સ્થાપિત કરવા માટે તેઓએ લાખોટા કોઠાને રાજ્યના પુરાતત્વીય વિભાગને ફાળવ્યો હતો અને આ માટે તેમનું અંગત સંગ્રહ પણ આપ્યું હતું. લાખોટા તળાવની વચ્ચોવચ આવેલ પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના વર્ષ 1946માં કરવામાં આવી હતી. આ સંગ્રહાલય 1960 થી ગુજરાત રાજયના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા હેઠળ કાર્યરત છે.

લાખોટા કોઠાની નવી જીર્ણોદ્ધાર થયેલી ઇમારતને 2001 ના ધરતીકંપ દરમિયાન નુકસાન થયું હતું. તેથી  ગુજરાત રાજય પુરાતત્વીય વિભાગ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસ દ્વારા જરૂરી તથા નોંધપાત્ર જીર્ણોદ્ધાર, રખરખાવ અને સંરક્ષણ યોજના હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 5 મી મે 2018ના રોજ પ્રસિદ્ધ લાખોટા કોઠા અને પુન:પ્રદર્શિત સંગ્રહાલયનું લોકાર્પણ કરાયું હતું. અને જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. રૂ.18 કરોડના ખર્ચે લાખોટા મ્યુઝિયમને રીનોવેટ કરી તેમાં જુદા જુદા ઐતિહાસિક વારસાઓનું વર્ણન કરતાં લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતની સુવિધાઓ ઊભી કરી સુંદર અને આકર્ષક પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાયો છે. 

લાખોટા કોઠામાં પુરાતત્વીય સંગ્રહાલયને પુન:પ્રદર્શિત કરાયું તેમાં નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેથી કરીને મુલાકાતીઓ સ્થાપત્ય વૈભવને માણી શકે, તેમજ એક સાંસ્કૃતિક ધરોહર તરીકે, તે શિક્ષણ, અભ્યાસ અને જાહેર જનતા માટે જ્ઞાન સાથે ગમ્મતનું સ્થળ પૂરવાર થાય.

 સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, તોપ, લઘુચિત્રો, કાષ્ઠ ચિત્રો, કાચનાં વાસણ, સિક્કા, ચલણી નોટ છાપવા માટેના ધાતુના બીબાં, તામ્રપત્ર, તમામ ભીત ચિત્રો તેમજ પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને ક્ધઝર્વેશન વર્ક, ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગારનો સમાવેશ થાય છે. જે ઈતિહાસની ઝાંખી તેમજ  9 થી 19મી સદીના જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે.

મ્યુઝીયમમાં તમામ ઐતિહાસિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. તેમજ જામનગરના એક માત્ર સંગ્રહાલયમાં વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર મૂકવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ સંગ્રહાયેલી વસ્તુઓ તો ઠીક, પરંતુ તેના ભવનનિર્માણની વાસ્તુકલા માટે પણ અજોડ છે. 

પુરાતત્વીય સંગ્રહાલય 11 વિભાગોમાં જામનગરનો સાંસ્કૃતિક વારસો અને પ્રાદેશિક ઇતિહાસને 321 કલાકૃતિઓના પ્રદર્શન દ્વારા રજૂ કરે છે. જે આપણા વારસાની ઉજવણી અને અર્થપૂર્ણ સંદર્ભમાં અધિકૃત અને નોંધપાત્ર કલાકૃતિઓનો અનુભવ કરાવે છે. જો બીજા શબ્દોમાં કહીએ તો, પુરાતત્વીય સંગ્રહાલય, જામનગર જિલ્લાની ઓળખની સંક્ષિપ્ત પરિચયની ગાથા પ્રદર્શિત કરે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj