રાજકોટ તા.14
ટ્રમ્પ મોદીની મુલાકાત પણ શેરબજારને બુસ્ટર ડોઝ આપવામાં નિષ્ફળ હોય તેમ આજે વધુ કડાકો સર્જાયો હતો. આક્રમણકારી વેચવાલીથી સેન્સેકસમાં 600 પોઈન્ટથી વધુનુ ગાબડુ પડયુ હતું. રોકડાના શેરોમાં કારમી પછડાટ હતી. ઈન્વેસ્ટરોનાં 9 લાખ કરોડ ડુબવા સાથે માર્કેટ કેપીટલાઈઝેશન 400 લાખ કરોડથી નીચે ઉતરી ગયુ હતું. આજે ટ્રેડીંગ દિવસમાં ઈન્વેસ્ટરોનાં 27 લાખ કરોડનું ધોવાણ થયુ છે.
શેરબજારમાં આજે શરૂઆત ગ્રીનઝોનમાં હતી. મોદી-ટ્રમ્પની મુલાકાતને ફળદાયી ગણાતા માર્કેટ તેજીમય ખુલ્યુ હતું પરંતુ ગણતરીની મીનીટોમાં આક્રમક વેચવાલી શરૂ થઈ જતા પાછુ પડવા લાગ્યુ હતું અને રેડઝોનમાં ઉતરી ગયુ હતું. મોદી-ટ્રમ્પની મુલાકાતની વિગતવાર વિગતો હવે જાહેર થશે તેવા મત સાથે વેચવાલી શરૂ થઈ હતી.
ભારત પણ ટેરીફમાંથી છટકી નહિં શકે તેવા ટ્રમ્પના વિધાનને ગંભીર ગણવામાં આવતું હતું. અમેરીકા ટેરીફવોર ચાલુ જ રાખશે તેવી ભીતિ વ્યકત થતી હતી. વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલી ડોલર સામે રૂપિયાની સતત નબળાઈ વૈશ્વિક સ્તરે ભૌગોલીક ટેન્શનમાં હજુ કોઈ રાહત મળવાના સંકેત ન હોવા સહીતના કારણોથી માનસ નબળુ જ બની રહ્યું હતુ.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે બજેટ, વ્યાજદર ઘટાડો, મોદીનો અમેરીકા પ્રવાસ સહિતનાં પોઝીટીવ કારણો પુરા થયા છે. મોંઘવારી મોરચે રાહત હોવા છતા તેની કોઈ સાનુકુળ અસર ન હતી. માનસ જ નબળુ પડી ગયાનું સુચવાય રહ્યું છે.
શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં ઘટાડો હતો. એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેન્ક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઈટન, અદાણી પોર્ટ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેન્ક, કોટક બેંક, લાર્સન, મહિન્દ્ર, મારૂતી જેવા શેરોમાં ગાબડા હતા. નેસલે, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, ટીસીએસ, નેસલે બ્રિટાનીયા વગેરેમાં સુધારો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 634 પોઈન્ટના ગાબડાથી 75504 હતો તે ઉંચામાં 76483 તથા નીચામાં 75439 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 244 પોઈન્ટ ઘટીને 22786 હતો તે ઉંચામાં 23133 તથા નીચામાં 22774 હતો.
બીએસઈમાં આજે 4001 શેરોમાં ટ્રેડીંગ થયુ હતું તેમાંથી માત્ર 508 માં સુધારો હતો. 3390 માં ઘટાડો હતો. 39 શેરો વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા જયારે 566 માં ગાબડા હતા. 88 શેરોમાં તેજીની સર્કીટ હતી. જયારે 482 માં ઉંધી સર્કીટ હતી.
બીએસઈનું કુલ માર્કેટ કેપીટલાઈઝેશન આજે 400 લાખ કરોડથી નીચે ઉતરીને 397 લાખ કરોડ થયા બાદ અંતિમ તબકકામાં રિકવરીથી ફરી 400 લાખ કરોડના સ્તરે આવી ગયુ હતું. શેરબજારમાં સળંગ તેજીને પગલે છેલ્લા આઠ ટ્રેડીંગ દિવસમાં ઈન્વેસ્ટરોની 27 લાખ કરોડની મુડીનું ધોવાણ થયુ હતુ.
સોનુ 89000, ચાંદી ફરી 1,00,000ને પાર
સોના-ચાંદીમાં જોરદાર તેજી: વિશ્વસ્તરે નવા-નવા ભાવ
રાજકોટ તા.14
સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનુ ઓલટાઈમ હાઈ તરફ છે. અત્યાર સુધીનો સૌથી મોટો ભાવવધારો ચાંદીમાં આવ્યો છે. આજે સોનામાં રૂા.500 અને ચાંદીમાં રૂા.3625 નો ધરખમ વધારો નોંધાયો છે. તેની સાથે જ સોનુ 89000ના સ્તરે પહોંચી ગયુ છે અને ચાંદી ફરી 1 લાખને પાર પહોંચી ગયુ છે.
વૈશ્વિક મંદીની અસર બજાર પર જોવા મળી છે. અમેરિકાનું કન્ઝયુમર ઈન્ફલેકશન ધારણા કરતા ઉંચુ આવતા સોનામાં હેજીંગ ડિમાંગ વધી હતી. કારણ કે ઈન્ફલેશનના વધારા સામે સોનુ અને ચાંદી બેસ્ટ હેજીંગ ટુલ્સ છે. વર્લ્ડ માર્કેટમાં સોનુ વધીને 2922.90 ડોલર અને ચાંદી 32.51 ડોલરે પહોંચી ગયુ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેનના યુદ્ધ સમાપનની વાત કરી હતી જેને પગલે તાત્કાલીક પગલા લેવા જણાવ્યુ હતું. ટ્રમ્પની જાહેરાત બાદ સોના ચાંદીની તેજીની ગતિ ધીમી પડી હતી. પરંતુ ટ્રેડવોરને કારણે વધી રહેલુ ઈન્ફલેકશન અને ઈકોનોમીક ક્રાઈસીસની અસર ચાલુ થઈ. આથી સોનુ ચાંદીમાં તેજીની ગતિ હજુ ચાલુ છે.
ફેબ્રુઆરી માસની શરૂઆતથી જ સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા 15 દિવસમાં સોનામાં રૂા.4200 અને ચાંદીમાં રૂા.4000નો વધારો થયો છે. લાંબા સમય બાદ ચાંદી 1 લાખને પાર પહોંચ્યુ છે.
ગત મહિનાની શરૂઆતમાં સોનાનો ભાવ રૂા.79000 અને ચાંદીનો રૂા.90000 હતો ત્યારે એક માસમાં ચાંદી અને સોનામાં રૂા.10000નો વધારો થયો છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા પરીસ્થિતિ સર્જાય છે. સતત વધતા ભાવે વેપારીઓને પણ મુંઝવણમાં મુકયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy