અદિતિ મંડળીના કેસમાં પૂર્વ મંત્રી, સભાસદ, કોમ્પ્યુટર ઓપરેટરના આગોતરા જામીન રદ

Crime | Rajkot | 18 May, 2024 | 04:30 PM
આ ઓર્ગેનાઈઝડ ઈકોનોમીક ઓફેન્સ જે ખૂન તથા કેન્સર કરતા પણ ગંભીર અને દેશની કરોડરજજુને અસર કરતો ગુનો છે : ફરિયાદી પક્ષની દલીલ
સાંજ સમાચાર

રાજકોટ તા.18
રૂ.30 કરોડ બેંકમાં જમા ન કરાવી તેમાંથી રૂ.13 કરોડની ઉચાપત કરી ફોર્જરી આચરાવાના ગુન્હામાં અદિતિ મંડળીના પૂર્વ મંત્રી, સભાસદ, કોમ્પ્યુટર ઓપરેટર સહીત ત્રણ આરોપીના આગોતરા જામીન રાજકોટ સેશન્સ કોર્ટે રદ કર્યા છે. ફરિયાદીના વકીલ સુરેશ ફળદુએ કોર્ટમાં દલીલ કરેલી કે, આ ઓર્ગેનાઈઝડ ઈકોનોમીક ઓફેન્સ જે ખૂન તથા કેન્સર કરતા પણ ગંભીર અને દેશની કરોડરજજુને અસર કરતો ગુનો છે.

કેસની વિગત મુજબ, સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર રાજકોટની શ્રી અદિતિ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી.ના પ્રમુખ જગદિશસિંહ જાડેજા સહીતના 14 તથા તપાસમાં ખુલવા પામે તે તમામ વિરુદ્ધ આર.ડી.સી. બેંકમાંથી લીધેલ લોનની રકમ રૂ.29,59,50,070 તા.31/12/2023 ની સ્થિતિએ ચડત વ્યાજ સાથે બેંકમાં જમા ન કરાવી તેમાથી રકમ રૂ.12,77,84,732 પોતાના તથા સગા, પરીવારના અંગત આર્થિક લાભમાં ઉપયોગ કરી ખોટા હિસાબો બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ મેળવી ગુન્હો આચરવા બદલ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.

એફ.આઈ.આર.માં જણાવેલ આરોપીઓ પૈકી અદિતિ મંડળીના પ્રમુખ જગદીશસિંહ જાડેજાના ભાઈ અને મંડળીના પૂર્વ મંત્રી ઉપેન્દ્રસિંહ સજુભા જાડેજાએ અલગથી તથા અન્ય ભાઈ અને વ્યવસ્થાપક કમિટીના સભ્ય અરૂણસિંહ સજુભા જાડેજા તથા કોમ્પ્યુટર ઓપરેટર બ્રિજરાજસિંહ અરૂણસિંહ જાડેજા દ્વારા અલગથી એ રીતે બે આગોતરા જામીન અરજીઓ રાજકોટની સેશન્સ કોર્ટમાં દાખલ કરેલ.

જેમાં સરકાર તરફે તથા બેંકના એડવોકેટ દરજ્જે એડવોકેટ સુરેશ ફળદુએ દલીલ કરી કે, રૂપિયા સગા, પરિવારના ખાતાઓમાં જમા લઈ પબ્લીકના નાણાનો દુરવ્યય કરી પ્લાનીંગ પુર્વક ઈકોનોમીક ઓફેન્સ આચરેલ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ઈકોનોમીક ઓફેન્સને કેન્સર તથા ખૂન કરતા પણ ગંભીર ગણાવેલ છે. કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન વગર ગુનાના મુળ સુધી પહોંચવું શક્ય નથી.

દલીલો ધ્યાને લઈ ત્રણેય આરોપીની આગોતરા જામીન અરજીઓ નામંજુર કરવા કોર્ટે હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી આર.ડી.સી. બેંક વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, જય પીઠવા, તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રિન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવિન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા તથા સરકાર તરફે અતુલભાઈ જોષી રોકાયેલ હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj